• Home
  • News
  • રાજસ્થાન કોંગ્રેસમાં ફૂટ, CM પદ માટે અશોક ગહલોત અને સચિન પાયલટ સામ-સામે
post

અશોક ગહલોતે મુખ્યમંત્રી બન્યાના 8 મહિના પછી ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને આડકતરી રીતે કહી દીધું કે રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાના સપના ન જોવે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:37:25

રાજસ્થાન: રાજસ્થાનમાં ભલે કોંગ્રેસે સરકાર બનાવી દીધી હોય પરંતુ પાર્ટીમાં સતત ખેંચતાણ ચાલ્યા કરે છે. અત્યાર સુધી ઈશારા-ઈશારામાં એક બીજા પર હુમલા કરતાં અશોક ગહેલોત અને સચિન પાયલટનો વિવાદ હવે ખુલીને બધાની સામે આવી ગયો છે. સચિન પાયલટ કહે છે કે, જનતાએ અશોક ગહેલોતના નામ પર વોટ નથી આપ્યો અને આવો જ આરોપ ગહલોત સચિન પાયલટ પર લગાવી રહ્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત વિશે કહેવામાં આવે છે કે, તેમને ખબર છે કે ક્યાં, ક્યારે અને કેટલું બોલવું. તાજેતરમાં જ બજેટ રજૂ કર્યા પછી પત્રકારો સાથે વાત કરતાં અશોક ગહેલોતે મુખ્યમંત્રી બન્યાના 8 મહિના પછી ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને સ્પષ્ટ કહી દીધું કે તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાના સપના ન જોવા જોઈએ.

અશોક ગહેલોતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં લોકોએ તેમના નામ પર વોટ આપ્યા છે. તેમને મુખ્યમંત્રી બનાવવા માટે જ મત આપ્યા છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ પણ તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. બીજા કોઈના નામે વોટ નથી મળ્યા. જે લોકો મુખ્યમંત્રી બનવાની રેસમાં પણ નહતા હવે તેઓ તેમના નામ આગળ લાવી રહ્યા છે.

હકીકતમાં એવું કહેવામાં આવે છે કે, મુખ્યમંત્રી અશોક ગહેલોત સચિન પાયલટના મુખ્યમંત્રી બનવાના છુપા અભિયાનથી પરેશાન છે અને બજેટ રજૂ કર્યા પછી આ મુદ્દે આર-પાર કરવાના મુડમાં છે. આ રીતે ગહેલોતે ઈશારા-ઈશારામાં સ્પષ્ટ કહી દીધું છે કે, રાજસ્થાનના બોસ તેઓ છે. અહીં બે નેતા નહીં ચાલે. પરંતુ 5 વર્ષથી રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ રહીને વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કરનાર નેતા સચિન પાયલટ પણ ચૂપ બેસે તેમાના નથી.

સચિન પાયલટને એવું લાગે છે કે, 5 વર્ષ સુધી મહેનત અમે કરી અને જ્યારે મલાઈ ખાવાનો સમય આવ્યો ત્યારે ગહેલોત વચ્ચે આવી ગયા. પાયલટને લાગતુ હતું કે, ચૂંટણી પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમને મોકો આપશે પરંતુ તેવું કશુ જ ન થયું. કોઈ પત્રકારે પૂછ્યા વગર જ સચિન પાયલટે કહી દીધું હતું કે, રાજસ્થાનમાં સરકાર પાર્ટી કાર્યકર્તાઓની મહેનતથી બની છે. રાજસ્થાનમાં સરકાર રાહુલ ગાંધી કે અન્ય કોઈના નામથી પણ બની નથી.

પાયલટે બજેટ વિશે વાત કરવા પત્રકારોને બોલાવ્યા હતા પરંતુ કોઈએ અશોક ગહેલોતના નિવેદન વિશે પ્રતિક્રિયા નહતી માગી તો પણ જાતે કહી દીધું અને પત્રકારોને એવું પણ કહ્યું કે, તમે લોકો તો કોઈ અઘરા સવાલ નથી પુછતા. માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં હવે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ એ સપાટીએ પહોંચી ગયો છે કે, જો આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો પાર્ટી માટે ઠીક નહીં થાય અને સરકાર ચલાવવાનું પણ કોંગ્રેસ માટે મુશ્કેલ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post