• Home
  • News
  • ઘાયલ સિંહ ત્રાટક્યો:મુંબઈ ઇન્ડિયન્સ કેમ IPLની સૌથી મજબૂત ટીમ છે? રોહિતસેનાએ પંજાબને ઘૂંટણિયે બેસાડી ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો
post

મુંબઈ 4 મેચમાં 4 પોઇન્ટ્સ અને +1.094ના નેટ રનરેટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:51:07

મુંબઈ ઇન્ડિયન્સ પોતાની પ્રથમ 3માંથી 2 મેચ હાર્યું હતું અને 2 પોઈન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે હતું. તેમના ફેન્સ અને ચાહકો આવી શરૂઆતથી વાકેફ હોય, તેથી તેમને વધુ ચિંતા નહોતી, પરંતુ સાતમા અને આઠમા ક્રમે અનુક્રમે ટૂર્નામેન્ટની બે કન્સિસ્ટન્ટ ટીમ હૈદરાબાદ અને ચેન્નઈ હતી. એવામાં "આ વખતની IPL જુદી છે. કોઈપણ ટીમ ચેમ્પિયન બની શકે છે," એવી વાતો ક્રિકેટિંગ પંડિતો કરી રહ્યા હતા. મુંબઈએ ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને હરાવી એ વાત પર જોર આપ્યું કે ભાઈ, ચેમ્પિયન ગમે તે ભલેને બને, પણ અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન અમે છીએ. મુંબઈની જીતમાં ક્લિક થયેલી એ બાબતો વિશેની વાત કરીએ, જે આવનારા સમયમાં વિરોધી ટીમો માટે મોટી સમસ્યા બનશે.

રોહિતનું બેટ બોલી રહ્યું છે
કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. રોહિતનું બેટ બોલે એટલે મુંબઈ 50% મેચ જીતી જાય છે અને તે ગમે ત્યારે મેચને પહેલી ઇનિંગ્સમાં પણ ક્લોઝ કરવા સક્ષમ છે. તેણે પંજાબ સામે શરૂઆતમાં ક્રિઝ પર સમય પસાર કર્યો અને પછી વિસ્ફોટક શોટ્સ મારીને મુંબઈની ઇનિંગ્સને જરૂરી લય અપાવ્યો હતો. રોહિતે 40 બોલમાં 50 રન પૂરા કર્યા અને આઉટ થયો ત્યારે તેના નામે 45 બોલમાં 70 રન હતા! તેની આ ઇનિંગ્સે હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડનો પણ પાનો ચડાવ્યો. ઈન-ફોર્મ રોહિત કરતાં વધારે ખતરનાક બેટ્સમેન કોઈ નથી.

બુમરાહ ઇઝ બેક
મુંબઈનો સૌથી મોટો મેચ વિનર જસપ્રીત બુમરાહે પોતાની રિધમ મેળવી લીધી છે. બેંગલોર સામે તેણે વિનાવિકેટે 42 રન આપ્યા હોવાથી ફેન્સ ટેંશનમાં હતા. જોકે તેણે પંજાબના ઓપનર મયંક અગ્રવાલને બોલ્ડ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી અને એ પછી પંજાબ વાપસી કરી શક્યું નહોતું. જસ્સીએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી. બુમરાહનું ફોર્મમાં આવવું એ ટીમ માટે સૌથી સારા સમાચાર છે, કારણ કે ટીમ હવે છેલ્લી 3 ઓવરમાં 30 રન ડિફેન્ડ કરતી વખતે પણ કોન્ફિડેન્ટ રહેશે, કારણ કે બુમરાહ ઇઝ બેક અને જસ્સી જૈસા કોઈ નહીં.

પોલાર્ડ-પંડ્યા પાવર
બિગ હિટર હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડે પંજાબના બોલર્સને છેલ્લી 4 ઓવરમાં ચારેય બાજુ ફટકાર્યા હતા. તેમણે 23 બોલમાં 67* રનની ભાગીદારી કરી. પોલાર્ડે 20 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 47* રન કર્યા, જ્યારે હાર્દિકે 11 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 30* રન કર્યા. બંને કોઈપણ બોલિંગ લાઈન-અપને વેરવિખેર કરવા સક્ષમ છે. હાર્દિક ઇજામાંથી વાપસી કરી રહ્યો હોવાથી હજી બોલિંગ કરી રહ્યો નથી, એક-બે મેચનો જ સવાલ છે, પછી બંને વચ્ચે રોહિત 5-6થી ઓવર પણ કરાવી શકે છે. પોલાર્ડ-પંડ્યાનો ઓલરાઉન્ડ પાવર ટીમને નીચેથી સ્ટ્રોંગ કરે છે.

વિદેશી ફાસ્ટ બોલર્સ સાથે કેપ્ટન રોહિતને ફાવી ગયું છે
ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટ્ટીન્સને પંજાબ સામે 70 રન આપીને 3 વિકેટ લીધી. મેચ પછી રોહિતે કહ્યું, અમને ખબર હતી કે શરૂઆતમાં વિકેટ્સ ઝડપવી જરૂરી છે. બધું પ્લાન પ્રમાણે જ થયું. હું બોલ્ટ અને પેટ્ટીન્સન સાથે બહુ રમ્યો નથી, તેથી તેમની સાથે સમજણ બેસાડવી અઘરી હતી. હવે તેમને ખબર છે કે મારે તેમની પાસેથી શું જોઈએ છે અને હું પણ તેમને વધુ સારી રીતે જાણું છું. આમ, 3 ફાસ્ટ બોલર સાથે મેદાન પર ઉતારવાની મુંબઈની સ્ટ્રેટેજી આગામી સમયમાં વધુ કારગર સાબિત થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.