• Home
  • News
  • આઈટી કંપની ગામડાંમાં ખોલી રહી છે ઓફિસ, આવી 7 ઓફિસ ખૂલશે, સ્કૂલમાં ઝીરો ફી લઈને આપે છે ટ્રેનિંગ
post

કંપનીના દુનિયાભરમાં 9300 કર્મચારી, 2019-20માં 3410 કરોડની કમાણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 09:12:55

ચેન્નઈ: કોરોનામાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધી રહ્યું છે. સોફ્ટવેર પ્રોડક્ટ કંપની જોહો વર્ક ફ્રોમ વિલેજના મોડલ પર કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ ચેન્નાઈથી 650 કિમી દૂર તેનકાસી જિલ્લાના સુંદરી ગામમાં નવી ઓફિસ ખોલી છે. અહીં અત્યારે 20 કર્મચારી કામ કરી રહ્યા છે. દક્ષિણ ભારતના નાના ગામોમાં તેની આ ત્રીજી ઓફિસ છે. કંપની ટૂંક સમયમાં જ 7 નવી વિલેજ ઓફિસ ખોલવાની તૈયારીમાં છે. કંપનીએ 2016માં પોતાની ઓફિસ તેનકાસી જિલ્લાના જ મત્થલમપરાઈ ગામમાં શરૂ કરી હતી, જ્યાં આજે 500થી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. આવી જ ઓફિસ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના રેનીગૂંટામાં ખોલાઈ હતી, જેમાં 120 કર્મચારી કામ કરી રહ્યા છે. 

દુનિયાભરમાં 9300 કર્મચારીવાળી કંપની જેહોના ટેક્નોલોજી ડિરેક્ટર રાજેન્દ્રન દંડપાનીએ જણાવ્યું કે, આમ તો અમેરિકા, જાપાન, ચીન, સિંગાપોર, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ અને યુએઈમાં પણ અમારી ઓફિસ છે, પરંતુ હવે અમે નાના-નાના ગામડાંમાં ઓફિસ બનાવી રહ્યા છીએ. આ આઈડિયા કંપનીના સીઈઓ શ્રીધર વેમ્બુનો છે. કુંભકોણમ પાસેના ગામમાં જન્મેલા વેમ્બુને ગામની જીવનશૈલી કામ કરવા માટે વધુ સરળ લાગે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેનકાસીમાં શિફ્ટ થતાં પહેલા વેમ્બુ અમેરિકા ખાતેની સેન જોસ ઓફિસમાંથી કંપની સંભાળતા હતા. તેમણે 1989માં આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પીએચડી કર્યું છે. તેઓ નોકરી માટે ગામથી શહેરના પલાયનને ઉચિત માનતા નથી. ગામના ટેલેન્ટને તક આપવા માગે છે. સાથે જ કર્મચારીઓને શહેરોની દબાણવાળી જીવનશૈલીથી મુક્ત રાખવા માગે છે. 

દંડપાનીએ જણાવ્યું કે, અમારા આવવાથી ગામમાં સારી સડકો, સ્કૂલ, હોટલ, ઓટો સ્ટેન્ડ અને મંદિર તો બન્યા જ છે, સામાજિક રીતે પણ ઘણું પરિવર્તન આવ્યું છે.  આ ઓફિસમાં કેટલીક સ્થાનિક છોકરીઓ પણ કામ કરી રહી છે. પરિવાર તેમને નોકરી માટે શહેરમાં મોકલવા માગતા ન હતા, પરંતુ અમે જ્યારે ગામમાં જ રહીને કામ કરવાની ઓફર આપી તો તેઓ તરત જ માની ગયા હતા. આજે ગામના અનેક છોકરા-છોકરીઓ અહીં ખુશીથી કામ કરી રહ્યા છે. 

દંડપાનીએ કહ્યું કે, કંપનીએ જોહો યુનિવર્સિટી ખોલી છે, લોકોને સ્કિલની ટ્રેનિંગ અપાય છે. કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી. 90 ટકા વિદ્યાર્થી તમિલનાડુના છે. 875 વિદ્યાર્થી આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈને જોહો કંપનીમાં જ નોકરી મેળવી ચૂક્યા છે. ખુદ દંડપાનીના પુત્રએ પણ અહીં અભ્યાસ કરીને કંપનીમાં નોકરી મેળવી છે. 2019માં કંપનીની આવક રૂ.3410 કરોડ હતી, જેમાં 516 કરોડ શુદ્ધ નફો હતો. કંપની 1996માં એડવેન્ટ નામથી શરૂ થઈ હતી. 2009માં જોહો નામ રખાયું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post