• Home
  • News
  • અમદાવાદના માધવપુરામાં 7 શખસે આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી દીધો, તંગદિલીનો માહોલ, પોલીસના ધાડેધાડા ઊતર્યા, બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા
post

પોલીસ દ્વારા ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 6 શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 17:52:09

શહેરના માધવપુરા વિસ્તારમાં મોડી રાતે યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી ગઈ છે. યુવક બુલેટ લઈને નીકળ્યો હતો ત્યારે 7 શખસ તેની પાસે આવ્યા હતા અને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને લઈને માધવપુરામાં તંગદિલીનો માહોલ જોવા મળતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ખુદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. બનાવના પગલે સમગ્ર માધવપુરા બજાર બંધ રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 6 શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમયાત્રા નીકળી હતી.

જૂની અદાવતમાં યુવાનની હત્યા કરાઈ
મળતી માહિતી મુજબ, માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર નામનો 19 વર્ષીય યુવક ગઈકાલે મોડીરાતે બુલેટ લઈને આંટો મારવા માટે ગયો હતો. કૃણાલ માધવપુરા વિસ્તારમાં આવેલા મેન્ટલ હોસ્પિટલ પાસે પાન પાર્લર પાસે ઊભો હતો. ત્યારે જૂની અદાવત રાખીને 7 લોકો તેની પાસે આવ્યા હતા અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. છરીના ઘા વાગતાંની સાથે જ લોહીથી લથબથ કૃણાલ જમીન પર ઢળી પડ્યો હતો, જ્યા તેનું મોત થયુ હતું. ઘટનાની જાણ માધવાપુરા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કૃણાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મામલો ગરમાય એ પહેલાં પોલીસ પહોંચી હતી
કૃણાલની હત્યા થતાંની સાથે જ માધવપુરા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને મોડીરાતે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. કૃણાલની લાશને મોડીરાતે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. કૃણાલના મોતથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે. જ્યારે વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. મોડીરાતે મામલો વધુ ગરમાય એવી શક્યતા હતી, જેના કારણે પોલીસનો કાફલો માધવપુરા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમાધમાટ શરૂ કર્યો છે, જ્યારે હત્યારાઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.

આરોપીનાં નામ

·         કરણ મહેન્દ્ર રાજપૂત

·         પીયૂષ ઠાકોર

·         ચિરાગ ઠાકોર

·         રાજ લક્ષ્મણ ઠાકોર

·         દશરથ ઠાકોર ઉર્ફે કાળું

 

સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો
કૃણાલ ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે મોડીરાતે ઝોન 2ના ડીસીપી, એસીપી, માધવપુરા પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો, ત્યારે આજે સવારે પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. માધવપુરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે સમગ્ર વિસ્તારને પોલીસછાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. જ્યારે કૃણાલની અંતિમવિધિમાં પણ પોલીસનો કાફલો તહેનાત હતો. હત્યા અંગે માધવપુરા પોલીસે 5 વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત 6 શંકાસ્પદ શખસની પણ પોલીસે અટકાયત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post