• Home
  • News
  • 14 દિવસમાં રાજ્યમાં આજે સૌથી વધુ 13 પોઝિટિવ કેસ, કુલ 87માંથી 46 લોકલ ટ્રાન્સમિશનના, 33 વિદેશ પ્રવાસના કેસ
post

કુલ 87 દર્દીમાંથી 3 વેન્ટીલેટર પર છે, 71ની હાલત સ્થિર અને 7ને રજા આપી અને 6ના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 10:02:22

અમદાવાદ. સમગ્ર ગુજરાત અને રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને ગુરૂવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે. તેને 14 દિવસની સઘન સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રાજ્યમાં આજે સવારે અમદાવાદમાં જ કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા. જો કે બપોર બાદ પોરબંદરમાં બે, પંચમહાલમાં એક અને સુરતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ 14 દિવસમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. આ પહેલા 19 માર્ચે બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 23 માર્ચે 12 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ 87 દર્દીમાંથી 3 વેન્ટીલેટર પર છે, 71ની હાલત સ્થિર છે અને 7ને રજા આપી દેવામાં આવી છે જ્યારે 6 લોકોના મોત થઈ ગયા છે. આજના 13 પોઝિટિવ કેસમાંથી વિદેશ પ્રવાસનો 1, આંતરરાજ્યના-4, લોકલ ટ્રાન્સમિશનના 8ના કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ 87 કેસમાંથી 33 વિદેશ પ્રવાસના, 46 લોકલ ટ્રાન્સમિશન અને 8 આંતરરાજ્યના છે. અત્યાર સુધીમાં કુલ 1726 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11ના રિપોર્ટ બાકી છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે એક જ દિવસમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બી.જે. મેડિકલમાં સારવાર લઈ રહેલા એક મહિલા દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. એક જ દિવસમાં 13 નવા દર્દીઓ નોંધાતા જ રાજ્યમાં કુલ દર્દી 87 થઈ ગયા છે. તેમજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે, ફેક્ટરી માલિકોએ તમામ શ્રમિકોને પગાર આપવો પડશે.

માઇગ્રેશન અંગે કેન્દ્ર સરકાર તથા સુપ્રીમ કોર્ટ દ્વાર અડવાઇઝરી જાહેર
કેન્દ્ર સરકારની અડવાઈઝરી 

·         માઇગ્રન્ટ શ્રમિકો જ્યાં હશે ત્યાં જ રહેશે. મકાન માલિક કે રોજગારદાતા તેમને દૂર કરશે નહીં 

·         શ્રમિકો જ્યાં હશે ત્યાં ક્વૉરન્ટિન સહિતની અન્ય તમામ તબીબી સગવડો આપવી 

·         શ્રમિકો જે જગ્યાએ સમુહમાં રહેતા હશે ત્યાં અન્ય બાબતો અંગે કાળજી રાખવી 

સુપ્રીમ કોર્ટનો હુકમ 

·         કોરોના સંબંધમાં ખોટી અફવાઓ ફેલાવનાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ સજાને પાત્ર રહેશે

·         આ કાયદા હેઠળ કરવામાં આવેલ હુકમની અવમાનના સજાને પાત્ર રહેશે 

·         કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું તમામ લોકોએ પાલન કરવાનું રહેશે 

·         પ્રિન્ટ, ઇલેક્ટેનિક અને સોશિયલ મીડિયા પોતાની જવાબદારી સમજી આધાર વગરના તથા ભય ઉત્પન્ન કરે તેવા સમાચારો ટાળશે 

·         તમામ રાહત કેમ્પોમાં તાલીમબદ્ધ કાઉન્સિલરો લોકોનો ભય દૂર કરવની કામગીરી કરશે

·         માઇગ્રન્ટ સાથે માનવીય વર્તન કરવામાં આવશે 

·         માઇગ્રન્ટની કલ્યાણકારી પ્રવૃત્તિ માટે પોલીસ સાથે વોલન્ટિયર નિમવામાં આવશે 

હાઈકોર્ટનો સવાલ, તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી આવેલા લોકોને કેમ પ્રવેશ આપ્યો

જ્યારે હાલ રાજ્યમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાંથી આવેલા લોકોને લઈ પણ મામલો ગરમાયો છે. ગુજરાતમાંથી નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી છે. હાઈકોર્ટે ધાર્મિક સ્થળો પરના જમાવડા બંધ કરવા સરકારને આદેશ કર્યો છે. તેમજ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે કેટલા લોકો ગુજરાતમાં આવ્યા આવ્યા અને તેમને કેમ પ્રવેશ આપ્યો તે અંગે ખુલાસો કરવા કહ્યું છે. આવા લોકોનું ગુજરાતમાં સ્કેનિંગ કેમ ન થયું. ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી છતાં કેમ જમાવડો થયો.

દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમ અંગે  જણાવ્યું કે, દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા. જેમાં અમદાવાદ-34, ભાવનગર-20, મહેસાણા-12, વલસાડ-2, બોટાદ-4નો સમાવેશ થાય છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે અને 71 ક્વોરન્ટીનમાં છે. વધુ તપાસ ટેક્નિકલ ડેટાના આધારે તપાસ ચાલી રહી છે. આવા જે લોકો ત્યાં ગયા હતા તેઓ સામેથી ચાલીને પોલીસને આપે. તમારા સ્વાસ્થ માટે સારું છે.લોકોના ધ્યાને આવે કે કોઈ ત્યાં ગયા હોય તો પોલીસને જાણ કરવી. ધાર્મિક સ્થળો પર ન જવા અપીલ કરું છું.ધાર્મિક સ્થળ પર પણ જો 4થી વધુ લોકો એકઠા થશે તો ગુનો નોંધવામાં આવશે.પોલીસ હવે ધાર્મિક સ્થળો પણ ચેક કરશે.

16 ડોક્ટરની મહિને 30 હજાર પગારે હંગામી નિમણૂક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 75 તબીબો અને 1122 નર્સની હંગામી ધોરણે ભરતી કરી છે. અલગ અલગ ઝોનમાં 10થી લઇને 16 ડોક્ટરોની 11 મહિના માટે હંગામી ધોરણે મહિને રૂ. 30 હજારના પગારે નિમણૂક કરવામાં આવી છે. નર્સને રોજની ચાર કલાકની નોકરીમાં 3 મહિના માટે હંગામી ધોરણે મહિને રૂ. 10 હજાર પગાર અપાશે. 3 મહિના માટે કરવામાં આવેલી આ ભરતી બાદ મ્યુનિ.માં ખાલી પડેલી 354 પેરામેડિકલની જગ્યાઓ પર કરાર આધારિત ભરતી કરાશે. તેમના ક્વોલીફીકેશન અને કામગીરીને ધ્યાને લઇ નિમણુૂક આપવામાં આવશે અને તે પણ 11 માસના કરાર આધારીત હશે. બે દિવસમાં આ સ્ટાફને હાજર થવા સૂચના અપાઈ છે. 

153 ડ્રોનથી નજર રાખવામા આવી રહી છે
પોલીસ વડાએ આગળ કહ્યું કે લોકડાઉન બાબતે પોલીસ અધિકારીઓ પોઇન્ટ પર પોલીસકર્મીઓને સૂચનાઓ આપશે. કઈ રીતે ફરજ બજાવવી અને તેમનું ધ્યાન રાખશે. ડીસીપી, એસીપી અને જિલ્લા પોલીસવડા આ કામગીરી કરશે. વન વિભાગ, RTOના કર્મચારીઓ પણ પોલીસને મદદ કરશે.શહેરોમાં લોકડાઉનનો અમલ કરાવવામાં આવશે.153 ડ્રોનથી નજર રાખવામા આવી રહી છે. માલવાહક વાહનને છૂટી આપવામાં આવી છે.માણસોની હેરફેર કરતા વાહનો જપ્ત કરી અને ગુનો નોંધવામાં આવશે.

31 માર્ચને બદલે 31 મે સુધીમાં ધિરાણ પરત કરી શકશે

ખેડૂતો અંગે મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલું ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂતને ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોને ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરવામાં આવી છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે. 

હોટસ્પોટ અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ નવા કેસ અમદાવાદમાં છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. જેમાં 67 સ્ટેબલ છે, 03 વેન્ટિલેટર પર છે અને 6ને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ક્વૉરન્ટીનની સંખ્યા 19206 છે. જેમાંથી 18487 હોમ ક્વૉરન્ટીન, 743 સરકારી ક્વૉરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન છે. રાજ્યમાં કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે. જ્યારે 3 ટેસ્ટ પેન્ટિંગ છે. દિલ્હીમાં તબ્લિક જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા ગુજરાતના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તાંદલજા, નસવાડી અને વલસાડમાં આ લોકોને ક્વૉરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post