• Home
  • News
  • વાવાઝોડાની અસર:તાઉ-તે વાવાઝોડાના કારણે અમરેલી અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ, પરિસ્થિતિ અતિ ગંભીર , 200થી વધુ વૃક્ષો ધરાશાયી
post

ભારે પવન સાથે વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:48:49

ગુજરાતના અમરેલી, વેરાવળ, જૂનાગઢ, ભાવનગરમાં 3 કલાકમાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી છે. અમરેલી અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ જતા તંત્ર કામે લાગ્યું છે. જ્યારે ભારે પવન સાથે વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ઉનામાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસરઃ ઉનાના MLA
ઉનાના ધારાસભ્ય પુંજા વંશે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. રાત્રિના 8 વાગ્યાથી વીજળી ગુલ થઇ ગઇ છે. સાંજના 6 વાગ્યા બાદ પવનની ગતિ વધી છે. તોફાની પવન ફૂંકાય રહ્યો છે. 130થી વધુની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉના, દિવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સાચો ચિતાર સવારે ખબર પડે.
સમગ્ર ઉના શહેરમાં અંધારપટ છવાઈ ગયો
તાઉ-તે વાવાઝોડાના આગમન પૂર્વે જ ઉના શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ ફૂંકાયેલ જોરદાર પવનના પગલે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનો ઉના પાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશીએ જણાવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધરાશાયી થયેલ વૃક્ષોને હટાવવા માટે પાલીકાની ટીમ અને NDRFની ટીમના સભ્યો કામે લાગ્યા છે. તો બીજી તરફ ઉના શહેરમાં ભારે પવન ફૂંકાતા લાઈટ ડુલ થઈ જતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે.

ઉનામાં એક ઈંચ જેટલો વરસાદ
વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના અમરેલી, વેરાવળ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં સૌથી વધુ ઉનામાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં 10 મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

ઉના અને ગીરગઢડામાં 77 કિમીની ઝડપે પવન ફૂંકાયો
ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ, તાલાલા, સુત્રાપાડા વિસ્તારમાં 63 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જયારે જિલ્લામાં સૌથી વધુ કોડીનારમાં 80 કિમી તથા ઉના અને ગીરગઢડામાં 77 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ગીર સોમનાથમાં વરસેલા વરસાદની વિગત

·         વેરાવળ - 4 મિમિ

·         સુત્રાપાડા - 9 મિમિ

·         તાલાલા - 3 મિમિ

·         કોડીનાર - 10 મિમિ

·         ગીરગઢડા - 14 મિમિ

·         ઉના - 31 મિમિ

 

adv

Related News

post
post
post
post
post
post
post