• Home
  • News
  • ગુજરાતમાં કોંગ્રેસના પાંચમાં ધારાસભ્યે પણ રાજીનામું આપ્યું; 68 MLA જયપુર પહોંચ્યાનો કોંગ્રેસનો દાવો
post

કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ પાસેથી ફોર્મ પાછું ખેંચાવી લે તેવી શક્યતા વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:51:21

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સવારે ગૃહમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ એક પછી એક રાજીનામાં આપ્યાંની જાહેરાત કરી હતી. આ મુજબ લીંબડીના સોમાભાઇ કોળી પટેલ, ગઢડાના પ્રવીણ મારુ, ધારીના જેવી કાકડીયા, અબડાસાના પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને છેલ્લે ડાંગના મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરાયાનો હુકમ જારી કર્યો હતો. હજુ તો ગૃહમાં ભાજપ-કોંગ્રેસના નેતા વચ્ચે આ મુદ્દે તડાફડી ચાલતી હતી ત્યાં કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયેલા જે.વી. કાકડીયાનાં પત્ની કોકિલા કાકડીયાએ ધમાકો કર્યો કે તેમના પતિને ભરતસિંહ સોલંકીએ ટિકિટ મળી ન હોવાથી ભાજપમાં જોડાઇ જવા જણાવ્યું હતું. આ વાતે કોંગ્રેસની છાવણીમાં જ સોપો પડી ગયો હતો. ભાજપે આ ઘટનાને લઇને હજુ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી ત્યાં કોંગ્રેસે કોકિલા કાકડીયા કે જેઓ અમરેલી જિલ્લાના કોંગ્રેસી નેતા છે તેમને પણ સસ્પેન્ડ કરી દીધાં.
શક્તિસિંહ, ભરતસિંહ સહિતનાઓ અમદાવાદથી વિમાન મારફતે જયપુર જવા રવાના
આ દરમિયાન કોંગ્રેસના પંદરેક જેટલાં ગૃહમાં મોજૂદ ધારાસભ્યોએ ભાજપ તોડોનાવાઇરસ ફેલાવી વધુ કોંગ્રેસી ધારાસભ્યોને ખેરવવાનો પ્રયાસ કરે છે તેવી વાત રજૂ કરી સદન છોડીને ચાલ્યા ગયા. આ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ તથા રાજ્યસભાના બન્ને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિત ત્રીસેક જણનું ટોળું અમદાવાદથી વિમાન મારફતે જયપુર જવા રવાના થઇ ગયું.
હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે
મંગળવારે કોંગ્રેસ હાઇકમાન્ડે નિયુક્ત કરેલા બે નિરીક્ષકો જયપુર પહોંચીને તમામ ધારાસભ્યો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને મળીને ફોર્મ પાછું ખેંચવા બાબતે તેમના અભિપ્રાય જાણશે. આ અભિપ્રાયને આધારે તેઓ રીપોર્ટ બનાવી હાઇકમાન્ડને સોંપશે જેના પર હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે. પરંતુ હાલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ પાસેથી ફોર્મ પાછું ખેંચાવી લે તેવી શક્યતા વધુ છે.
હજુંય કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો પક્ષની પહોંચ બહાર
આ તરફ જયપુરમાં કુલ અઠ્ઠાવન કોંગ્રેસી ધારાસભ્યો પહોંચી ગયા છે, અને બીજા પાંચેક રોડ મારફતે રવાના થયા હોવાનું જાણવા મળે છે. પરંતુ ત્રણ ધારાસભ્યો હજુ પણ જયપુર પહોંચ્યા નથી અને તેઓ તમામ પ્રકારના સંપર્કોથી દૂર હોવાનું જણાયું છે. તેમાં કરજણના અક્ષય પટેલ, જંબુસરના સંજય સોલંકી, અને રાજુલાના અમરિષ ડેરનો સમાવેશ થાય છે.
ટોચના નેતા સાથે ગયા, પણ ધાનાણી એકલા ગયા
સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસના નેતાઓ જયપુર જવા રવાના થયા હતા જેમાં રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ તથા અર્જુન મોઢવાડિયા, રાજીવ સાતવ, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસના નેતાઓનો સમાવેશ થતો હતો. જોકે ભરતસિંહ અને શક્તિસિંહ અલગ અલગ દરવાજેથી ટર્મિનલમાં ગયા હતા. વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી 8.30 વાગ્યાની ફ્લાઇટમાં જયપુર જવા રવાના થયા હતા.
જયપુરથી લાઈવ: રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચનાનું કેન્દ્ર જયપુર
ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વૉટિંગ અને ધારાસભ્યોની ખરીદ-ફરોતના ખતરાને જોતા સોમવારે કોંગ્રેસના વધુ 31 ધારાસભ્યને વાડાબંધી હેઠળ જયપુર મોકલી દેવાયા. મોડી રાત્રિ સુધી ધારાસભ્યોનો જયપુર પહોંચવાનો આ સિલસિલો ચાલુ રહ્યો. આ પહેલા રવિવાર સુધી 37 ધારાસભ્ય જયપુર પહોંચી ચૂક્યા હતા. રાજસ્થાન વિધાનસભાના ડે. વ્હિપ મહેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, મોડી રાત સુધી 68 ધારાસભ્ય જયપુર કેમ્પમાં આવી ચૂક્યા છે. તેમને રિસિવ કરવા રાજસ્થાન વિધાનસભાના ચિફ વ્હિપ મહેશ જોશી અને ડે. વ્હિપ મહેન્દ્ર ચૌધરી એરપોર્ટ પહોંચ્યા. આ તમામને દિલ્હી રોડ સ્થિત હોટલ શિવ વિલાસ હોટલમાં રોક્યા હતા. આ તમામ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સોમવારે મોડી રાતે એક બેઠક કરશે ને ગુજરાત રાજ્યસભા ચૂંટણીનો વ્યૂહ નક્કી કરશે.
ફોર્મ પાછું ખેંચાય તો શું, ન ખેંચાય તો શું ?
જો કોંગ્રેસ બેમાંથી કોઇ એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવે તો કોંગ્રેસે ભાજપ સામે શરણાગતિ સ્વીકારી લીધી તેવો સીધો સંકેત જાય. જો કોંગ્રેસ ફોર્મ પાછું ન ખેંચે અને બન્ને ઉમેદવારોને જંગમાં રાખે તો, કોંગ્રેસના વધુ ધારાસભ્યો તૂટે કારણ કે જીતવા માટે ભાજપને પણ ત્રણેય ઉમેદવારને મહત્તમ એકડા મળે તેની ચિંતા છે. આથી કોંગ્રેસ માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે.

કોંગ્રેસનો 26 માર્ચ સુધી વિધાનસભામાંથી વોક આઉટ

કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ. ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે.

બીજા તબક્કામાં 22 ધારાસભ્યો જયપુર જવા રવાના થયા
લલિત કગથરા, વિક્રમ માડમ, ભીખા જોશી, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા, ગ્યાસુદીન શેખ, કાંતિભાઇ ખરાડી, બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, , મહમ્મદ જાવેદ પિરજાદા, મોહનભાઇ વાળા, અશ્વિન કોટવાલ, નટવરસિંહ મહિડા, સુખરામ રાઠવા, રઘુ દેસાઇ, અનિલ જોશીયારા, નિરંજન પટેલ, ગુલાબસિંહ રાજપુત, મોહનસિંહ રાઠવા, વિરજી ઠુમ્મર, પુંજા વંશ અને ભરતજી ઠાકોર સહિત 20 ધારાસભ્યો જયપુર જવા રવાના થયા છે.

પહેલા તબક્કામાં આ ધારાસભ્યો જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં
અજીતસિંહ ચૌહાણ, રાજેશ ગોહિલ, રૂત્વિજ મકવાણા, પુનમભાઈ પરમાર, હર્ષદ રિબડીયા, બળદેવજી ઠાકોર, ઈન્દ્રજીતસિંહ, લાખાભાઈ ભરવાડ, ચંદનજી ઠાકોર, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, ગેનીબેન ઠાકોર, કાંતિ પરમાર, કનુ બારીયા, શિવા ભુરીયા, પ્રવિણ મુછડિયા, રાજેન્દ્ગસિંહ ઠાકોર, ચંદ્રીકા બારિયા, ભાવેશ કટારા, કિરીટ પટેલ, મધુબેન રાઠોડ, ભરત ઠાકોર, લલિત વસોયા,સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા, પ્રવિણ મારૂ, જશુ પટેલ, નૌશાદ સોલંકી, જશપાલ ઠાકોર, બાબુ વાજા, આનંદ ચૌધરી, કાળુ ડાભી, સંજયસિંહ સોલંકી, વજેસિંહ પણદા જયપુર પહોંચી ગયા છે.
5
ધારાસભ્યના રાજીનામા બાદનું ગણિત અને સમીકરણ

વિધાનસભાની બેઠક= 175

રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી
ભાજપ પાસે સંખ્યાબળ= 103
રાજ્યસભાની એક સીટ જીતવા માટે જરૂરી મત=35
ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર
ભાજપ+(ભાજપ 103+ 1 NCP(જો સમર્થન આપે તો))= 104
કોંગ્રેસ+ (કોંગ્રેસ 68+1 જીગ્નેશ મેવાણી)= 69
કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ
કોંગ્રેસ પાસે 68 જ મત હોવાથી એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે
ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે

4 બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં, 26 માર્ચે મતદાન અને મતગણતરી
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. આ ફોર્મની16 માર્ચે ચકાસણી થશે અને 18 માર્ચ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post