• Home
  • News
  • અમદાવાદમાં સેક્ટર-1ની સરખામણીએ સેક્ટર-2માં ગુનાખોરીનું પ્રમાણ બમણું
post

સાત મહિનામાં ૩૫ લોકોની હત્યા, ૫૩ની હત્યાની કોશિષના ગુના: એટલે દર મહિને ૫ હત્યાની ઘટના બને છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:31:17

અમદાવાદ શહેરના સેક્ટર-૨ના તમામ વિસ્તારોમાં ફુલીફાલી રહેલા ગુંડારાજ પર લગામ કસે તેવા ઉચ્ચ આઈપીએસ અધિકારીની જરૃર હોવાની સ્થાનિકોમાં ચર્ચા શરૃ થઈ છે. સેક્ટર-૧ કરતાં સેક્ટર-૨ના વિસ્તારોમાં છેલ્લા સાત માસમાં હત્યા, હત્યાની કોશિષ અને મારામારીનો ગ્રાફ બમણો હોવા છતાં પણ ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ તંત્રના શુષ્ક વલણથી પ્રજામાં નારાજગી સાથે ભયનો માહોલ સર્જાયો છે. સાત જ મહિનામાં સેક્ટર ૨ વિસ્તારોમાં ૩૫ હત્યાની ઘટના તો ૫૩ હત્યાના પ્રયાસ અને ૫૮૧ મારામરીના બનાવ બન્યા છે. એટલે એક અંદાજ પ્રમાણે દર મહિને હત્યાના પાંચ બનાવ, હત્યાના પ્રયાસના ૭ અને મારામારીની ૮૩ ઘટના બને છે.

બીજી તરફ પૂર્વ વિસ્તારમાં  ડ્ર્ગ્સના દૂષણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે છતાં પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક એજન્સીઓ દ્વારા જ અવારનવાર સેક્ટર-૨ વિસ્તારમાંથી હાર્ડકોર ગુનેગારોને ઝડપીને કાર્યવાહી કરાય છે. પરંતુ સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાનું લોકોનું કહેવું છે.

અમદાવાદ શહેેરના સેક્ટર ૧ વિસ્તારની તુલનામાં સેક્ટર-૨ વિસ્તારમાં ગુનાખોરી સતત માથું ઊંચકી રહી હોવા છતાં પણ ગુંડાઓ પર પક્કડ મેળવવા માટે તંત્ર દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. હત્યા, હત્યાના પ્રયાસમારામારીના બનાવો ઉપરાંત વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી ઔરહ્યો છે.

લોકડાઉનના સમયગાળામાં પણ પોલીસ અસામાજિક તત્ત્વો પર પક્કડ મેળવવામાં નિષ્ફળ ગયાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેની પાછળ ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા કારણભૂત હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓ સહિત અનેક લોકોને આપઘાત કરવાનો વારો આવ્યો છે. છેલ્લા બે માસમાં જ હત્યાના ૯ બનાવ સેક્ટર ૨ વિસ્તારમાં નોંધાઈ ચૂક્યા છે. સ્થાનિકોમાં પોલીસની કામગીરી પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુંડા તત્ત્વો, માથાભારે શખ્સો, બુટલેગરો અને વ્યાજખોરો પર લગામ કસે તેવા ઉચ્ચ આઈપીએસ અધિકારીની તત્કાળ જરૃરિયાત હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ચાલુ વર્ષે કૃષ્ણનગર વિસ્તારમાં ગેંગવોરને ભાગરૃપે ફ્રેક્ચર ગેંગના સભ્ય પર જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી.

દારૃ-જુગારના અડ્ડા બંધ કરાવવા માટે ગૃહમંત્રીને અરજી આપવી પડી

સેક્ટર-૨માં અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દારૃ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે સ્થાનિકોની રજૂઆત ઉચ્ચ પોલીસ અધિકારી ધ્યાને ના લેતા હોવાથી લોકોને ગૃહમંત્રીને લેખિત અરજી મોકલવી પડી હતી. આ વિસ્તારમાં છ જેટલા બુટલેગરોએ એક વ્યક્તિને પોલીસનો બાતમીદાર સમજીને ઘાતક હથિયારોથી સજજ થઈ ઘેરી લીધો જો કે, સ્થાનિકોએ તેણે બચાવ્યો હતો. બીજી તરફ ગુંડાઓ જાહેરમાં ખુલ્લા હથિયારો લઈ સ્થાનિકોને મારવા દોડયા હતા. આમ પોલીસની ઢીલી નીતિને પગલે ગુંડાઓ બેફામ બન્યા છે.

કુબેરનગરમાં યુવકને ગુંડાઓએ ૧૩ વખત માર્યો, પોલીસ કહે છે સમાધાન કર

કુબેરનગરમાં રહેતાં સુરેશ પરમાર નામના યુવકને સ્થાનિક ગુંડાઓએ માથામાં પાઇપ મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કુબેરનગર પોલીસ પહોંચી અને ફરિયાદીને કહ્યું કે, એક જ નામ લખાવ. હોસ્પિટલમાંથી યુવકને જબરજસ્તી રજા અપાવી દીધી, બીજી તરફ પોલીસ સહી કરી જા અને સમાધાન કરી લે. યુવકે પોતાની અરજીમાં લખ્યું છે કે, માથાભારે શખ્સોએ તેણે ૧૩ વખત મારમાર્યો છે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આમ પોલીસની દમનગીરીથી નિર્દોષો પરેશાન થઈ રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post