• Home
  • News
  • ઝારખંડ ચૂંટણીમાં ઝામુમો-કોંગ્રેસ ગઠબંધનને બહુમતી
post

ઝારખંડમાં પણ ભાજપ સત્તામાંથી બહાર ફેંકાઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 11:12:42

રાંચી: ઝારખંડમાં પણ ભાજપ સત્તામાંથી બહાર ફેંકાઈ ગયું છે. સોમવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને 47 બેઠકો પર નિર્ણાયક બહુમતી મળી છે. મતગણતરી મોડી રાત સુધી ચાલુ રહેવા પામી હતી. 81 બેઠકની વિધાનસભામાં બહુમતિનો આંકડો 41 છે. જેએમએમના નેતા હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે એ નક્કી છે. 11 બેઠકના નુકસાન સાથે ભાજપ 26 બેઠક જ જીતી શક્યું હતું. ખુદ મુખ્યમંત્રી રઘુવરદાસ પણ તેમની જમશેદપુર પૂર્વની બેઠક બચાવી શક્યા નહોતા. ભાજપના બળવાખોર અને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા સરયુરાયે તેમને હરાવ્યા હતા. રઘુવર 1995 પછી 24 વર્ષથી સતત 5 વખત અહીંથી ચૂંટાયા હતા. મુખ્યમંત્રી ઉપરાંત તેમના 4 મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ ચૂંટણી હારી ગયા છે. છેલ્લા 1 વર્ષમાં ભાજપે 5 રાજ્યોમાં સત્તા ગુમાવી છે. ડિસેમ્બર 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભામાં વિજય છતાં 7 મહિનામાં ભાજપ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સત્તામાંથી બહાર ફેંકાયું.

મહાગઠબંધનના સીએમ ઉમેદવાર હેમંત સોરેન પિતા શિબૂ સોરેનને મળવા પહોંચ્યા અને તેમનો આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં હેમંત સોરેને કહ્યું કે, આ પરિણામ પિતા શિબૂ સોરેનના સમર્પણ અને પરિશ્રમનું પરિણામ છે. આજની જનતાની આકાંક્ષાઓને પુરા કરવાના સંકલ્પનો દિવસ છે.

હેમંત સોરેને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- સાથીઓ, આજે ઝારખંડ પ્રદેશની 40 દિવસની ચૂંટણી યાત્રાનો અંતિમ દિવસ છે. આજે મત ગણતરી ચાલી રહી છે. હજુ સુધી જે રૂઝાન આવ્યા છે તેમાં જનતાએ જે જનાદેશ આપ્યો તે સ્પષ્ટ છે. હું મતદારોનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું- ઝારખંડની જનતા માટે ઉત્સાહનો દિવસ છે. મારા માટે આજે સંકલ્પ લેવાનો દિવસ છે. આ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે. આજનો આ જનાદેશ શિબૂ સોરેનજીના પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે. કોંગ્રેસ અને રાજદ સાથે મળીને અમે ચૂંટણી લડી. લાલૂ યાદવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કરું છું. દરેક લોકોએ મારા પર વિશ્વાસ દાખવ્યો અને રાજ્યની જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો છે.