• Home
  • News
  • અમદાવાદમાં એક સપ્તાહમાં જ કોરોના પોઝિટિવ કેસ 125થી 60 ટકા ઉછળીને 197 થઈ ગયા, હજી સ્થિતિ વણસવાના સંકેત
post

રેડમાં પણ રેડેસ્ટ ઝોનમાં પ્રવેશી ચૂકેલો કોટ વિસ્તારઃ જમાલપુર-બહેરામપુરામાં પણ કેસ ઓછા થવાનું નામ લેતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 09:15:32

અમદાવાદ: કોરોના મહામારીનો અમદાવાદમાં જાણે ફરી વિસ્ફોટ થઈ રહ્યો છે. અગાઉ 17 એપ્રિલ સુધી રોજના કેસની સરેરાશ 90ની નીચે રહેતી હતી. પરંતુ ત્યારબાદ 21 એપ્રિલથી જાણે રોજબરોજ કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેમ પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. આ સ્થિતિ અમદાવાદમાં જાણે કોરોનાનો ઉથલો મારી રહ્યો હોય તે પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે. આ કારણથી જ 21 એપ્રિલે અમદાવાદમાં 125 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા જે આંક એક સપ્તાહમાં 60 ટકા જેટલો ઉછળીને 197નો થઈ ગયો છે.

21 એપ્રિલથી અમદાવાદમાં સતત ઉછળી રહેલા કોરોના પોઝિટિવ કેસ
અમદાવાદ મ્યુનિ.એ જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર ગત 21 એપ્રિલના રોજ અમદાવાદમાં 125, 22મીએ 128, 23મીએ 151, 24મીએ 169, 25મીએ 182, 26મીએ 178 અને 27મીએ 197 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સરેરાશ જોઈએ તો 21 એપ્રિલથી અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે. વચ્ચે 26 એપ્રિલે માત્ર ચાર કેસનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 27મીએ ફરી 19 કેસ વધી જતાં કોરોના પોઝિટિવનો આંક 197 થઈ ગયો હતો. આમ, અમદાવાદમાં કેમેય કરીને કોરોના પોઝિટિવ કેસનો આંક નિયંત્રણમાં આવી રહ્યો નથી.

કોટ વિસ્તાર-જમાલપુર-બહેરામપુરા-દાણીલીમડા રેડેસ્ટ ઝોન

સામાન્ય રીતે જે વિસ્તારમાં કોરોનાના નોંધપાત્ર પોઝિટિવ કેસ નોંધાય તેને રેડ ઝોનમાં નાંખવામાં આવે છે. આમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો કાલુપુર, દરિયાપુર જેવા કોટ વિસ્તારો ઉપરાંત જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા વગેરે વિસ્તારો ઉપરાંત હવે તો માણેકચોકની અમુક પોળોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. આ કારણે આ વિસ્તારો હવે રેડમાં પણ રેડેસ્ટ એટલે કે સૌથી જોખમી ઝોનમાં આવી ગયા છે. છેલ્લા સાત દિવસ દરમિયાન પૂર્વ અમદાવાદમાં આવેલા આ રેડ ઝોન વિસ્તારોમાં એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે ત્યાં નોંધાયેલા કેસની સંખ્યા 90થી નીચે ગઈ હોય.

ફુવારા વલંદાની હવેલીમાં એક સાથે 25 પોઝિટિવ કેસનો વિક્રમ

ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં કોઈ એક જગ્યાએ એક જ દિવસે સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવવાનો વિક્રમ ગાંધીરોડ ફુવારા વિસ્તારમાં કેટી પ્લાઝા પાછળ આવેલી વલંદાની હવેલીનો છે. ચાઈના માર્કેટ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે કેટી પ્લાઝાની પાછળ પ્રતાપગલી પાસે આવેલા વલંદાની હવેલી વસાહતમાં એક સાથે 25 જણાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં કોઈ એક જ સ્થળે એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાની આ અત્યારસુધીની સૌથી મોટી ઘટના છે.
21
એપ્રિલ- 125
22
એપ્રિલ - 128
23
એપ્રિલ- 151
24
એપ્રિલ-169
25
એપ્રિલ-182
26
એપ્રિલ-178
27
એપ્રિલ-197