• Home
  • News
  • ભારતમાં 1થી 1000 મૃત્યુ માટે 48 દિવસ લાગ્યા, પરંતુ છેલ્લાં 5 દિવસમાં મૃત્યુઆંકમાં 400નો ઉમેરો થયો છે
post

પ્રથમ 1000 મૃત્યુ માટે ભારતની દૈનિક સરેરાશ 20 હતી, જે છેલ્લાં 5 દિવસમાં દૈનિક 80 મૃત્યુ સુધી પહોંચીને ભયનો એલાર્મ વગાડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:36:03

અમદાવાદ: કોરોના મહાસંકટ સામે સમગ્ર વિશ્વ પૂરી તાકાતથી ઝઝુમી રહ્યું છે ત્યારે રાહતની વાત એ છે કે ભારતમાં સંક્રમણ અને મૃત્યુઆંક અન્ય દેશોની તુલનાએ ઘણો ઓછો અને ધીમો જણાય છે. ગત 29 એપ્રિલે ભારતમાં મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો હતો, જે આજે 5 જ દિવસમાં વધીને 1400 સુધી પહોંચવા આવ્યો છે. જોકે 1થી 1000 સુધી મૃત્યુઆંક પહોંચવામાં ભારત અન્ય કોરોના સંક્રમિત દેશો કરતાં ઘણું પાછળ છે. 

ચીનને 20 દિવસ લાગ્યા હતા 
કોરોના સંક્રમણનું એપિસેન્ટર ગણાતા ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં 31 ડિસેમ્બરે સત્તાવાર રીતે સંક્રમણનો પહેલો કેસ નોંધાયા પછી 9 જાન્યુઆરીએ પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. એ પછી સંક્રમણની ઝડપ વધી હતી અને 29 જાન્યુઆરી સુધીમાં મૃત્યુઆંક 1000 સુધી પહોંચ્યો હતો. આમ, પ્રથમ 20 દિવસમાં જ 1000 મૃત્યુ નોંધાયા હતા. 

ઈટાલીમાં આરંભે દરરોજ 50 મૃત્યુની સરેરાશ
ચીન પછી કોરોના મહામારીનો સૌથી ઘાતક ભોગ બનેલા ઈટાલીમાં આરંભે સંક્રમણની ઝડપ વધારે હતી પરંતુ મૃત્યુઆંકનો દર ધીમો હતો. પ્રથમ મૃત્યુ 8 ફેબ્રુઆરીએ નોંધાયા પછી રોજ 50 મૃત્યુની સરેરાશથી ઈટાલીમાં 28 ફેબ્રુઆરીએ મૃત્યુઆંક 1000 પર પહોંચ્યો હતો. 

અમેરિકામાં રોજ 40 મૃત્યુની સરેરાશ હતી
ચીન અને ઈટાલી પછી કોરોના સંક્રમણ અમેરિકા પહોંચ્યું હોવા છતાં આજે સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક બંને મામલે અમેરિકા જગતભરમાં અગ્રેસર છે. જોકે આરંભે અમેરિકાની સ્થિતિ સંયમિત હતી. પ્રથમ મૃત્યુ 28 ફેબ્રુઆરીએ નોંધાયા પછી 25 દિવસ બાદ 23 માર્ચે 1000 મૃત્યુ નોંધાયા હતા. એ પછી અમેરિકામાં મૃત્યુઆંક તીવ્ર બન્યો હતો અને 24 કલાકમાં 800થી વધુ મૃત્યુનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો હતો. 

ફ્રાન્સમાં પણ સરેરાશ 40 રહી
યુરોપમાં ઈટાલી પછી કોરોના સંક્રમણનો ભોગ બનનાર દેશ તરીકે ફ્રાન્સનો બીજો ક્રમ છે. ફ્રાન્સમાં પ્રથમ 1000 મૃત્યુ થવામાં 25 દિવસનો સમય લાગ્યો હતો. પ્રથમ મૃત્યુ 14 ફેબ્રુઆરીએ અને 1000 મોત 10 માર્ચે નોંધાયા હતા. 

ભારતની પ્રતિદિન સરેરાશ સૌથી ઓછી
ભારતમાં સંક્રમણનો પહેલો કેસ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં નોંધાયો એ પછી પ્રથમ મૃત્યુ 12 માર્ચે નોંધાયું હતું. એ પછી 29 એપ્રિલે મૃત્યુઆંક 1000 સુધી પહોંચ્યો હતો. મતલબ કે, ભારતને 1થી 1000 સુધી મૃત્યુઆંક પહોંચતા 48 દિવસ લાગ્યા હતા. જે રોજ 20 મૃત્યુની સરેરાશ કહી શકાય. આ સરેરાશ વિશ્વના તમામ મુખ્ય કોરોના સંક્રમિત દેશોની સરખામણીએ અડધાથી ય ઓછી છે. 

તારણઃ 

·         1થી 1000 મૃત્યુઆંકની ઝડપ અને પછી બદલાતી સ્થિતિના આંકડાઓ વડે નીકળતા તારણો મુજબ, આરંભે જો લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરીને પૂરતી ઝડપે અને પૂરતી માત્રામાં ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટની સુવિધા લાગુ કરી શકાય તો મૃત્યુઆંક વધવાનો દર ઘટાડી શકાય છે. ચીન એ કરી શક્યું હતું.

·         લોકડાઉનની અવધિ લંબાવવા છતાં જો ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટની સુવિધા પર્યાપ્ત રીતે વધારી ન શકાય તો મૃત્યુઆંક ભયજનક રીતે વધે છે. તેનું ઉદાહરણ ઈટાલીમાંથી મળે છે. 

·         ઈટાલીમાં 1થી 1000 મૃત્યુ માટે 20 દિવસ લાગ્યા હતા. પરંતુ પછી એ સમય સતત ઘટતો ગયો હતો અને એક તબક્કે દર 24 કલાકે 1000 મૃત્યુ થયા હતા. 

·         અમેરિકાએ લોકડાઉન દરેક રાજ્યોમાં લાગુ કર્યું નહિ. ફેડરલ ગવર્ન્મેન્ટ અને વોશિંગ્ટન વચ્ચે તાલમેલ સાધી શકાયો નહિ. પરિણામે ત્યાં પર્યાપ્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ હોવા છતાં સંક્રમણનો ફેલાવો અતિશય વ્યાપક બન્યો, જેને લીધે મૃત્યુઆંક પણ દર બે દિવસે 1000 સુધી પહોંચ્યો. 

·         ભારતમાં 1થી 1000 મૃત્યુનો સમયગાળો અત્યંત ધીમો છે પરંતુ એ પછી માત્ર 5 દિવસમાં વધુ 400 મૃત્યુ નોંધાયા છે. એ દર્શાવે છે કે ભારતમાં સંક્રમણની ઝડપ સામે ઉપલબ્ધ આરોગ્ય સેવા હવે હાંફી રહી છે. આ સ્થિતિ જો વધુ લંબાશે તો ભારતમાં અતિશય ભયજનક સ્થિતિ બની શકે છે.