• Home
  • News
  • આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર!:રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી સિરપની 73 હજાર બોટલ પકડી, આલ્કોહોલનું પ્રમાણ જાણવા FSLની મદદ લેવાઈ
post

અગાઉ શાપર વેરાવળમાં રૂરલ પોલીસે જથ્થો પકડ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 17:36:56

વિદેશી દારૂ, ચરસ, ડ્રગ્સ અને ગાંજાનાં દૂષણ બાદ હવે આયુર્વેદિક સિરપનું દૂષણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે. પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશીલા પદાર્થને અટકાવવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સૂચના આપતાં રાજકોટ ક્રાઇમની ટીમ દ્વારા બાતમીના આધારે રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સપ્લાય થાય એ પૂર્વે 5 ટ્રકમાં 73,275 બોટલ સિરપ, કુલ મળી 73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાન પાર્લર પર સિરપનું વેચાણ!
રાજકોટ શહેરમાં અલગ અલગ પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા પદાર્થનું યુવાનો સેવન કરતા હોવાની ફરિયાદ મળતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આ દૂષણ અટકાવવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસને સૂચના આપી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બીટી ગોહિલ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી. એ મુજબ રાજકોટ શહેરમાં આયુર્વેદિક સિરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે, માટે વોચ ગોઠવી એકસાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલી 5 ટ્રક મળી છે. પોલીસે એને અટકાવી તલાસી લેતાં અલગ અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે.

73.27 લાખના કફ સિરપની બોટલો મળી
બાતમીના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલી પાંચ જેટલી ટ્રકની તલાસી લીધી હતી. એમાંથી શંકાસ્પદ ગણાતી સિરપની 73275 બોટલ મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં એમાંથી ગીતાંજલિ દ્રાક્ષાસવ સ્પેશિયલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ, ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.73,27,500 જેટલી થવા જાય છે.

સેમ્પલ એફએસએલમાં મોકલાયાં
પોલીસે હાલ આ સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ એની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે અને એની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ, સિરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો,એ સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

અગાઉ શાપર વેરાવળમાં રૂરલ પોલીસે જથ્થો પકડ્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તાજેતરમાં જ રૂરલ પોલીસે શાપર વેરાવળમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને સિરપના નામે નશાકારક પ્રવાહીનો જથ્થો પકડી પાડ્યો હતો, ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે આટલો મોટો જથ્થો પકડ્યો છે ત્યારે રાજકોટમાં મોટા પાયે નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું હોવાની આશંકા નકારી શકાતી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post