• Home
  • News
  • ઝાલાવાડના ખેડૂતે એક બે નહીં પણ 15 અલગ-અલગ કલરના તરબૂચની ખેતી કરી, 35 લાખની આવક
post

તરબૂચ અને ટેટીનું 35 વીઘામાં વાવેતર કરી રૂ. 35 લાખની આવક મેળવી છે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 19:06:51

સુરેન્દ્રનગર: સમયની સાથે ખેડૂતો પણ અપડેટ થઇ રહ્યા છે. બાગાયતી ખેતી તરફ વળેલા ખેડૂતો ટેક્નોલોજીને સાથે જોડીને ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે. ત્યારે આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ધ્રાંગધ્રાના ખેડૂતે... ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે ઝાલાવાડની બંજર જમીનમાં પંદર જેટલા અલગ અલગ કલરના અને જાતના તરબૂચ અને ટેટીનું 35 વીઘામાં વાવેતર કરી રૂ. 35 લાખની આવક મેળવી છે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

તરબૂચ અને ટેટીનું સફળતાપૂર્વક વાવેતર
ઝાલાવાડની સૂકી ધરા અને બંજર જમીનમાં ખેડૂતો મુખ્યત્વે કપાસ, એરંડા અને જીરાનું પરંપરાગત રીતે વાવેતર કરી આવક રળતા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડૂતે અંદાજે 35 વીઘા જમીનમાં પંદર જેટલી અલગ અલગ કલરના અને જાતનાં તરબૂચ અને ટેટીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

પીળા કલરના તરબૂચ આકર્ષણનું કેન્દ્ર
લાલ, પીળા સહિતના અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સક્કરટેટી અને તરબૂચની ખેતી દ્વારા આ ખેડૂત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવી 35 વીઘાના ખેતરમાં વર્ષે રૂ. 35 લાખની વિક્રમજનક આવક રળી છે. ઘઉં અને કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બિયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન અને ભાવ નથી મળતા. ત્યારે આવા રોકડિયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને વિપુલ ઉત્પાદનની સાથે સારી આવક પણ મળે છે. સાથે સાથે અલગ પ્રકારના અંદરથી પીળા કલરના તરબૂચ લોકોમાં પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

કિલોએ 40 રૂપિયાનો ભાવ
આ અંગે ખેડૂત સહદેવભાઇ જોરૂભાઇ જણાવે છે કે, મેં અલગ અલગ 15 જાતની ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં પીળા, લાલ અને ઉપરથી પટ્ટાવાળા સહિતના ચારથી પાંચ જાતના તરબૂચનું વાવેતર કર્યું છે. જ્યારે અલગ અલગ કલર અને જાતના મળી કુલ સાત જેટલી પ્રકારની ટેટીનું વાવેતર કર્યું છે. જેમાં વિવિધ જાતમાં સુગરનું પ્રમાણ 12%, 13%, 16% અને 19% સુગર એમ એમ અલગ અલગ પ્રકારની ગળપણવાળી ટેટીનું વાવેતર કર્યું છે. ભાવમાં કિલોએ રૂ. 15, 20, 30 અને 40 જેવા અલગ અલગ ભાવ મળે છે. એ જ રીતે તરબૂચમાં પણ કિલોના રૂ. 15થી 20 સુધીના ભાવ મળે છે. આ વેરાઇટી અમદાવાદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત બધે જ સહેલાઈથી વેચાય છે.

એક વીઘામાંથી એક લાખની આવક
મહત્ત્વનું છે કે, સહદેવભાઇ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં ત્રણ ખેડૂતોએ આ પ્રકારનું વાવેતર કર્યું છે. કુંતલપુર ગામના અંબારામભાઇ કરસનભાઇ પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લાં ચારેક વર્ષથી તરબૂચ અને ટેટીની ખેતી કરું છું. જેમાં ખૂબ સારું વળતર મળે છે. મારે અત્યારે કુલ ચાર એકરમાં આ વાવેતર કરેલું છે. જેમાં વીઘે લાખ રૂપિયાની આવક થાય છે. પહેલાં અમે કપાસ અને જીરાનું વાવેતર કરતા હતા. એમાં જેટલી આવક આવતી હતી એટલો આ વાવેતરમાં નફો વધે છે. જ્યારે આ અંગે નારીચાણા ગામના જયદીપભાઇ પટેલે જણાવ્યું કે, આ વખતે અમે તરબૂચ અને ટેટીના નવા વાવેતરના નવા અનુભવ સાથે ખેતીમાં ઊતર્યા છીએ. જોકે વર્ષોથી અમે એરંડા અને વરિયાળીનો પાક કરતા હતા પણ એમાં લાંબાગાળાનો પાક અને સાથે ઘણા બધા રોગ પણ આવતા હતા અને એમાં લાંબાગાળે નફાનો ગાળો ઓછો રહેતો હતો. જ્યારે તરબૂચ અને ટેટીમાં અમને ફક્ત ત્રણ માસમાં રીઝલ્ટ મળી જાય છે. એવુ નથી કે આ વાવેતરમાં ફક્ત નફો જ મળે છે. ક્યારેક તો આખા પ્લોટનું વાવેતર પણ ફેલ થઇ જાય છે. આ વાવેતર ખેડૂતોએ અવશ્ય અપનાવવું જોઇએ સાથે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે, આ વાવેતરમાં ક્યારેક ટોટલી લોસ પણ થઇ શકે છે એ ખેડૂતે પોતાને ધ્યાન રાખવું પડે છે.

adv

Related News

post
post
post
post
post
post
post