• Home
  • News
  • ભારત-વેસ્ટઇન્ડીઝ મહિલા વર્લ્ડ કપ:ટીમ ઈન્ડિયાએ વેસ્ટઇન્ડીઝને 155 રને હરાવ્યું; મંધાના અને હરમનપ્રીતે સદી ફટકારી
post

ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર વર્લ્ડ કપમાં 300+ સ્કોર કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-12 16:16:29

મહિલા વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 40.3 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચને ટીમ ઈન્ડિયાએ 155 રને જીતી લીધી છે.

આ મેચમાં મંધાના અને હરમનપ્રીતનું પ્રદર્શન સારું રહ્યું છે. બન્નેએ સદી ફટકારી છે. મંઘાનાએ વન ડેમાં 5મી અને વર્લ્ડકપમાં બીજી સદી ફટકારી છે. તેણે 119 બોલમાં 123 રન બનાવ્યા છે. બીજી તરફ હરમનપ્રીતે પણ સારી બેટિંગ કરી 107 બોલમાં રન 109 બનાવ્યા હતા. મંધાના અને હરમનપ્રીત વચ્ચે 184 રનની ભાગીદારી થઈ હતી.

હેમિલ્ટનમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ લીધી હતી. ભારતે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 317 રન બનાવ્યા છે. 49 રન પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી અને 58 રન પર બીજી વિકેટ પડી હતી. 78 રનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મંધાના અને હરમનપ્રિત કૌરે ભારતની ઈનિંગને સંભાળી ભારતને સારા સ્કોર તરફ લઈ ગઈ હતી.

દિપ્તી શર્મા મોટી ઈનિંગ ન રમી શકી: અગાઉની બે મેચની જેમ વેસ્ટઈન્ડિઝ સામેની મેચમાં દિપ્તી શર્મા ફ્લોપ રહી. તેણે 21 બોલમાં 15 રન બનાવ્યા હતા.

મિતાલી રાજનું ખરાબ ફોર્મ યથાવત: ટીમ ઈન્ડિયાની કેપ્ટન મિતાલી રાજ માત્ર 5 રન બનાવી આઉટ થઈ હતી. વર્લ્ડ કપની ત્રણ મેચમાં મિતાલી એક અડધી સદી પણ ફટકારી શકી નથી.

યાસ્તિકા ભાટિયા 31 રને આઉટ: ઓપનર બેટર યાસ્તિકા ભાટિયાએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. તેણે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા.

વેસ્ટઈન્ડિઝની ઈનિંગ

·         318 ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટઈન્ડિઝની શરૂઆત સારી રહી હતી. 100 રન પર તેની પ્રથમ વિકેટ પડી હતી. ડીઆન્ડ્રા ડોટિન 46 બોલમાં 62 રન બનાવી આઉટ થઈ હતી. સ્નેહ રાણાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

·         108 પર વેસ્ટઈન્ડિઝની બીજી વિકેટ પડી હતી. કિશિયા નાઈટ પાંચ રન બનાવી આઉટ થઈ હતી. 114 રનમાં ચોથી વિકેટ પડી હતી. મેઘા સિંહ અને સ્નેહ રાણાને બે-બે વિકેટ મળી હતી.

·         27મી ઓવરમાં વેસ્ટઈન્ડિઝની 145 રન પર 7મી વિકેટ પડી હતી. ભારતની રાજેશ્વરી ગાયકવાડ અને પુજા વસ્ત્રાકરને એક એક વિકેટ મળી હતી.

·         157 રન પર નવમી વિકેટ પડી હતી. ઓપનિંગ જોડીને બાદ કરતા તમામ બેટરે ભારતીય બોલર સામે સરેન્ડર કરી દીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બે બેટર રન આઉટ થયા હતા.