• Home
  • News
  • ઝારખંડમાં હેમંત સોરેન પર વિશ્વાસ મૂકવાથી કૉંગ્રેસને પણ થયો ફાયદો
post

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 માટે પાંચ ચરણમાં મતદાન થયા બાદ હવે પરિણામો પણ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-23 14:50:21

નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 માટે પાંચ ચરણમાં મતદાન થયા બાદ હવે પરિણામો પણ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. અત્યાર સુધીના વલણો મુજબ રાજ્યમાં સત્તારૂઢ બીજેપીને સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ મુક્તિ મોર્ચા, કૉંગ્રેસ  અને આરજેડીના ગઠબંધનને બહુમત મળતું હોય એવું લાગી રહ્યું છે. કૉંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 6 સીટો પર જીતથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટી 12 સીટ જીતી શકે છે. જેએમએમ પર વિશ્વાસ મૂકવાના કારણે ઝારખંડમાં કૉંગ્રેસને પણ લાભ થયો છે.

મતગણતરીના અત્યાર સુધીના વલણોને જોતાં કહી શકાય કે રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેન પર ભરોસો મૂકવો કૉંગ્રેસ માટે ફાયદાનો સોદો રહ્યો છે. કૉંગ્રેસે ઑક્ટોબરમાં સીટોની વહેચણીને લઈ થયેલી વાતચીતમાં જેએમએમને રાજ્યમાં મોટા ભાઈ તરીકે સ્વીકાર કરી લીધો હતો. કૉંગ્રેસે સ્પષ્ટ કરી દીધું હતું કે જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરવામાં પાર્ટીને કોઈ મુશ્કેલી નથી. કૉંગ્રેસ તરફથી આ વાતના સંકેત ઝારખંડના કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂએ આપ્યો હતો. સાહૂએ સ્પષ્ટ કરી દીધું હતું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહલા જ તે વિશે હેમંત સોરેનને આશ્વાસન આપી દીધું છે.

હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. તેઓ પોતાના પિતા શિબૂ સોરેન (Shibu Soren)ની જેમ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2013માં હેમંત સોરેન આરજેડી, કૉંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોની મદદથી ઝારખંડના પાંચમા મુખ્યમંત્રી બનવામાં સફળ થયા હતા અને ડિસેમ્બર 2014 સુધી પદ પર રહ્યા. વર્ષ 1975માં જન્મેલા હેમંત સોરેન ઓછી ઉંમરમાં જ પોતાની રાજકીય સૂઝબૂઝનો પરિચય આપી ચૂક્યા હતા. શિબૂ સોરેનનો વારસો સંભાળવો તેમના માટે કોઈ જાખમથી ઓછો નહોતો, પરંતુ હેમંત સોરેને સમય-સમય પર પોતાની કાબેલિયતનો પરિચય આપતાં એ પુરવાર કરી દીધું કે રાજનીતિના આડા-અવળાં રસ્તા પર ચાલવાની ક્ષમતા તેમનામાં છે.