• Home
  • News
  • સુરતમાં કારચાલકે રોડ પર જતાં શાકભાજીની લારીવાળાને ઉલાળ્યો, ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું
post

પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહેલ વહાલસોયા દીકરાનું અચાનક અકસ્માતને લઈ મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:11:10

સુરત: સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે. શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં યુવકને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ રુવાંટાં ઊભાં કરી દેનારા છે. તો બીજી તરફ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

શાકભાજીના વેપારીને કારચાલકે ટક્કર મારી
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. તેઓને 4 સંતાનો છે. જે પૈકી 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત રવિવારે અંકિત ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો હતો તે વેળાએ પાછળથી આવેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી જેથી તેને માથા, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

સારવાર દરમ્યાન મોત નીપજ્યું
ઘટનાને પગલે સ્થાનિકો લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જ્યાં બીજી તરફ લોકોએ ઈજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 

પરિવાર શોકમાં ગરકાવ
પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહેલ વહાલસોયા દીકરાનું અચાનક અકસ્માતને લઈ મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ જે રીતે ઘટના બની હતી અને કારચાલક ફરાર થઈ ગયો છે તેને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે આકરો જોવા મળ્યો હતો અને સમાજના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મૃતક યુવકના સમર્થનમાં મોટી સંખ્યામાં પરિવારજનો, સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો ભેગા થઈ ડિંડોલી પોલીસ મથકે વિરોધ પણ કર્યો હતો. જોકે ઘટનાને લઈ મૃતક અંકિતના પિતાએ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ કારચાલક સુધી પોલીસ હજુ સુધી પહોંચી શકી નથી જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
શાકભાજીની લારી લઇને રસ્તા પરથી જઈ રહેલ અંકિતને કારચાલક ભયંકર રીતે ઉલાળીને ફરાર થઈ ગયો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતના આ હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાયું હતું કે 22 વર્ષીય અંકિત શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો છે અને પાછળથી કારચાલક તેને અડફેટે લેતા તે ફંગોળાઈને જમીન પર પટકાઈ ગયો અને તેની લારીનો તમામ સમાન પણ વેરવિખેર થઇ જાય છે. ત્યારે હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post