• Home
  • News
  • થરાદમાં શંકર ચૌધરીના આકરા તેવર:જાહેર મંચ પરથી કહ્યું -'કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો એનું પરિણામ આખા મધપૂડાને ભોગવવું પડશે'
post

મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ: શંકર ચૌધરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 19:12:16

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ફરી ચર્ચામાં આવ્યા છે. શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો સામે આવ્યો છે. એમાં ચૌધરી જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે 'કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે, હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ..' મહત્ત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ શંકર ચૌધરી પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હતા. એમાં તેમણે કહ્યું હતું કે 'મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ છે એમ સમજજો, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે અને કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું, એટલે પેલો સેલ્યૂટ મારીને કહેશે, 'સારું... જવા દો..'

પ્રજાને મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે: શંકર ચૌધરી
શંકર ચૌધરીનો સામે આવેલો વીડિયો થરાદના દૂધવા ગામનો છે, જ્યાં તેમણે જાહેર મંચ પરથી અસામાજિક તત્ત્વો અને માથાભારે આગેવાનોને સંબોધીને કહ્યું હતું કે કોઈપણ આગેવાનથી પ્રજાને મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે. આ વાત જાહેર મંચ પરથી એટલે કહેવી પડે છે કે સ્વભાવ અને ઇતિહાસ બધાએ જોઈ લેવો પડે અને સમજી લેવો પડે.. જે પ્રેમ અને લાગણી રાખશે તેને ચાર વખત નમવાની તૈયારી, પણ જો કોઈ ટણીનો ભાવ રાખશે તો તેનો જવાબ તેની ભાષામાં જ અપાશે. કોઈએ ભૂલથીએ અખતરા કરવા નહીં. માખી કરડે તો એનું પરિણામ આખા મધપૂડાને ભોગવવું પડશે.. હું પ્રેમ અને લાગણીથી તમારો આભાર માનવા આવ્યો છું, પણ મને લાગ્યું કે દૂધવા ગામથી આ બાબત મારે કહેવી પડશે એટલે કહ્યું.. હું ધ્યાન રાખીશ અને હિસાબ પણ રાખીશ...'

મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ: શંકર ચૌધરી
વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન થરાદ બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને વિરોધીઓ ધમકાવતા હોવાનો બળાપો શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી ઠાલવ્યો હતો, જેમાં ચૌધરીએ વિરોધીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે 'કામ કરતાં કરતાં મારા કોઈ કાર્યકર્તાને, પ્રજાને કોઈ રંજાડવાનો પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે નહીં, મારી સાથે દુશ્મનાવટ કરી હશે એવું માનજો. તમે કાર્યકર્તાને એકલો ન ગણતા, તેમની સાથે હું છું. આ 'બી' પાવર સાથે કાર્યકર્તાઓને કહું છું કે તમને કોઈ મુશ્કેલી પડશે તો અડધી રાત્રે માથું આપવાવાળો માણસ છું...'

કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું: શંકર ચૌધરી
આ ઉપરાંત શંકર ચૌધરીએ થરાદના લુણાલ ગામમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું કે 'હું બધાને ભરોસો આપું છું કે હું એકપણ એવું કામ નહીં કરું, જેથી તમારું માથું શરમથી નીચે નમી જાય. હું એવાં કામ કરીશ કે તમે ગૌરવ લઈ શકો. તમે બહાર ગયા હશો અને કોઈ પૂછશે, ક્યાંથી આવો છો? અને તમે કહેશો- થરાદથી આવું છું. તો સામેવાળો કહેશે, શંકરભાઈ ધારાસભ્ય છે ત્યાંથી આવો છે તેમને.. તમે આટલું ગૌરવ લઇ શકશો. તમે ક્યાંય પણ રસ્તા પર જતા હશો, મહેસાણામાં કે ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે અને તમે કહેશો થરાદથી આવું છું, શંકરભાઇને ત્યાંથી આવું છું... એટલે પેલો સેલ્યૂટ મારીને કહેશે- સારુ, જવા દો. ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તોપણ કોઈ પોલીસવાળો તમને ક્યાંય પણ નહીં રોકે..' મારે એક-એક નાગરિકને ગૌરવ અપાવવું છે. હું ના હોઉં તોપણ તમારું કામ થઈ જાય..'

adv

Related News

post
post
post
post
post
post
post