• Home
  • News
  • ગરબા આયોજકો સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું, 30 ઓગસ્ટ સુધી મંજૂરીની કોઈ જ વિચારણા નથી
post

આયોજકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત 30 ટકા ખેલૈયાને પ્રવેશ આપવાની તૈયારી દર્શાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 09:22:32

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે શ્રાવણ મહિનાના તહેવારોમાં મોટા ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક મેળાઓ યોજવાની મંજૂરી સરકારે આપી નથી એવા સંજોગોમાં આગામી નવરાત્રિમાં ગરબાના આયોજનોને લઇને રાજ્યના ગરબા આયોજકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ગરબા આયોજકોએ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરેલી બેઠકમાં રૂપાણીએ તેમને 30 ઓગસ્ટ સુધી મંજૂરી અંગેની કોઇ વિચારણા નહીં હોવાની જાણ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 30 ઓગસ્ટ બાદ કોરોનાના કેસોની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોઇ નિર્ણય લેવાશે તેમ પણ જણાવ્યું હતું.

રાજ્યના વિવિધ શહેરોના ઇવેન્ટ મેનેજરો અને ગરબા આયોજકો નવરાત્રિના આયોજનને લઇને સીએમને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિમાં ગરબાના આયોજનની તૈયારીઓ દર વર્ષે માર્ચ - એપ્રિલમાં શરૂ થઇ જતી હોય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે આયોજન અંગે મૂંઝવણભરી સ્થિતિ છે. ગુજરાતમાં ગરબાના આયોજન થકી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે આ તમામ મુદ્દાઓ અંગે સીએમ સાથે ચર્ચા થઇ હતી. ગરબા આયોજકોએ મેદાનની કુલ ક્ષમતાના 30 ટકા ખેલૈયાઓને એન્ટ્રી આપવા સહિતની તૈયારી દર્શાવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા આયોજન માટે પણ તૈયાર છે પરંતુ સરકારે હાલની સ્થિતિએ આયોજન અંગે કોઇ મંજૂરી આપી શકાય નહીં તેમ જણાવ્યું હતું.

ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ કહ્યું કે આ મોટી ઇન્ડસ્ટ્રી છે અને ઘણા લોકો રોજગાર મેળવી રહ્યા છે તો તેમાં શું થઇ શકે તે મુદ્દે ચર્ચા કરી હતી. સીએમએ અમને કહ્યું છે કે 30 ઓગસ્ટ સુધી આ મામલે મંજૂરી મળે તેવી કોઇ શક્યતા નથી. એ પછી જો સ્થિતિ સુધરી રહી હોવાનું જણાશે તો વિચારણા કરીને ગાઇડલાઇન જારી કરાશે.

શહેરમાં દર વર્ષે ક્લબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ મળીને 80થી 90 જગ્યાએ રાસ-ગરબાનું આયોજન થતું હોય છે. ગત વર્ષે દિવાળી સુધી વરસાદ રહ્યો હોવાથી 65 આયોજકોએ જ રાસ-ગરબા યોજ્યા હતા. અગાઉ પોલીસે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ગરબાને મંજૂરી નહીં આપવાનો અભિપ્રાય આપ્યો હતો. આયોજકોનું કહેવું છે કે, છેલ્લી ઘડીએ મંજૂરી મળે તો સ્પોરન્સર્સ શોધવા સહિતની બાબતોમાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે આયોજકોએ 3 મહિના પહેલાથી નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવી પડે છે. છેલ્લી ઘડીએ મંજૂરી મુશ્કેલી થાય તેવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post