• Home
  • News
  • હાઇકોર્ટના આદેશનું પાલન કરવું ઘણું પેચીદું, કોવિડ સેન્ટરમાં 700 દર્દી, નિયમભંગ માટે પકડાતા રોજના 8 હજારને જો ત્યાં મોકલાત તો કફોડી સ્થિતિ સર્જાત
post

માસ્ક ન પહેરનારાને સેવાની સજાના હાઇકોર્ટના આદેશ પર સરકારને સુપ્રીમમાંથી સ્ટે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-04 10:03:19

હાઈકોર્ટના આદેશનું પાલન કરવું ઘણું પેચીદું હોવાથી સરકારે સુપ્રીમમાં જવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં હાલ કોવિડ કેર સેન્ટરની સંખ્યા ઘણી ઓછી છે અને માત્ર 700 દર્દી ક્વોરન્ટીન છે, જેની સામે માસ્ક વિનાના દરરોજ સરેરાશ 8 હજાર લોકો પકડાય છે. આટલા બધા લોકોને માત્ર 700 દર્દીની સેવામાં મૂકવા અને એની વ્યવસ્થા કરવી એ સરકાર માટે કપરી સ્થિતિ સર્જે તેમ હતું. હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે અધિકારીઓ અને જાણકારોનાં મંતવ્યો મેળવ્યાં હતાં, પરંતુ તમામે આ પ્રકારના નિયમો બનાવવાને કારણે અવ્યવસ્થા વધે એવા મત વ્યક્ત કર્યા હતા.

અમદાવાદમાં જ માત્ર બે કે ત્રણ સેન્ટર છે. બીજી તરફ, માસ્ક નહીં પહેરનારા પકડાવાની સંખ્યા ઘણી મોટી છે. માનવીય અભિગમની દૃષ્ટિએ પણ આ પ્રકારની સેવા સોંપવી એ યોગ્ય નથી. જો 5થી 15 દિવસની સેવા સોંપવામાં આવે તો રોજના સરેરાશ 8 હજારની રીતે ગણીએ તો 5મા દિવસે માસ્ક નહીં પહેરનાર 40 હજાર લોકોને સેવામાં રાખવા પડે.

માસ્ક નહીં પહેરનાર પકડાય ત્યારથી તેની સેવાના આદેશો કરવા, સેન્ટર નક્કી કરવું, તેની રોજ બરોજની હાજરી, કામગીરીનું મોનિટરિંગ, તેના માટેની વ્યવસ્થા સહિતની તમામ બાબતો માટે પણ મોટી કવાયત અને વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિ સર્જાત, જેને પગલે સરકારે આ આદેશ સામે સુપ્રીમમાં જવાનો નિર્ણય લીધો હતો. બુધવારે મોડી સાંજે મળેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓ અગે ચર્ચા કર્યા બાદ સુપ્રીમમાં અપીલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

લોકોને કોવિડ સેન્ટર મોકલવા પોલીસ માટે પડકાર હતો
હાલ માસ્કનો દંડ ભરવામાં પણ લોકો અનેક આનાકાની કરે છે. પોલીસ સાથે દલીલબાજીથી લઇને ઘર્ષણ સુધીના બનાવ બને છે, ત્યારે માસ્ક નહીં પહેરનાર લોકોને પકડીને કોવિડ સેન્ટર સુધી લઇ જવા અને ત્યાં રોજેરોજની હાજરી ભરાવવી જેવા અનેક મુદ્દા પડકારજનક હોવાનો મત અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.

માસ્ક નહીં પહેરવા બદલ અત્યારસુધીમાં 100 કરોડનો દંડ વસૂલાયો
રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે માસ્ક નહીં પહેરનારા સામે સરકારે કડક દંડનીય પગલાં લીધાં છે. અત્યારસુધીમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી રાજ્ય સરકારે અંદાજે 100 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે. આગામી દિવસોમાં વધુ કડક ચેકિંગ અને દંડનીય પગલાં લેવાશે.

હાઈકોર્ટનો આદેશ સમાધાન નહીં, પોતે જ સમસ્યા છે સોલિસિટર જનરલ તુષાર મહેતા : માસ્ક નહીં પહેરવાના જોખમ કરતાં નિયમ ભંગ કરનારાઓને કોવિડ સેન્ટર મોકલવા એ વધારે જોખમી છે. બેન્ચ : તમારી વાત સાચી છે. લોકોએે માસ્ક પહેરવું જોઈએ, પરંતુ હાઈકોર્ટે જે આદેશ જારી કર્યો છે એ એનો ઉપાય નથી. હાઈકોર્ટે સમજવું જોઈએ કે ક્યારેક-ક્યારેક ઉપાય નિયંત્રણથી વધુ જોખમી બની શકે છે. લોકોને કોવિડ સેન્ટરમાં મોકલવાની સરખામણીમાં માસ્ક ન પહેરવાથી નુકસાન ઓછું છે. માસ્ક ન પહેરવાની સમસ્યાનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવવો જોઇએ. જસ્ટિસ શાહ : ગુજરાતમાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ગુજરાત સરકાર શું કરી રહી છે? તુષાર મહેતા : આ સમસ્યા રાષ્ટ્રવ્યાપી છે, એના પર નિયંત્રણ મેળવવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવાની આવશ્યકતા છે. બેન્ચ : નિયમો અને ગાઈડલાઈન્સ છે, પણ એનું પાલન થાય છે ખરું? SOPનું પાલન કરાવવાની ઈચ્છાશક્તિ સરકારમાં દેખાતી નથી, એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્નપ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, SOPનું પાલન ક્યાં થઈ રહ્યું છે? તુષાર મહેતા : કેટલાક લોકો બેધડક નિયમોનો ભંગ કરીને મનફાવે એમ કરે છે. માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી પોલીસ 1 હજાર રૂપિયા દંડ વસૂલે છે. જસ્ટિસ શાહ : શાકભાજીનાં અનેક બજારો છે, જ્યાં લોકોએ 6 ફૂટનું અંતર રાખવાનું હોય છે, પણ દેશભરમાં ક્યાંય આ નિયમનું પાલન થતું નથી. આ એવી જગ્યા છે જ્યાંથી સુપરસ્પ્રેડ શરૂ થાય છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ અન્ય લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે.

સરકાર હવે આગળ શું કરશે?

·         ગુજરાત પોલીસ ટ્રાફિક-પોલીસની જેમ માસ્ક માટે ડ્રાઇવ ચલાવશે. આ માટે ગૃહ વિભાગે સૂચના આપી દીધી છે.

·         જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી, ધરપકડ થશે.

·         માસ્ક સામે હવે દંડ નહીં વધારાય, પણ ગમે ત્યાં પોલીસ માસ્ક વગરના લોકો વિરુદ્ધ પગલાં ભરશે.

·         પોલીસ પેટ્રોલિંગ વધશે, લોકોનાં ટોળાં સામે એપિડેમિક એક્ટ હેઠળ પગલાં લેશે.

પ્રજા સરકારના ભરોસે, પણ સરકાર સુપ્રીમ કોર્ટના ભરોસે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલવાની સજા આપવાના ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ સામે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટના આદેશને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સરકારની દલીલ હતી કે માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારાઓને કોવિડ સેન્ટરમાં મોકલવાના આદેશના અમલથી ગંભીર સ્થિતિ સર્જાશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે રાજ્ય સરકારની આ દલીલને ગ્રાહ્ય રાખતાં કહ્યું હતું કે જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ અન્ય લોકોના મૂળભૂત અધિકારનું હનન કરે છે. બેન્ચે ગુજરાત સરકારને માસ્ક પહેરવાના તથા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનનો કડકડાઈથી અમલ કરાવવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજીને આધારે હાઇકોર્ટના માસ્ક વિનાના લોકોને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલવાના આદેશ પર પ્રતિબંધ તો લગાવી દીધી છે, પરંતુ હવે રાજ્યમાં માસ્ક વિના બહાર નીકળતા લોકો ખૂબ દંડાશે. સરકાર દંડ તો વધારવા નથી, પરંતુ હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ઘોંસ બોલાવાય છે તેમ ડ્રાઇવ ચલાવવામાં આવશે.

ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ સરકારે માસ્ક નહીં પહેરનારા લોકો વિરુદ્ધ દંડની જે રકમ નક્કી કરી છે એ વધારી શકાય તેમ નથી, પરંતુ હવે સરકારે માસ્કના નિયમનો ભંગ કરનારા લોકો અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં પાળનારા લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી એકદમ તેજ બનાવાશે. આ માટે ગૃહ વિભાગ થકી દરેક શહેરના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપીને માસ્ક નહીં પહેરનારા લોકો વિરુદ્ધ ડ્રાઇવ શરુ કરવા જણાવી દેવાયું છે.

માત્ર રોડ પર પોલીસ મેમો ફાડવા ઊભી રહે છે એમ ઊભી રહેવાને બદલે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરતી રહેશે. બજારો, લગ્નસ્થળો, દુકાનો, હોટલો, ખાણીપીણીના સ્ટોલ્સ, પબ્લિક પાર્ક કે અન્ય જાહેર સ્થળો પર લોકોનાં ટોળાં ભેગાં થયેલાં દેખાશે, સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કનો ભંગ થયેલો હશે તો તેમના વિરુદ્ધ એપિડેમિક એક્ટ હેઠળ પગલાં લઇને તેમની ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી પણ થશે. ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે પોતાની અરજીમાં સુપ્રીમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આખા દેશમાં માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ અને એ પણ સૌથી વધુ દંડની જોગવાઇ કરનારું રાજ્ય રહ્યું છે. આજે પણ માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ મોટી સંખ્યામાં દંડની કાર્યવાહી કરાય છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ પૂર્વ મંત્રી કક્ષાની વ્યક્તિ વિરુદ્ધ ધરપકડ સુધીની કાર્યવાહી થઇ છે. માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ સેન્ટરોમાં સેવા માટે મોકલાય તો તેઓ પાસે ખાસ કુશળતા ન હોય તેમ પણ બને, આથી તેમને ચેપ લાગી જાય તેવી સ્થિતિનું નિર્માણ શક્ય છે. અભ્યાસ કે અન્ય યોગ્યતાને આધારે કોવિડ સેન્ટરોમાં કામની ફાળવણી કરવાથી એક જ નિયમભંગના ગુના બદલ અલગ-અલગ સજાની જોગવાઇ જેવી અતાર્કિક સ્થિતિનું નિર્માણ થાય અને ન્યાયની દૃષ્ટિએ એ યોગ્ય નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post