• Home
  • News
  • IPL છોડીને આવેલાં રૈના પર માલિક શ્રીનિવાસને કાઢી ભડાશ, કહ્યું- 11 કરોડ નહીં મળે એટલે સમજાશે
post

ઈન્ટરવ્યુમાં સીએસકેના માલિક શ્રીનિવાસને કહ્યું કે, રૈનાનું આમ અચાનક ટીમ છોડીને જવાથી ધ્રાસ્કો લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 10:07:34

કોરોના મહામારીને કારણે આ સમયે આઈપીએલ યુએઈમાં રમાવાની છે. અને આઈપીએલની તમામ 8 ટીમનાં સભ્યો યુએઈ પહોંચી ગયા છે. પણ આ વચ્ચે જ સીએસકેના ખેલાડી અને હાલમાં જ સંન્યાસની ઘોષણા કરનાર સુરેશ રૈના એકાએક યુએઈથી પરત ફરી આવતાં સૌ કોઈ હેરાન થઈ ગયા છે. તેની પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પણ ટીમના માલિક એન.શ્રીનિવાસને કહ્યું કે, સફળતા તેના માથા પર ચઢી ગઈ છે.


ખરાબ હોટેલ રૂમ અને ધોની સાથે થયો વિવાદ


બીસીસીઆઆઈના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને એ વાતની પણ પુષ્ટિ કરી છે કે, સુરેશ રૈના ખરાબ હોટેલ રૂમ અને કોરોના વાયરસના ડરના કારણે આઈપીએલ છોડીને સ્વદેશ પરત ફર્યો છે. એક મેગેઝિન અનુસાર, હોટેલ રૂમને લઈ તેના અને ટીમના કેપ્ટન ધોની વચ્ચે પણ વિવાદ થયો હતો. ધોનીએ રૈનાને મનાવવાની તમામ કોશિશ કરી, પણ તે માન્યો નહીં અને ટુર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઈન્ટરવ્યુમાં સીએસકેના માલિક શ્રીનિવાસને કહ્યું કે, રૈનાનું આમ અચાનક ટીમ છોડીને જવાથી ધ્રાસ્કો લાગ્યો છે, પણ કેપ્ટન ધોનીએ સ્થિતિને સંભાળી લીધી છે. ક્રિકેટર જૂના દિવસોના શોર્ટ ટેમ્પર્ડ અભિનેતાની જેમ હોય છે. ચેન્નાઈ સુપરકિંગ્સ પરિવારની જેમ છે અને તમામ વરિષ્ઠ ખેલાડીની સાથે રહેતા શીખી ચૂક્યા છે.

સફળતા માથા પર ચઢી ગઈ છે- શ્રીનિવાસન

શ્રીનિવાસને કહ્યું કે, રૈના એપિસોડથી ટીમ હવે બહાર આવી ચૂકી છે. હું સમજું છું કે જો તમે ખુશ નથી તો તમે પરત ફરી જાઓ. હું કોઈને કાંઈ કરવા માટે દબાણ કરી શકતો નથી. અનેક વાર સફળતા તમારા માથા પર ચઢી જાય છે. ધોની અને રૈના વચ્ચે વાત થઈ છે. કેપ્ટને વિશ્વાસ અપાવ્યો છે કે, જો કોરોનાનાં કેસ વધ્યા તો ચિંતાની વાત નથી. ધોનીએ ઝૂમ કોલ દ્વારા ટીમ સાથે વાત કરી છે અને તમામ લોકોને સુરક્ષિત રહેવા જણાવ્યું છે.

તેને સેલરી મળશે નહીં- શ્રીનિવાસન

પૂર્વ આઈસીસી અધ્યક્ષને વિશ્વાસ છે કે, સુરેશ રૈના પરત ફરશે. મને લાગે છે તે પાછો આવવા માગશે. સિઝન શરૂ થઈ નથી અને તેને અહેસાસ થશે કે તે શું (11 કરોડ) છોડીને ગયો છે. તેને આ સેલરી મળશે નહીં.

જણાવી દઈએ કે ચર્ચા એવી પણ છે કે, રૈના એટલા માટે આઈપીએલ છોડીને આવી ગયો છે કેમ કે, પઠાણકોટમાં તેના સંબંધી પર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો, જેમાં તેના એક સંબંધીનું મોત પણ નિપજ્યું છે. સાથે એવી પણ ચર્ચા છે કે, દુબઈમાં રૈના હોટેલના રૂમમાંથી ખુશ ન હતો અને તે કોરોનાને લઈ કઠોર પ્રોટોકોલ ઈચ્છતો હતો. તે ધોનીની જેમ રૂમ ઈચ્છતો હતો. તેવામાં સીએસકેના ટીમના બે ખેલાડી સહિત 13 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા તો રૈનાનો ડર વધી ગયો હતો.