• Home
  • News
  • વેક્સીન ન આવે તો સીઝનલ ફલૂ બની શકે છે કોવિડ-19, એટલે દર વર્ષે પરત ફરશે; 2022 સુધી તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે
post

હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે અસરકારક સારવાર અથવા વેક્સીન વિના કોરોનાને સમાપ્ત કરી શકાશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 11:10:06

નવી દિલ્હી: બે મહિનામાં કોરોનાવાયરસ ચીનથી નીકળીને અને સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. વિશ્વના અડધાથી વધુ લોકો કોરોનાવાયરસના ડરથી ઘરે રહેવા મજબૂર છે. વાયરસે 1.5 લાખ લોકોનો જીવ લીધો છે. અમેરિકા જેવા શક્તિશાળી દેશો પણ લાચાર છે. પરંતુ મોટો પ્રશ્ન હજી પણ છે કે આ મહામારી કેવી રીતે સમાપ્ત થશે?


થોડા દિવસો પહેલા યુ.એસ. કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સના ડો. એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, કોરોના સીઝનલ ફલૂ અથવા સીઝનલ રોગ બને તેવી સંભાવના છે. હવે સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં પણ આ જ વાત સામે આવી છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોનાવાયરસની અસરકારક સારવાર અથવા વેક્સીન ન મળે ત્યાં સુધી રોગચાળો સમાપ્ત કરવો અશક્ય છે. આ મુજબ, વેક્સીન અથવા અસરકારક સારવાર વિના કોરોના સીઝનલ ફ્લૂ બની શકે છે અને 2025 સુધી દર વર્ષે આનું સંક્ર્મણ થાય તેવી સંભાવના છે.

કોરોના કેમ સીઝનલ ફ્લૂ બની શકે છે?
સૌ પ્રથમ, આ રોગનું નામ કોવિડ -19 છે, જે સાર્સ કોવ -2 નામના કોરોનાવાયરસથી ફેલાય છે. કોરોનાવાયરસ ફેમિલીમાં જ સાર્સ અને મર્સ જેવા વાયરસ પણ હોય છે. સાર્સ 2002-03 અને મર્સ 2015માં ફેલાઈ ચૂક્યા છે. એક જ ફેમિલીમાં બે હ્યૂમન વાયરસ પણ હોય છે. પ્રથમ: HCoV-OC43 અને બીજું: HCoV-HKU1.

સાર્સ અને મર્સ જેવી મહામારીઓથી  ટૂંક સમયમાં રાહત મળી હતી. જ્યારે, HCoV વાયરસ દર વર્ષે શિયાળાની ઋતુમાં માણસોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસને કારણે શિયાળાની ઋતુમાં ઠંડી-ઉધરસ થાય છે.

ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) કોઈપણ રોગ સામે લડવામાં મદદગાર છે. વ્યક્તિની ઇમ્યૂન સિસ્ટમ જેટલી સ્ટ્રોંગ હશે, તે કોઈપણ રોગ સામે લડવામાં એટલો જ સક્ષમ હશે. તેથી જ્યારે આપણે બીમાર હોઈએ છીએ, ત્યારે આપણું શરીર તે રોગ સામે લડવાની ઇમ્યુનીટી બનાવે છે અને આપણે સાજા થઈએ છીએ.

હવે HCoV પર પાછા આવીએ. દર વર્ષે માણસોને ઠંડીની સીઝનમાં શરદી-ઉધરસ થાય છે. આનો અર્થ એ છે કે મનુષ્યમાં રોગપ્રતિકારક શક્તિ ફક્ત આ વાયરસ સામે લડવા માટે ટૂંકા ગાળા માટે વિકસે છે. આ જ કારણ છે કે આપણને દર વર્ષે શરદી થાય છે.

એ જ રીતે, જો સાર્સ કોવ -2 સામે લડવાની ઇમ્યુનીટી પણ ટૂંકા ગાળાની છે, તો પછી આ વાયરસ આપણા જીવનનો એક ભાગ બની શકે છે અને દર વર્ષે પાછો આવી શકે છે. એટલે કે, કોરોનાવાયરસ અથવા કોવિડ -19ની સિઝનલ ફ્લૂ થવાની સંભાવના પણ છે.

2025 સુધી ચાલુ રહી શકે છે આ બીમારી

હાર્વર્ડ યુનિવર્સિટીની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જો કોવિડ 19ને લઈને ઇમ્યુનીટી બની ગઈ તો પણ આ બીમારીને સંપૂર્ણપણે સમાપ્ત કરતા 2025 જેટલો સમય થશે. જોકે આ વાતની સંભાવના પણ બહુ ઓછી છે કારણકે, એકલા દક્ષિણ કોરિયામાં જ કોરોનાથી સ્વસ્થ થયેલા 111 લોકોને ફરીથી ચેપ લાગ્યો છે.

કોરોના સામે લડવા માટે મોટાભાગના દેશોમાં લોકડાઉનમાં છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લોકડાઉનથી પણ કોરોના સંક્ર્મણને રોકી શકાય તેમ નથી. તેમના કહેવા મુજબ, લોકડાઉન લાગુ કરવાથી કેટલાક દિવસો માટે કોવિડ -19ના સંક્ર્મણને ટૂંકાવી શકાય છે અથવા રોકી શકાય છે, પરંતુ લોકડાઉન ખુલતાંની સાથે જ સંક્ર્મણ ફરીથી ફેલાશે. તેથી જ્યાં સુધી કોવિડ -19 માટે કોઈ અસરકારક ઉપચાર અથવા વેક્સીન ન આવે ત્યાં સુધી તે ટાળવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટન્સિંગ છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોલોજી અને ઇન્ફેક્શિયસના રિસર્ચર અને આ સ્ટડીના લીડ લેખક સ્ટીફન કિસલેર માને છે કે કોવિડ -19થી બચવા માટે આપણે ઓછામાં ઓછું 2022 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવું પડશે.

ટોટલ લોકડાઉન નહીં, પરંતુ કેટલાક પ્રતિબંધો 1.5 વર્ષ સુધી ચાલુ રાખવા પડશે
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકાર એરિન મોર્દકાઈ કહે છે કે, જ્યારે 1918માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો ત્યારે અમેરિકાના કેટલાક શહેરોએ અચાનક 3 થી 8 અઠવાડિયા માટે પ્રતિબંધ હટાવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ટૂંક સમયમાં ફ્લૂ વધુ સ્થળોએ ફેલાઈ ગયો. સ્પેનિશ ફ્લૂથી 50 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો હતો, જ્યારે 5 કરોડ લોકોના મોત થયા હતા.

એરિન આગળ જણાવે છે કે આપણે કોરોનાના ડર માટે 1.5-2 વર્ષ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાની જરૂર નથી, પરંતુ આપણે 12 થી 18 મહિના સુધી કેટલાક નિયંત્રણો ચાલુ રાખવાના રહેશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post