• Home
  • News
  • ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી ઘરેલુ ખાદ્ય સુરક્ષાને સર્વોપરિ ગણી; આ પગલાથી G7 દેશ સ્તબ્ધ
post

એપ્રિલ મહિનામાં ભારતે ઘઉંની વિક્રમજનક 14 લાખ ટન નિકાસ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 11:40:43

નવી દિલ્લી: ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં હીટવેવને લીધે પાકને થઈ રહેલા ભારે નુકસાન તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક સ્તરે ઘઉંની કારમી અછત સર્જાતાં ઘઉંની ભારે માગ વચ્ચે કિંમતમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.

વિશ્વના અનેક દેશોમાં વિવિધ પ્રકારના ખાદ્યાનો તથા તેલીબિયાંનાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે અથવા તો ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. એને લીધે વિશ્વના લગભગ તમામ દેશો ખાદ્ય ચીજવસ્તુના પુરવઠાની તંગ બનેલી સ્થિતિને લીધે અસહ્ય મોંઘવારી એટલે કે ઊંચા ફુગાવાજન્ય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતાં ભારતમાં વિવિધ પ્રકારનાં ખાદ્ય તેલોની કિંમતમાં અસાધારણ વધારો થયો છે.

હવે જ્યારે ભારતે પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વૈશ્વિક સ્તરે કિંમતોમાં ભડકો થવાની પૂરી ધારણા છે. G-7દેશોએ તો ભારતના આ પગલાની ટીકા પણ કરી છે. વૈશ્વિક સ્તરે ઘઉંનાં ઉત્પાદન, કિંમત તથા અસર કરતાં પરિબળો ઉપરાંત ભારતે ઘઉંની નિકાસ પર કડક પ્રતિબંધ મૂકવો પડે એવી નોબત શા માટે આવી એની આજે આપણે ચર્ચા કરીશું.

ઘઉં ઉત્પાદન અને નિકાસ અંગે ભારતની શી સ્થિતિ છે

·         રશિયા-યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીના અંત ભાગમાં યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી કાળા સમુદ્ર વિસ્તારમાંથી ઘઉંના પુરવઠા પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે, આ સંજોગોમાં વિશ્વમાં કુલ ઉત્પાદન પૈકી 13.53 ટકા હિસ્સા સાથે બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશ ભારત પર વૈશ્વિક ખરીદદારોનો આધાર ખૂબ જ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ વિશ્વને ખાદ્યાનની કારમી અછતનો સામનો કરવો પડે એવી શક્યતા દર્શાવી છે.

·         ભારતમાં ગત એપ્રિલ મહિનામાં ઘઉંની કિંમતો વર્ષ 2010 બાદ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. સતત પાંચ વર્ષ સુધી બમ્પર ઉત્પાદન બાદ હીટવેવ તથા વરસાદની અભાવને લીધે ઉત્પાદન પર પણ અસર થઈ છે.

·         સતત વધી રહેલી કિંમતો વચ્ચે ઘઉંના વેપારીઓ દ્વારા મોટે પાયે સંગ્રહખોરી કરવામાં આવી એ પણ એક મોટું અસર કરતું પરિબળ છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ એ અગાઉ ભારત ઘઉંની વૈશ્વિક નિકસમાં માત્ર 1% હિસ્સેદારી ધરાવતું હતું.

·         ભારતના અનેક વિસ્તારો, ખાસ કરીને ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં છેલ્લાં 100 વર્ષમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. એને લીધે ઉત્પાદનમાં 6 ટકા જેટલું નુકસાન થયું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશમાં તેની સૌથી વધારે માઠી અસર જોવા મળી છે.

·         ગત 4 મેના રોજ સરકારે દેશમાં ઘઉંના ઉત્પાદનનો અંદાજ ઘટાડી 105 મિલિયન ટન કર્યો હતો, જે અગાઉ નિર્ધારિત કરેલા 111.32 મિલિયન ટનના અંદાજ કરતાં 5.7% ઓછો હતો.

·         ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.

·         જ્યારે ગત એપ્રિલ મહિનાની વાત કરવામાં આવે તો ભારતે વિક્રમજનક 14 લાખ ટન નિકાસ કરી છે.

ઘઉંની નિકાસ પ્રતિબંધથી શી અસર થશે

·         ઘરઆંગણાનાં બજારોમાં સતત વધતી માગ અને ઊંચી કિંમતો વચ્ચે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ઘઉંના લોટની કિંમતમાં અસાધારણ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં ઘઉંના લોટની કિલોદીઠ રૂપિયા 32.38 કિંમત હતી, જે જાન્યુઆરી,2010 બાદ સૌથી વધારે ભાવ હતો.

·         સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં સ્થાનિક કિંમતમાં ઘટાડો થશે અને સરકાર દ્વારા નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવ નજીક કિંમતને લાવી શકાશે. ભારતમાં બ્રેક, બિસ્કિટ સહિત અનેક ખાદ્યાન્નમાં વધી રહેલી કિંમતોને અંકુશમાં લઈ શકાશે અને આ રીતે ખાદ્ય ફુગાવાને ઘટાડી પ્રજાને રાહત આપી શકાશે.

છેલ્લા એક વર્ષમાં ઘઉંની કિંમતમાં શું વલણ રહ્યું

·         ભારતમાં છેલ્લા એક વર્ષમાં ઘઉં તથા ઘઉંના લોટની કિંમતમાં થયેલા ભાવવધારાને જોઈએ તો સરેરાશ દૈનિક રિટેલ ધોરણે ગત 9મેના રોજ ઘઉંની કિંમત કિલોદીઠ રૂપિયા 29.49 હતી, જે ગયા વર્ષની સમાન અવધિમાં નોંધાયેલા રૂપિયા 24.71ની તુલનામાં 19.34 ટકા વધારે છે, જ્યારે ઘઉંના લોટની કિંમત રૂપિયા 28.8થી 14.27 ટકા વધી રૂપિયા 32.91 થઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post