• Home
  • News
  • અમરેલીના રામપરા ગામમાં એકસાથે 8 સિંહ લટાર મારવા નીકળ્યા, સાવજોને જોઈ વાહનોનાં પૈડાં થંભી ગયાં
post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં અવારનવાર સિંહ ઘૂસી આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 17:48:39

અમરેલી: ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લો ખુલ્લામાં ફરતા સિંહોને લઈ પ્રખ્યાત થઈ રહ્યો છે. દિવસે ને દિવસે સિંહનાં ટોળેટોળાં જિલ્લાનાં ગામોમાં લટાર મારવા કે શિકારે આવી ચઢે છે. ત્યારે તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત સિંહનાં ટોળાંની લટારનો વીડિયો રાજુલાના રામપરા ગામેથી સામે આવ્યો છે, જેમાં એકસાથે આઠ જેટલા સિંહ દેખાઈ રહ્યા છે.

ગ્રામજનોમાં ભયનો માહોલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આઠ જેટલા સિંહ બિનધાસ્ત ગામના રસ્તાઓ પર ફરી રહ્યા છે. રામપરા ગામના રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે. ત્યારે બીજી બાજુ, આ પ્રકારે ગામમાં સિંહોની હાજરી હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભયના માહોલ વ્યાપી ગયો છે. ગામમાં એકસાથે આટલી સંખ્યામાં સિંહોની અવરજવર હોવાના કારણે ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ મામલે વન વિભાગને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સિંહો વારંવાર ગામમાં આવી ચઢે છે, જેથી ગ્રામજનોમાં વન વિભાગને લઈ નારજગી ઊભી થઈ રહી છે.

સરપંચે લેખિતમાં રજૂઆતો કરી હતી
રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા લેખિતમાં વન વિભાગ અને સાંસદ સુધી રજૂઆત કરવામાં આવી હતી કે ગામનાં કીમતી પશુના શિકાર કરવામાં આવી રહ્યાં છે, જેને કારણે વન વિભાગ વધુ વળતર આપે તો ખેડૂતોને મળી શકે. વન વિભાગ પેટ્રોલિંગ રાખી સિંહોને રામપરા ગામના રહેણાક વિસ્તારથી દૂર ખસેડે, ગામના લોકો ડરી રહ્યા છે.

એક મહિના પહેલાં અહીં જ ત્રણ સિંહ આવ્યા હતા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં અવારનવાર સિંહ ઘૂસી આવે છે. એક મહિના પહેલાં પણ આ જ સ્થળ પર ત્રણ સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. ત્યાર બાદ ગત રાત્રિએ અહીં એકસાથે આઠ સિંહ જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં સિંહ પરિવારના આંટાફેરા કેદ થયા બાદ વીડિયો વાઈરલ થતાં ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે. જ્યારે થોડા દિવસ અગાઉ રાજુલાના ભેરાઇ ગામમાં મધરાતે પાંચ સિંહોએ ત્રાડ પાડી આખલા પર તરાપ મારી હતી. જોકે આ ત્રાડના કારણે દેવદાસ નામના ખેડૂત જાગી ગયા હતા. તેઓ ઘરની છત પર ચડી ગયા હતા અને હાકલા પડકારા કર્યા હતા, જેથી સિંહોને અધૂરો શિકાર મૂકીને પરત ફરવું પડ્યું હતું. એ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post