• Home
  • News
  • CSKમાં જાડેજાનો સમય સમાપ્ત?:ઓલરાઉન્ડર પાસે 3 વિકલ્પ છે, જો તે ટીમમાં રહેશે તો ઋતુરાજની કેપ્ટનશિપ સ્વીકારવી પડશે
post

જાડેજા એક સીઝનની નિષ્ફળતાથી તૂટી નહિ શકે. જાડેજા ફોર્મમાં પરત ફરવાની સક્ષમતા ધરાવે છે અને આગામી દિવસોમાં તે આવું કરીને બતાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-14 16:10:33

મુંબઈ: રવીન્દ્ર જાડેજાને ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ ફિનિશર માનવામાં આવે છે. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે 10 વર્ષથી જોડાયેલો આ ખેલાડી હંમેશાં તેના પ્રદર્શન સાથે લાઈમલાઈટમાં રહ્યો છે. જોકે આ સીઝનમાં તે અપેક્ષાઓ પર ખરો ઊતર્યો નથી. આ દરમિયાન રવીન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ એ જ જાડેજા છે, જેને ચેન્નઈએ 16 કરોડની જંગી રકમ ચૂકવીને રિટેન કર્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ સમગ્ર મામલે કોમેન્ટરી દરમિયાન કહ્યું હતું કે જાડેજાએ ખરેખર ક્યારેય કેપ્ટનશિપ કરી નથી. કેપ્ટન તરીકે તેને પાણી વગરની માછલીની જેમ જોવામાં આવતો હતો.

સમગ્ર મામલા પર નજર કરીએ તો જાડેજા પાસે માત્ર 3 જ વિકલ્પ દેખાઈ રહ્યા છે. પહેલો વિકલ્પ એ છે કે ધોનીની નિવૃત્તિ પછી જાડેજા CSKના કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. બીજો વિકલ્પ એ છે કે ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા કેપ્ટન હેઠળ રમવાનું સ્વીકાર કરી લે.

ત્રીજો વિકલ્પ એ હશે કે જાડેજા ટ્રેડિંગ દ્વારા બીજી ટીમમાં ચાલ્યો જાય અને ત્યાં કેપ્ટનની ભૂમિકામાં દેખાય. જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સે સર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો છે એ પછી લાગે છે કે હવે સર જાડેજા પણ ઝૂકશે નહીં...

કેપ્ટનશિપમાં અચાનક ફેરફાર જાડેજાને ભારે પડ્યું
આઈપીએલની શરૂઆત સાથે જ ચેન્નઈના નવા કેપ્ટન તરીકે જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં હતો ત્યારે રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણા લોકો સ્વીકારી શક્યા નથી. મેચો શરૂ થઈ અને ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું.

એવું બન્યું કે ટીમ 8માંથી માત્ર બે જ મેચ જીતી શકી. જે બે મેચમાં ટીમ જીતી હતી એનું શ્રેય પણ મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવ્યું હતું. આ સમગ્ર વિવાદની અસર જાડેજાના પ્રદર્શન પર સ્પષ્ટ દેખાતી હતી. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક સર જાડેજા કેચ ચૂકી ગયો.

જાડેજાને નામની કેપ્ટનશિપ પસંદ નહોતી
રવીન્દ્ર જાડેજાને જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે તે માત્ર ટોસ કરવા મેદાનમાં જઈ રહ્યો હતો. આ સિવાય તેના હાથમાં કશું જ નહોતું. એવું ઘણી વખત ઓછું થતું કે કોઈ કેપ્ટને બાઉન્ડરીલાઇન પર સતત ફિલ્ડિંગ કરે. સંકેત સ્પષ્ટ હતો કે મહેન્દ્ર સિંહ ધોની વિકેટની પાછળથી તમામ નિર્ણયો લઈ રહ્યો હતો.

હારનું ઠીકરું જડ્ડુના માથા પર ફોડવામાં આવી રહ્યું હતું અને જીત માટેની પાઘડી માહીના માથા પર બાંધવામાં આવી રહી હતી. આ માનસિક દબાણની અસર જાડેજાની ફિલ્ડિંગ પર પણ પડી અને તેણે કેટલાક કેચ છોડ્યા. હવે જાડેજાની કામગીરી પર સતત સવાલો ઊઠી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર પુષ્પાનો ડાયલોગ મેં ઝૂકેગા નહીં...ને રિક્રિએટ કરનાર જાડેજા ક્યાં સુધી અપમાનના ઘૂંટડા પીવે છે.

આખરે તેણે કેપ્ટનપદ છોડવું વધુ સારું માન્યું. કેપ્ટનપદ છોડ્યા બાદ તેને કદાચ એક ખેલાડી તરીકે ટીમમાં જોડાવું ગમ્યું ન હતું. આ જ કારણ હતું કે પ્રારંભિક રાઉન્ડમાં સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું ન હતું. રવીન્દ્ર જાડેજા બાદમાં રહસ્યમય ઈજાના કારણે સીઝનમાંથી બહાર થઈ ગયો હતો.

હવે જાડેજા પાસે 3 વિકલ્પ છે, જેમાંથી જાડેજાએ કોઈપણ એક સ્વીકારવો પડશે.

ધોનીની નિવૃત્તિ બાદ CSKનો પાવરફુલ કેપ્ટન બની શકે છે જાડેજા
રવીન્દ્ર જાડેજાની પાસે પહેલો વિકલ્પ એ છે કે આગામી વર્ષે જો ધોની સંન્યાસ લઈ લે છે તો તે કેપ્ટન તરીકે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો રહેશે. ધોનીએ સ્પષ્ટ કહ્યું હતું કે રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી બાબતે ગયા વર્ષે જ જણાવી દેવામાં આવ્યું હતું. એનો અર્થ સ્પષ્ટ છે કે હવે ધોની લાંબા સમય સુધી કદાચ જ રમે.

જ્યારે ધોની ટીમમાં નહીં હોય ત્યારે જાડેજા પોતાના નિર્ણયોને સરળતાથી અમલમાં મૂકી શકશે. પોતાને અનુસાર ફિલ્ડ પ્લેસમેન્ટ કરી શકશે અને બોલિંગના ફેરફાર દરમિયાન પણ કોઈ પ્રકારની રોક-ટોક રહેશે નહીં. બોલરોની આસપાસ સતત ફિલ્ડિંગ કરતી વખતે, જાડેજા તેમને પોતાના અનુસાર બોલિંગ સંબંધિત સલાહ આપી શકશે.

 

જાડેજા ઈચ્છે તો 25 વર્ષીય ઋતુરાજની કેપ્ટનશિપમાં ટીમની સાથે રહી શકે છે
જાડેજાની પાસે બીજો વિકલ્પ છે કે તે ટીન મેનેજમેન્ટની સામે નમી જાય અને ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપનો સ્વીકાર કરી લે. એવી ચર્ચા છે કે રવીન્દ્ર જાડેજા પાસેથી કેપ્ટનશિપ પાછી લીધા બાદ ટીમ મેનેજમેન્ટ યુવા ઋતુરાજને આ જવાબદારી સોંપી શકે છે. જો જાડેજા યંગ ગાયકવાડની કપ્તાનીમાં મેચ રમવા તૈયાર હોય તો તેણે ટીમ સાથે રહી શકે છે.

IPL 2022ની શરૂઆતની મેચોમાં ઋતુરાજ ગાયકવાડ સતત ફ્લોપ થઈ રહ્યો હતો. આ દરમિયાન જાડેજા ઋતુરાજની પાછળ પૂર્ણ તાકાત સાથે ઊભેલો જોવા મળ્યા હતો. તેણે ઋતુરાજને ટીમમાંથી ડ્રોપ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જાડેજાએ કહ્યું હતુ કે ઋતુરાજ જરૂરથી ફોર્મમાં પાછો ફરશે.

માનવામાં આવી રહ્યું છે કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ માટે સારો કેપ્ટન સાબિત થઈ શકે છે. જોકે તેને પણ મુક્તપણે કેપ્ટનશિપ કરવાની તક નહીં આપવામાં આવે, તો ઋતુરાજ પણ માત્ર નામનો જ કેપ્ટન બનશે, જ્યાં નિર્ણલ કોઈ અન્ય લેશે અને નિષ્ફળતા માટે જવાબદારી તેની રહેશે.

ચેન્નઈ છોડીને બીજી ટીમમાં જોડાઈ શકે છે જાડેજા
રવીન્દ્ર જાડેજાની પાસે ત્રીજો વિકલ્પ એ છે કે તે ટ્રેડિંગ દ્વારા ચેન્નઈનો સાથ છોડી દે. કેપ્ટન તરીકે ઋષભ પંત, શ્રેયસ અય્યર અને કેન વિલિયમ્સનની નિષ્ફળતા તેમની ટીમને નવા કેપ્ટનને શોધવા પર મજબૂર કરી શકે છે.

એવામાં આ ટીમ માટે રવીન્દ્ર જાડેજા કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમેદવાર સાબિત થઈ શકે છે. જાડેજાની IPL કારકિર્દી અને ટીમ ઈન્ડિયા માટે પ્રદર્શન તેને એવો ખેલાડી બનાવે છે, જેને ક્રિકેટની યોગ્ય સમજ છે અને જે પોતાની કેપ્ટનશિપમાં ટીમને સંભાળી શકે છે.

ટીમ ઈન્ડિયાના મેચ વિનરની યાદીમાં સામેલ રહ્યો છે સર જાડેજા
રવીન્દ્ર જાડેજા છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક શાનદાર ઓલરાઉન્ડર ખેલાડી તરીકે સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર અનેક મેચ જિતાડનારા જાડેજાને હવે જ્યારે ગ્રેડ એમાં સામેલ કરવામાં આવ્યો નથી, ત્યોરે લોકોએ નિર્ણય સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

જાડેજા એક સીઝનની નિષ્ફળતાથી તૂટી નહિ શકે. જાડેજા ફોર્મમાં પરત ફરવાની સક્ષમતા ધરાવે છે અને આગામી દિવસોમાં તે આવું કરીને બતાવશે.