• Home
  • News
  • સુરતમાં પતંગ ચગાવી યુવતીની છેડતી કરતાં બે જૂથ સામસામે, 4 કાર-8 બાઇકમાં તોડફોડ, પથ્થરમારો CCTVમાં કેદ
post

પતંગ ચગવવા મામલે થયેલી બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:04:21

સુરત: સુરતમાં નાનપુરાના ખલીફા મહોલ્લામાં બિલ્ડિંગ પર પતંગ ચગાવવાતા કરવામાં આવતી છેડતી બાબતે બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં ટોળાં સામ-સામે આવી જતાં એકબીજા સામે પથ્થરમારો કરવા લાગ્યા હતા. પથ્થરમારામાં 4 જણને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી, સાથે ટોળાએ 4 કાર અને 8 બાઇકમાં તોડફોડ કરી હતી. અઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી સામ-સામી ફરિયાદો લઈ 10થી વધુને ઊંચકી લાવી છે.

સવારે છમકલું ને બપોરે ધિંગાણું
નાનપુરાના ખલીફા મહોલ્લામાં બીજાની બિલ્ડિંગમાં પતંગ ચગાવી કેટલાક લોકો યુવતીની છેડતી કરતા હતા. જાણી જોઇને પતંગ નીચે ફેંકી હેરાન કરતા હતા. આ બાબતે પણ સામાન્ય બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં રવિવારે સવારે પણ છમકલું સામાન્ય થયું હતું. રવિવારે બપોરે બન્ને જૂથો આમને-સામને આવી ગયા હતા અને ટોળા એકબીજા પર પથ્થરમારો કરતા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાને કારણે નાનપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે રાયોટિંગની ફરિયાદ લઈ સામ-સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

વાહનોને નુકસાન પહોંચાડ્યું
પતંગ ચગાવવા બાબતે થયેલા પથ્થરમારામાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત અહીં કાર અને બાઈકને નુકસાન પણ પહોંચ્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ કુલ 4 પોલીસ સ્ટેશનનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મામલાને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બની છે. જેથી બંને જૂથની સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પતંગ ચગવવા મામલે થયેલી બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સૌપ્રથમ વખત તો 25થી 30 લોકોને ટોળું આવે છે અને ત્યારબાદ ટેરેસ ઉભેલા લોકોને નીચે બોલાવે છે. પરંતુ તેઓ નીચે ન આવતા ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે. આ પથ્થરમારો એક મિનિટ સુધી ચાલે છે અને ત્યારબાદ પથ્થરમારો કરી ટોળું જેતું રહે છે.

ઈજાગ્રસ્તે ગંભીર આક્ષેપ કર્યા
ઈજાગ્રસ્ત મહોમ્મદ શેખે જણાવ્યું હતું કે, તેઓ પગંત ચગાવવા ગયા હતા. ત્રણથી ચાર યુવકો પણ ટેરેસ પર હતા. તેઓ યુવતીની છેડતી કરી રહ્યા હતા. અમે પોલીસને બોલાવવાનું કહ્યું તો તેઓ કહેતા હતા કે, જેને બોલાવવા હોય બોલાવી લો. ત્યારબાદ પોલીસની ગાડી આવતા તેઓ ભાગી ગયા હતા. જોકે, પોલીસની ગાડી આવી ને જતી રહી. કારણ કે, સામેવાળાએ કહ્યું હતું કે બધું પતી ગયું છે.

અમારી જ વિરુદ્ધ ફરિયાદ થઈઃ ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં અમારા વિરૂદ્ધ જ ફરિયાદ કરવામાં આવી છે, જેથી પોલીસ મારા પિતા, ભાઈ અને મારા ભત્રીજાને લઈ ગઈ છે. પરંતુ અમે કોઈની ઉપર હાથ ઉપાડ્યો નથી. એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો છે. ફટકાથી અમારી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમારે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post