• Home
  • News
  • વડોદરામાં લારી-ગલ્લાવાળાને રૂ. 2 હજાર સુધીની મદદ કરી, 68 દિવસમાં 4 હજાર લોકોને 10 લાખ રૂપિયા વહેંચી દીધા
post

હું ચહેરો જોઈને જ જાણી લઉં છું કે સામી વ્યક્તિને પૈસાની તકલીફ છેઃ વિરાટભાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 08:43:49

કલા નગરીમાં નાતાલના પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારના એક પાનના ગલ્લા પર ગલ્લાનો માલિક અને દાબેલી વેચતો લારીવાળો વાતચીત કરી રહ્યાં હતા. દાબેલી વેચતો લારીવાળો દુ:ખી હતો. રાત્રિ કફર્યૂના કારણે તેનો માલ પડી રહેતા રોજ નુકસાન થતું હતું. ગ્રાહકો ઘટી જતાં નિસાસા નાખતો હતો.

આ વાતચીત તે વિસ્તારમાં નજીકમાં જ રહેતા 52 વર્ષના વિરાટભાઈ શાહ (નામ બદલ્યું છે) ધ્યાનથી સાંભળી રહ્યા હતાં. આ સંવાદ સાંભળ્યા બાદ તેઓ માંડ 3-4 મિનિટ રોકાયા અને પછી બાઇક લઇ ત્યાંથી નીકળી ગયા. એ જ દિવસે રાત્રે 8 વાગ્યે એક વ્યક્તિ દાબેલીની લારી પર ગઇ અને બે દાબેલી પાર્સલ કરવાનો ઓર્ડર આપ્યો. વેપારીએ પાર્સલ આપતા જ એ વ્યક્તિ 500 રૂપિયાની નોટ મૂકી ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર નીકળી ગઇ. લારીવાળાએ બાકીના રૂપિયા પાછા આપવા માટે બૂમો પાડી. બાઇક ચાલકે ક્ષણવાર પાછું વળીને જોયું અને લારીવાળાએ તેમની આંખો વાંચી લીધી. તેમણે બાઇકને ત્યાંથી હંકારી મૂક્યું. ક્રિસમસના દિવસે આ વ્યક્તિ દાબેલીના વેપારી માટે સાંતાક્લોઝ બનીને આવ્યા હતા. કદાચ પ્રભુએ તેનું દુ:ખ સાંભળી લીધું હોય તેવો અહેસાસ થયો. એ બીજુ કોઈ નહીં, પણ વિરાટભાઈ શાહ જ હતાં.

ટ્રેક પેન્ટ અને ટીશર્ટમાં સજ્જ વિરાટભાઈ ખરેખર જાણવા અને મળવા જેવા માણસ નીકળ્યાં. તેઓ સાયન્સ ગ્રેજ્યુએટ થયા બાદ ખાનગી કંપનીમાં જોડાયા હતા. હાલમાં તેમનો એક મહિનાનો પગાર રૂ. 1 લાખ છે. ઘરમાં પત્ની અને પુત્ર છે. પુત્ર પણ એન્જિનિયર છે. બાઇક પર જ ફરતા વિરાટભાઇ લોકડાઉનના 68 દિવસોમાં નાના વેપારીઓથી માંડી મજૂરો માટે ભામાશા સાબિત થયા છે. આ 68 દિવસમાં તેમણે ચાર હજાર લોકોને રૂ. 10 લાખ વહેંચી દીધા છે.

લોકડાઉનમાં ચ્હા-ભજીયાની લારી બંધ રહેતા એક ભાઇએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. એક દિવસ વિરાટભાઈ તેની લારી પર આવ્યા અને લારીમાં મૂકેલો ગલ્લો ખોલી તેમાં રૂ. 2 હજારની નોટ મૂકી દીધી. પેલા ભાઇને અજુગતું લાગ્યું એટલે ગલ્લો ખોલીને જોતા 10-20ની નોટો વચ્ચે રૂ. 2 હજારની નોટ દેખાઇ. વિરાટભાઈએ કહ્યું હમણા લોકડાઉન છે, વતન ના જતાં અહીં જ રહેજો અને પરિવારને સાચવજો. 2 દિવસથી માંડ 100 રૂપિયાનો ધંધો કરતાં એ લારીવાળા ભાઇના જીવમાં જીવ આવ્યો. એ લારીવાળો કહે છે કે, ‘બીજા દિવસે વિરાટભાઈ ફરી મારી લારી પર આવ્યાં અને ગલ્લો ખોલીને રૂ. 500ની નોટ મૂકી જતા રહ્યાં. લોકડાઉનમાં આ સિલસિલો રોજ ચાલુ રહ્યો. લોકડાઉન, અનલોકમાં વિરાટભાઈએ તેને 40 હજાર કરતા વધુ રૂપિયાની મદદ કરી છે, જે ક્યારેય ભૂલી નહીં શકાય એવી મદદ છે.

અમે સેવઉસળના અન્ય એક વેપારીને મળ્યા. તેણે પણ સ્વીકાર્યું કે વિરાટભાઈ દરરોજ ગલ્લામાં 500 રૂપિયાની નોટ મૂકી જતા હતાં. મને પણ 20 થી 25 હજાર રૂપિયાની મદદ કરી છે. ફૂટપાથ પર વાહન રિપેરિંગ કરતા નાનકડું ગેરેજ લઇને બેસતા મિકેનિકથી માંડીને તેઓ જેટલી જગ્યાએ બેસતા ત્યાં નાના લારીવાળા-રેંકડીવાળાઓને લોકડાઉનમાં રોજ રૂ 100,200, 500 આપી 10-20 હજારની મદદ કરી હતી. સવારની શિફ્ટમાં નોકરીએ જવાનું હોય તો વિરાટભાઈ મોર્નિંગ વોકમાં નીકળે ત્યારે ખિસ્સામાં 5-10 હજાર રૂપિયા લઇને નીકળે. એરપોર્ટ-સંગમ રોડ પર ચાની લારીવાળાને ત્યાં શ્રમિક લોકો ઊભા હોય તો રૂ. 10-20 રૂપિયા રોજ આપતાં હતા. તેમની આ અનોખી દાનપ્રવૃત્તિ વિશે સાંભળીને અમે વિરાટભાઈને મળ્યા. માનવતાને મહેકાવતી તેમની પ્રવૃતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે પહેલા તો કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો પરંતુ તેમનાથી અન્ય કોઇને પ્રેરણા મળશે તેવું સમજાવતા તેમણે નામ નહીં આપવાની શરતે આખી વાત કરી. તેમણે કહ્યું કે, મને લોકોને મદદ કરવાનું બહુ ગમે છે. 20 વર્ષથી હું જરૂરિયાતમંદને મદદ કરું છે. હું રસ્તામાં જતો હોઉ અને ચહેરો જોઇને મને ખબર પડી જાય છે કે આ વ્યક્તિને મદદની જરૂર છે. હું કશું પણ બોલ્યા વગર મારાથી થતી મદદ કરું છું. મેં લોકડાઉનમાં કેટલા લોકોને મદદ કરી હશે તે મને ખબર નથી કે કેટલા રૂપિયાની મદદ કરી હશે તે પણ હું જાણતો નથી. મારા પરિવારને પણ જાણ નથી.

બોનસના રૂપિયા એક લાખ જરૂરિયાતમંદોને વહેંચી દીધા.
કોરોના કાળના આ ભામાશા સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કેટલી મદદ કરી ? તે અંગે કંઇ પણ કહેવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. અમે નામ ગુપ્ત રાખવાની ખાતરી આપતાં તેમણે કહ્યું હતું કે, દિવાળી સમયે મને રૂ.1 લાખનું બોનસ આવ્યું હતું અને આ રકમ પણ મે જરૂરિયાતમંદોમાં વહેંચી દીધી હતી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, મને મદદ કરવી ગમે છે એટલે હું કરું છું. બસ એથી વધારે હું કંઇ પણ કહેવા માંગતો નથી. જો કે, અમે તપાસ કરી તો ખબર પડી કે, આ સજ્જને લોકડાઉનમાં ફૂટપાથ પર રહેતા અસંખ્ય લોકોને રોકડ રકમની મદદ કરીને ગરીબોની હાડમારી ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ધંધો ન હોવા છતાં આ મદદથી લોકડાઉનમાં મારાં સંતાનોને ફળો ખવડાવ્યાં
એપ્રિલ, મે અને જૂનમાં મારી નાસ્તાની લારી બંધ થઇ ગઇ હતી અને એક રૂપિયાની પણ આવક ન હોવાના કારણે દિવસો કેવી રીતે નીકળશે ? ઘરેમાં શું ખાશું તેની ચિંતામાં હુ અને પરિવારના સભ્યો રાત્રે સૂઇ શકતા ન હતા. લોકડાઉનમાં શાકભાજીની લારીવાળાને નીકળવા દેતા હોય મે પણ શાકભાજીની લારી શરૂ કરી હતી, પરંતુ આવક થતી ન હતી. એક દિવસ અચાનક જ એક શેઠ આવ્યાં. તેમણે થોડુ શાકભાજી ખરીદ્યું અને મારા ગલ્લામાં તેમણે રૂ.2 હજારની નોટ મુકી અને તે પૈસા પરત લીધા વગર જ જતા રહ્યાં. ત્યાર બાદ લોકડાઉન દરમિયાન તેમણે અનેક વખત મને આ રીતે આર્થિક મદદ કરી જેના કારણે લોકડાઉનમાં હું ઘરે મારા સંતાનોને મોંઘું ફ્રૂટ્સ પણ ખવડાતો હતો. આ શેઠે મારી માફક મારી જેવા અનેક લોકોને એટલી મદદ કરી કે આ કપરો સમય ક્યાં પસાર થઇ ગયો તેની અમને ખબર જ ન પડી.

 

adv

Related News

post
post
post
post
post
post
post