ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ: PM મોદી
ખેરાલુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે આજે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મહેસાણામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું.
ચંદ્રયાન-3 અને G-20ની સફળતાથી દુનિયા અચંબિત: PM મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના ખેરાલુમાં ચંદ્રયાન-3 અને G-20ની સફળતાથી ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વનો કોઈ દેશ અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારમાં પોતાનું યાન ન ઉતારી શક્યો ત્યાં ભારત સફળતા પૂર્વક પહોંચ્યું. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના લોકો અને નેતાઓ ભારતની સફળતાથી અચંબિત થઈ ગયા છે.
પીએમ નરેન્દ્ર મોદી મહેસાણામાં રેલી સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતું. લગભગ 1 લાખ લોકોની ભીડ પીએમ મોદીની એક ઝલક જોવા માટે સવારથી ત્યાં પહોંચવા લાગી હતી. અનેક લોકો પોતાના પારંપારિક પોશાકમાં રેલીમાં પહોંચ્યા હતા.
પીએમ મોદીએ મહેસાણામાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીથી ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. મા નર્મદાનું પાણી દરેક ઘરમાં પહોંચ્યુ છે. ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉત્તર ગુજરાતના બટાકાની ડિમાન્ડ છે. બનાસકાંઠામાં મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દુનિયાભરમાંથી લોકો અહીં ડેરી મોડલ જોવા માટે આવે છે.