• Home
  • News
  • 'જામતારા'ની ઠગ ટોળકીનો ગુજરાતમાં હાહાકાર:નેટફ્લિક્સની વેબસિરીઝની જેમ જ 5 જિલ્લાનાં ATMને ટાર્ગેટ કર્યાં, 16 વર્ષની સગીરાની કલાકારી જોઈ પોલીસ પણ ચોંકી
post

ગુનેગારો નવા નવા કીમિયા અજમાવી લાખો રૂપિયા સેવરી લે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નવસારીથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-06 17:32:50

નવસારી: ગુજરાતમાં થતા સાયબર ક્રાઇમના સેંકડો ગુનાઓનું એપી સેન્ટર ઝારખંડનું જામતારા હોય છે. આ ગામના સગીરો મોટા ભાગે આ પ્રકારના ચીટિંગમાં સંડોવાયેલા હોય છે અને તેમની સુનિયોજિત ચીટિંગ થિયરીને કારણે આરોપીઓને પકડવામાં ઘણી વખત મુશ્કેલી આવે છે. ઠગ ટોળકીઓથી ભરેલા આ ગામની નેટફલિક્સ પર બે વેબસિરીઝ પણ બનાવવામાં આવી છે...ત્યારે ફરી આ ઠગ ટોળકીઓએ ગુજરાતના લોકોને પોતાના ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને ભરૂચવાસીઓને લૂંટવામાં સફળ પણ બન્યા હતા...જોકે અનેક ફરિયાદો બાદ પોલીસે એક્શન પ્લાન બનાવી અંતે ટોળકીને ઝડપી પાડી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરતાં કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે...

ગુનેગારો નવા નવા કીમિયા અજમાવી લાખો રૂપિયા સેવરી લે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નવસારીથી,. જેમાં આરોપીઓએ માસ્ટર પ્લાન બનાવીને યુવકને ચૂનો તો લગાવ્યો પણ ઝડપાઇ ગયા..ઘટના છે 25 ફેબ્રુઆરીની. નવસારીમાં રહેતો અને કેબલ વ્યવસાય સાથે સંકળાયેલો છનાભાઈ વણકર નામનો યુવાન પોતાનો પગાર ઉપાડવા માટે સ્ટેશન રોડ પર આવેલા Axis બેંકના ATMમાં ગયો હતો, જ્યાં કાર્ડ નાખીને 3000 ઉપાડ્યા હતા. ત્યાર બાદ કાર્ડ કાઢવા જતા કાર્ડ ફસાઇ ગયું ગતું. યુવક કાર્ડ કાઢવાની માથાકૂટ કરતો હતો, જ્યાં પાછળ ઊભેલી 16 વર્ષીય સગીરાએ કહ્યું - ભાઇ, મારે ઉતાવળ છે, મને પહેલા પૈસા કાઢવા દો... તો યુવકે કાર્ડ ફસાઇ ગયું હોવાનું જણાવ્યું તો સગીરાએ ATMની પાછળ એક હેલ્પલાઇન નંબર લખેલો છે એના પણ મદદ લેવાનું જણાવ્યું હતું.

ફેવિસ્ટિક લગાવી પૈસા ઉપાડી લે છે ટોળકી સગીરાના કહેવા પ્રમાણે, યુવકે એ નંબર પર ફોન કરતાં સામેથી જણાવવામાં આવ્યું કે એન્ટર બટન દબાવી રાખો અને ATMનો પિન નાખો, જેથી તમારું કાર્ડ નીકળી જશે, આથી યુવકે એ પ્રમાણે કર્યું, પરંતુ કાર્ડ ન નીકળતાં તે કંટાળીને પોતાની ઓફિસે જવા રવાના થઈ ગયો..આ સમગ્ર ઘટના ઘટી એમાં સગીરાએ યુવકનો પિન નંબર નોટ કરી લીધો હતો અને યુવકના નીકળ્યા બાદ ત્રણ વખત 10-10 હજાર અને એક વખત 5 હજાર મળી કુલ 35 હજાર ઉપાડી લીધા હતા. આ ઘટનામાં યુવકનું ATM કાર્ડ ફસાવવાનું કારણ હતું આરોપીએ લગાવેલી ફેવિસ્ટિક..

16 વર્ષની સગીરાની હોશ ઉડાવી દેતી મોડસ ઓપરેન્ડી
યુવકના 35 હજાર જે ટોળકીએ ઉપાડી લીધા એમાં મુખ્ય સૂત્રધાર હતી 16 વર્ષીય સગીરા, જેણે એવી મોડસ ઓપરેન્ડી અપનાવી, જે જાણ્યા બાદ પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ ટોળકી સૌપ્રથમ લોકેશન નક્કી કરી જે-તે સ્થળના ATMમાં પહોંચીને જ્યાં કાર્ડ ઇન્સર્ટ કરવાનું હોય ત્યાં ફેવિસ્ટિક લગાવી દેતી હતી, જેથી કોઈપણ વ્યક્તિ પૈસા ઉપાડવા આવે તો બે મિનિટમાં જ કાર્ડ ચોંટી જાય અને કંઇપણ રીતે ATMનો પિન મેળવીને તે વ્યક્તિના ગયા બાદ એકાઉન્ટ સાફ કરી લેતી હતી.

ગુજરાતના 5 જિલ્લાને ટાર્ગેટ કરી ચૂકી છે ગેંગ
આ ટોળકીએ ટાર્ગેટ કરેલો નવસારીનો છનાભાઈ વણકર એક જ નહીં પણ અનેક લોકો છે. જેમને આ ટોળકીએ ચૂનો લગાવ્યો છે. ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અનેક લોકોને આ ટોળકીએ છેતર્યા છે. આ ટોળકી એક જગ્યાએ આવી રીતે છેતરીને જગ્યા બદલી લેતી હતી, જેથી પોલીસની પકડ તો દૂરની વાત કોઈને ધ્યાનમાં પણ નહોતું જતું, પરંતુ કહે છે ને કે પાપનો ઘડો ભરાઈ જ જાય છે, એમ નવસારીના યુવાનને ચૂનો ચોપડતાં જ આ ટોળકી જેલના સળિયા પછળ ધકેલાઇ ગઇ છે.

ઠગ ટોળકી ઝારખંડના જામતારા ગામના આજુબાજુની રહેવાસી
આ ટોળકીને ઝડપીને પોલીસે પૂછપરછ કરતાં આ શખસો ઝારખંડના જામતારાના હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી 16 વર્ષીય સગીરાને સાથે રાખીને ATMમાં કાંડ કરતી હતી. સગીરા ATM મશીનની અંદર કે બહાર ઊભી રહીને કોઈપણ વ્યક્તિને પોતાની વાતોમાં ભોળવીને કાર્ડનો પિન નંબર જાણી લેતી હતી. એવી મીઠી મીઠી વાતો કરતી કે જે-તે વ્યક્તિ પોતાનું કાર્ડ પણ મશીમાં ભૂલી જતી હતી. ત્યાર બાદ આ શખસો રોકડ ઉપાડીને રફુચક્કર થઇ જતા હતા. આ ટોળકીની ધરપકડ પલસાણા પોલીસે કરી ને કિશોરીને વડોદરા બાળસુધારગૃહમાં મોકલવામાં આવી છે. ઠગ ટોળકી સામે નવસારી, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ અને સુરતમાં નોંધાયેલા ઠગાઇના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


સાયબર ક્રાઇમના મોટા ભાગના ગુનાઓનું સેન્ટર જામતારા
બિહારમાંથી છૂટા પડેલા અને કુદરતી સંપદાથી ભરપૂર એવા ઝારખંડ રાજ્યનો એક દક્ષિણી જિલ્લો છે જામતારા. એ જ જામતારા જ્યાંથી આ બધા ઠગાઈ માટે જાળ બિછાવતા કોલ આવે છે. અહીં ચીટિંગ માટેનો રીતસર કારોબાર ચાલે છે અને આ કારોબારના ખેલાડીઓ કાંઈ આઈટી એક્સપર્ટ, એન્જિનિયર કે ટેકનોક્રેટ્સ નથી હોતા. આ ઠગાઈનું નેટવર્ક ચલાવવા જાળ બિછાવનારે ટેલિકોલરો મોટા ભાગે અભણ કે સાતમું-આઠમું ભણેલા લબરમૂછિયા હોય છે. કોઈના બેંક એકાઉન્ટમાંથી કે ફોન કરીને નાણાંની ઉઠાંતરી થઇ જાય તો ઘણી વખત પોલીસ ફરિયાદ લઇને પણ આરોપીઓને શોધી શકતી નથી. એવું નથી કે પોલીસ તપાસ કરતી નથી, પરંતુ આ ઉઠાંતરી કરનારી ગેંગ એટલી ચાલાક હોય છે કે પોલીસને ખબર પડે એ પહલાં તેણે અન્ય લોકોને ટાર્ગેટ કરીને પોતાનો નંબર બદલી નાખ્યો હોય છે. આ ચીટિંગ કરનારા મોટા ભાગે જામતારા ગામમાં રહેતા હોય છે. દુર્ગમ અને અંતરિયાળ હોવાને કારણે આ ઠગોને પકડવા ખૂબ જ મુશ્કેલ છે અને એટલે જ પોલીસ પણ અહીં જતાં બે વાર વિચાર કરે છે. ગુજરાતમાં થતા સાયબર ક્રાઇમના મોટા ભાગના ગુનાઓનું સેન્ટર જામતારા જ છે.

ચીટિંગના કોલ કરનારના ઉચ્ચારણ મોટા ભાગે બંગાળી ભાષાના હોય છે
જામતારા પશ્ચિમ બંગાળની સરહદથી અત્યંત નજીક આવેલો જિલ્લો છે. આમેય ઝારખંડના અંતરિયાળ જિલ્લામાં બોલચાલની ભાષામાં બંગાળી લઢણ વધુ જોવા મળે છે. ચીટિંગ માટે ફોન કરનારા છોકરાઓ અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં વાત કરતા હોય છે. જોકે તેમની બોલચાલની લઢણ બંગાળી ભાષાને મળતી આવે છે, જેમકે તેઓ ''નો ઉચ્ચાર કરવાને બદલે '' બોલતા હોય છે. જાણીતા વીડિયો પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા તો જામતારા અને તેની છેતરપિંડીની શૈલી આધારિત ક્રાઈમ વેબસિરીઝ પણ બનાવવામાં આવી છે. ગુજરાત ઉપરાંત બહારનાં રાજ્યોમાં પણ જામતારાથી ચાલતા ચીટિંગ નેટવર્કે હાહાકાર મચાવેલો છે. અહીં બોર્ડર પણ નજીક હોવાથી આરોપી સાયબર ક્રાઈમ કરીને આસાનીથી બોર્ડર ક્રોસ કરી શકે છે. આ વેબસિરીઝમાં પણ નાનાં ટાબરિયાંઓ અને લવરમૂછિયા છોકરડાઓ જ ચીટિંગનું આખું નેટવર્ક ચલાવતાં હોય એવું દર્શાવાયું છે.

સ્ક્રિપ્ટ કંઠસ્થ કરી ઝાડ પર ચઢીને સગીરો રોજના લાખોનું ચીટિંગ કરે છે
જામતારા જવાના ત્રણ રસ્તા છે. બીજા રાજ્યની પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં ગામના લોકોને ઇશારાઓ થઈ જાય છે અને ટપોટપ આ કામગીરી બંધ કરીને ગુનાખોરી સાથે જોડાયેલા લોકો ભૂગર્ભમાં જતા રહે છે. અત્યંત ગરીબ છોકરો પણ સાયબર એક્સપર્ટને શરમાવે એવું ચીટિંગ આ ગામમાં થાય છે. દરરોજે સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી આ ગામના સગીરો પોતાના આકાઓ પાસેથી ડેટા મેળવીને તેમને ફોન કરે છે અને તેમને બેંકમાંથી બોલે એવી વાત સમજાવવા માટે તેઓ સ્ક્રિપ્ટ રટણ કરે છે અને ત્યાર બાદ તેમને ચીટિંગ કરેલી રકમ મળી જાય છે. મોટા ભાગે સગીરો ગામમાં ઝાડ પર ચઢી જાય છે, કારણ કે કોઈ વખત ઘરમાં ફોન પર વાત દરમિયાન ટાવર કનેકશનની સમસ્યા થાય છે.

માઇક્રો ચીટિંગ કરે એટલે પોલીસ પણ છેક ત્યાંનો ધક્કો ખાવાનું ટાળે
જામતારાના સગીરો મોટા ભાગે સ્ક્રિપ્ટ પ્રમાણે જ કામ કરતા હોય છે. જાણે આખા ગામના કેટલાક લોકો માત્ર આ રીતે ભેગા થઇને ચીટિંગ કરવા માટે પ્રયાસ કરતા હોય. આ ચીટિંગમાં તેઓ નાની રકમની ઠગાઈ કરતા હોય છે, જેથી મોટા ભાગે અન્ય રાજ્યોમાં આ નાણાં ટ્રાન્સફર કરાતાં હોવાથી ઘણી વખત પોલીસ પણ નાની રકમ માટે ત્યાં જવાનું ટાળે છે, જ્યારે કેટલાક કિસ્સામાં નાની રકમનું ચીટિંગ હોવાથી પોલીસ ફરિયાદ પણ થતી નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post