• Home
  • News
  • ધો.9ના વિદ્યાર્થીની ગજબની કોઠાસૂઝ:ભણતર સિવાયના સમયમાં 15 હજારમાં ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી, 3 કલાકના ચાર્જમાં 40ની સ્પીડે 30-40 કિમી ચાલે
post

આ નિર્માણથી લોકોને સારો એવો ફાયદો પણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 18:02:37

રાજકોટના ધોરાજી શહેરમાં ધો.9ના વિદ્યાર્થીએ પોતાની કોઠાસૂઝથી રેગ્યુલર સાઇકલમાંથી ઇલેક્ટ્રિક સાઇકલનું નિર્માણ કર્યું છે. માત્ર 15થી 17 હજારના ખર્ચે બનેલી આ સાઇકલ 30-40 કિલોમીટર જેટલી સ્પીડ આપે છે તેમજ આ સાઇકલ પ્રદૂષણમુક્ત માનવામાં આવે છે. હાલ આ સાઇકલ સ્થાનિકોમાં સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું અને આ સાઇકલ બનાવનાર વિદ્યાર્થી સાથે શાળા પરિવારનું પણ ગૌરવ વધ્યું છે.

પ્રદુષણમુક્ત સાઇકલ
આ સાઇકલ બનાવનાર અને ધોરણ 9માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી હંસ ચવાડિયાએ જણાવ્યું હતું કે, આ સાઇકલ હાલ 15થી 17 હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થઈ છે. જેને 3 કલાક ચાર્જિંગ કર્યા બાદ આ સાઇકલ 30થી 40 કિલોમીટર સુધી ચાલે છે અને આ સાઇકલની સ્પીડ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. આ સાઇકલ પ્રદૂષણમુક્ત છે. લોકોને વધુ ઉપયોગી અને સસ્તી થઈ શકે તે માટે આગામી દિવસોમાં વધુ પ્રયત્ન હાથ કરવામાં આવી રહ્યા છે. આ સાઇકલ ઇલેક્ટ્રિક દ્વારા ચાલતી હોવાથી સંપૂર્ણપણે પ્રદૂષણથી મુક્ત હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

વિદ્યાર્થીએ સમય વેડફવાના બદલ નવું સર્જન કર્યું
આદર્શ શાળાના આચાર્ય પરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, ધોરાજીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો પોતાની કોઠાસૂઝથી કંઈક નવીન આવિષ્કાર કરવા, ટેક્નોલોજી ક્ષેત્રમાં નવું સંશોધન કરવા માટે પ્રયત્ન કરે છે. કેન્દ્ર સરકારની સહાયથી અટલ ટિન્કરિંગ લેબ બનાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના મગજથી શોધ અને જ્ઞાન સાથે કંઈક નવું ઉપયોગી થાય તે માટેનું સતત પ્રયત્ન કરતા હોય છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક સાઇકલનો આવિષ્કાર કર્યો છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પોતાનો સમય સોશિયલ મીડિયા તેમજ અન્ય ગેમ્સ રમવા અને વીડિયો જોવા માટે બગાડતા જોવા મળે છે. ત્યારે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સમયનો વેડફાટ કરવાને બદલે સદુપયોગ કરી કોઠાસૂઝથી અનોખો આવિષ્કાર કર્યો છે. જેને લઈને આ વિદ્યાર્થીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ નિર્માણથી લોકોને સારો એવો ફાયદો પણ થશે.

શાળા પરિવાર દ્વારા બાળકોને મદદ મળે છે
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ પોતાની કોઠાસૂઝથી જે સાઇકલનું નિર્માણ કર્યું છે. તેમાં શાળા પરિવાર દ્વારા પૂરતો સાથ અને સહકાર આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની આવી સુંદર કામગીરીઓ બદલ તેમને વારંવાર પુરસ્કાર આપી બિરદાવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ વધુ પ્રોત્સાહિત કેમ થાય અને તેમનામાં રહેલું કૌશલ્ય કઈ રીતે બહાર આવે તે માટે મેનેજમેન્ટ અને શાળા પરિવાર દ્વારા સમયાંતરે જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવે છે.

સાઇકલ આગામી દિવસોમાં કાર્યરત કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ધોરાજીની આદર્શ શાળામાં અંદાજે 2,200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તેમજ તેમનામાં રહેલી ખૂબીઓ, ખાસિયતો, કૌશલ્યને વધુ ને વધુ વિકસિત કરવા તેમજ તેમનામાં રહેલા સારા ગુણોને લોકો ઉપયોગમાં લઈ શકે તેમજ તેમના કૌશલ્યને વધુ પ્રાધાન્ય મળે તે માટે શાળા તરફથી સહકાર આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી દ્વારા નિર્માણ કરવામાં આવેલી આ સાઇકલ હજુ ઓછા ખર્ચમાં અને વધુ ને વધુ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.







adv

Related News

post
post
post
post
post
post
post