• Home
  • News
  • ગુજરાત:વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાટીદારો ભાજપની પડખે રહેશે તો 8માંથી 5 સીટ જીતી શકે છે
post

મોરબી, ધારી, ગઢડા, અબડાસા અને કરજણ બેઠક પર સમીકરણો સચવાઇ જશે તેવી ભાજપને આશા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:29:01

રાજ્યમાં પાટીદાર મતો રાજકારણમાં હંમેશાં ખૂબ પ્રભાવી રહ્યા છે અને તે જ પ્રમાણે આગામી નવેમ્બરમાં આવી રહેલી 8 વિધાનસભા બેઠક પૈકીની 5 બેઠક પર પણ આ જ મતો મોટો મદાર રાખે છે. મોરબી, ધારી, ગઢડા, અબડાસા અને કરજણ વિધાનસભા બેઠકોની વાત કરીએ તો ગઇ વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની પૃષ્ઠભૂમિમાં આ બેઠકો ભાજપે ગુમાવી હતી, પણ હવે તે જ બેઠકોને લઇને ભાજપ આ પેટાચૂંટણીમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. ભાજપ આ 5 ઉપરાંત અમુક પાટીદાર મતો ધરાવતી લીંબડી-સાયલા બેઠકો પર પણ થોડીઘણી ટકાવારીમાં રહેલા પાટીદાર મત પોતાની તરફેણમાં રહેવાની ગણતરી કરે છે.

ભાજપના સંગઠનમાં રહેલા એક વરિષ્ઠ પાટીદાર નેતાના જણાવ્યા અનુસાર, હાલમાં જ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નિમણૂક બાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન પાટીદારોએ તેમાંય લેઉવા પાટીદારોના ખોડલધામ અને કડવા પાટીદારોના ગાંઠીલામાં આવેલા ઉમિયામાતા મંદિરે દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઉમિયા માતા મંદિરે પણ તેઓની રજત તુલા કરાઇ હતી.

પાટીદારોએ બબ્બે વખત પાટીલને ચાંદીએ જોખ્યા છે અને તે દર્શાવે છે કે, હવે પાટીદાર સમાજ સજ્જડ રીતે ભાજપ સાથે જોડાયેલો છે. આથી હાલના તબક્કે પાટીદાર સમાજના મતો મોટાભાગે ભાજપને પડખે આવીને પડશે તેવી ખૂબ મોટી આશા ભાજપને છે. એકમાત્ર ધારી બેઠક પર ભાજપનો આંતરિક વિગ્રહ ન નડે તો આ બેઠક પણ ભાજપના જ ખોળામાં આવીને પડશે તેવી વકી છે. આ બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારો લગભગ નક્કી છે અને માત્ર જાહેરાત બાકી છે.

હજુ ચૂંટણીનો પ્રચાર શરૂ થવાનો બાકી છે. ભાજપ પોતાના પાટીદાર નેતાઓની ફોજને આ તમામ બેઠકો પર ઉતારી દેશે અને દરેકને ગામદીઠ જવાબદારી સોંપાશે, જેથી કરીને આ મતો અંકે કરી શકાય.

અબડાસા બેઠક પર દલિતો, ક્ષત્રિયોનું પ્રભુત્વ
ગઢડા અને લીંબડી બેઠક પર કોળી અને અબડાસા બેઠક પર દલિતો અને ક્ષત્રિય સમાજનું પણ બળ વધુ છે. આ માટે ભાજપે પોતાના માર્જિનમાં ખામી ન રહે તે માટે માઇક્રોપ્લાનિંગ કરીને પાટીદાર મતો પોતાની તરફ વાળવાનો વ્યૂહ અપનાવ્યો છે, જેથી કરીને મતદાનની ટકાવારી નીચી રહે તો પણ જીતવા માટે મતોની કસોકસ હરિફાઇ થાય તો પાટીદાર મતોને આધારે આગળ નીકળી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post