• Home
  • News
  • 25 સપ્ટેમ્બરથી યોજાઈ શકે છે IPL; દરરોજ 2-2 મેચ, 5 સ્થળે આયોજન
post

વર્લ્ડ કપ પર નિર્ણય આવ્યા બાદ બીસીસીઆઈ લીગની જાહેરાત કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:56:04

રાયપુર: કોરોનાને કારણે IPLની સિઝન અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરાઈ. આ દરમિયાન BCCI ટી-20 વર્લ્ડ કપના સ્થગિત થયા બાદ IPL યોજવાની તૈયારીમાં છે.

એક માહિતી અનુસાર, 25 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર દરમિયાન લીગનું આયોજન કરાય તેવી શક્યતા છે. એટલે કે ટૂર્નામેન્ટ 36 દિવસ ચાલશે. દરરોજ 2 મેચ રમાશે. આ સિઝનમાં હોમ અને અવે જેવું ફોર્મેટ નહીં હોય. 5 સ્થળોએ ટૂર્નામેન્ટની મેચો રમાશે. બની શકે મેચોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટો.-નવે.માં વર્લ્ડ કપ યોજાવવાનો છે, આ મુદ્દે ICC આગામી મહિને નિર્ણય લેશે. તેને ટાળવામાં આવે તેવી શક્યતા છે. જોકે ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમમાં 25% ફેન્સને મંજૂરી અપાતા વર્લ્ડ કપના આયોજનની શક્યતા વધી છે. જો વર્લ્ડ કપનું આયોજન થશે તો IPL વર્તમાન સિઝનનું આયોજન મુશ્કેલ બનશે. IPLના થવા પર બોર્ડને 4 હજાર કરોડથી વધુ રકમનું નુકસાન થશે. ઉપરાંત ખેલાડીઓને કરોડોની સેલેરી નહીં મળે.

કોરોના સંકટ રહેશે તો દેશની બહાર આયોજન કરાશે
કોરોના વાઈરસના કારણે દેશના સિલેક્ટ સ્ટેડિયમમાં જ મેચ રમાશે. ફેન્સના આવવા પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો. દેશમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો દેશ બહાર લીગનું આયોજન થઈ શકે છે. કોરોના મુક્ત દેશોને પ્રાથમિક્તા અપાશે. ન્યૂઝીલેન્ડ પોતાને કોરોના મુક્ત જાહેર કરી ચૂક્યું છે. એવામાં ત્યાં આયોજન અંગે ચર્ચા ચાલી રહી છે. શ્રીલંકા અને યુએઈમાં પણ આયોજન થઈ શકે છે.

ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે
આઈપીએલમાં મોટાભાગે શનિવાર-રવિવારે જ 2 મેચ રમાય છે. હવે ઓછા દિવસમાં આઈપીએલ યોજાશે તો મોટાભાગે રોજ 2-2 મેચ રમાશે. આ વખતે પ્લેઓફ જેવું ફોર્મેટ નહીં હોય. પ્લેઓફમાં ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 હોય છે. આ વખતે લીગમાં ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. બોર્ડનો પ્રયાસ રહેશે કે મોટીસંખ્યામાં  વિદેશી ખેલાડીઓ પણ લીગમાં સામેલ થઈ શકે.

નવેમ્બરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ શકે છે
દરવર્ષે ઓગસ્ટથી BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. પરંતુ આ વખતે નવેમ્બરથી તેનો પ્રારંભ થશે. કારણ કે, તેના પહેલા IPLનું આયોજન થશે. આ બોર્ડની ડોમેસ્ટિક લીગ જ છે. સૌપ્રથમ દુલીપ ટ્રોફીનું આયોજન કરાશે. તે પછી રણજી ટ્રોફીની મેચો રમાશે. પછી વિજય હજારે વન-ડે ટૂર્નામેન્ટ અને અંતે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ રમાશે.