• Home
  • News
  • કોઈપણ સ્થિતિમાં સરકાર રથયાત્રાને મંજૂરી આપશે: જગન્નાથ મંદિર ટ્રસ્ટી
post

‘સરકારની મંજૂરી મળશે તો 1985ની જેમ ગજરાજો વડે રથ ખેંચાવીશું’

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:16:28

અમદાવાદ: જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે, જ્યારે અમદાવાદની રથયાત્રા અંગે હજી સુધી રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ જમાલપુરના જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને રથયાત્રા કાઢવાની મંજૂરી મળશે જ તેવો પૂરેપૂરો વિશ્વાસ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, રાજ્ય સરકાર અધિકારીઓ તથા એક્સપર્ટ્સની ટીમ સાથે સરવે કરી રથયાત્રા કાઢવાની ચોક્કસ મંજૂરી આપશે.

બુધવારે બપોર સુધીમાં સરકાર રથયાત્રા કાઢવી કે નહિ તે અંગે નિર્ણય લઈ લેશે. રથયાત્રા માટે સરકાર ના નહિ પાડે, છતાં અંતે સરકારના આદેશનું પાલન કરીશું. જો સરકાર હાથી સાથે રથ ખેંચવાની મંજૂરી આપશે તો આસામથી બોલાવાયેલા તેમ જ મંદિરના ચાર હાથી મળીને કુલ આઠ હાથીની મદદથી રથ ખેંચવાની અમારી તૈયારી છે.

તમામ હાથીઓની મેડિકલ તપાસ કરાશે
જમાલપુરના જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મહિના અગાઉ આસામથી રથયાત્રા માટે ચાર હાથી મગાવાયા હતા. તેમાંથી એક નર છે, જેનું નામ બલરામ છે. જ્યારે બાકીનાં ત્રણ માદા છે, જેમનું નામ સુભદ્રા, જાનકી અને રૂપા છે. રૂપાની ઉંમર 25 વર્ષ છે. તેમના ટ્રેનર મુન્નાભાઈના જણાવ્યા મુજબ, રથયાત્રા સંદર્ભે તમામ હાથીઓને વિશેષ ટ્રેનિંગ આપીએ છીએ. રોજ વહેલી સવારે મુખ્ય હાથીને રથયાત્રા માટે ઊઠકબેઠક કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છેે. રથયાત્રાના બે દિવસ પહેલાં તમામ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. 

ગજરાજ બેરિકેડ તોડી રથને મંદિર બહાર લાવ્યા હતા
વર્ષ 1985માં અમદાવાદમાં તોફાનો થયાં હતાં તે સમયે પણ રથયાત્રા કાઢવી કે નહિ તે વિશે અવઢવની સ્થિતિ હતિ. શહેરમાં તંગદિલીને જોતાં રથયાત્રા બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે ગજરાજ સરજુપ્રસાદ મંદિરના પટાંગણમાં રહેલા ભગવાનના રથને ખેંચીને બહાર નીકળ્યો હતો. પોલીસ દ્વારા મંદિરની બહાર સુરક્ષા માટે આડશ મૂકવામાં આવી હોવા છતાં ગજરાજ સરજુપ્રસાદે તેને દૂર હડસેલી રથને ખેંચી ગયો હતો. મંદિરના અગ્રણીઓ કહે છે કે, આ જોઈને સાધુ-સંતોને થયું હતું કે ગમે તે થાય ભગવાનની ઇચ્છા છે તો રથયાત્રા યોજાવી જ જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post