• Home
  • News
  • તથ્ય પટેલની જામીન અરજી પર 24 ઓગસ્ટે ચુકાદો:સરકારી વકીલે કહ્યું- 141 કિમીની ઝડપે જેગુઆર ચાલતી; જો આ ગાડી 60ની સ્પીડમાં હોત અને 9ને કચડ્યા હોત તો?: તથ્યના વકીલ
post

304 કલમ કોઈ પ્રાથમિક તપાસ વગર લગાવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 18:14:31

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે તેના વકીલ નિસાર વૈદ્યે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી પર 24 ઓગસ્ટે ચુકાદો આપવા જણાવ્યું હતું. તથ્યનાં માતા અને કાકા કોર્ટમાં હાજર રહ્યાં હતાં. સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ દલીલમાં જણાવ્યું હતું કે 141 કિમી જેટલી ઝડપે જેગુઆર ગાડી ચાલતી હતી. એસ.જી. હાઇવે પર 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ દર્શાવી છે. ત્યારે સામે પક્ષના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરતાં જણાવ્યું હતું કે જો આ ગાડી 60ની સ્પીડમાં હોત અને 9 જણાને કચડ્યા હોત તો?

તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

લોકોને 120 ફૂટ ઢસડ્યા છે
અન્ય મૃતક વતી દર્શન વેગડે જણાવ્યું હતું કે લાઇસન્સની પરીક્ષા આપવા જાઓ ત્યારે પણ સ્પીડ લિમિટને લઈને જ્ઞાન હોવું જોઈએ. 70ની સ્પીડે ગાડી ચલાવવાની પરમિશન હોય અને 140ની સ્પીડે ચલાવો તો કોઈ વચ્ચે આવે તો તે મરી જ જાય. લોકોને 120 ફૂટ ઢસડ્યા છે, તથ્યને જામીન મળે તો તેના જેવા અન્ય લોકોને પણ એવું લાગશે કે આવા ગંભીર અકસ્માત બાદ 1 મહિનામાં જામીન મળી જાય છે.

જામીન મૂળભૂત અધિકાર છે
જ્યારે નિસાર વૈદ્યે દલીલ કરતાં જણાવ્યું કે જામીન મૂળભૂત અધિકાર છે, સામેના પક્ષ પાસે ફક્ત વીડિયો જ એક પુરાવો એ જ ગાડી છે કે કેમ? આ પુરાવાનો વિષય છે. સાઅપરાધ મનુષ્યવધ અને મનુષ્યવધ વચ્ચે ઇરાદાનો ફરક છે. તથ્યનો ઈરાદો કોઈને મારવાનો નથી, તેને ઈરાદો નહીં, બેદરકારી ગણી શકાય. ઇન્વેસ્ટિગેશન ઓફિસર કાયદાના નિષ્ણાત નથી, કોર્ટ નિષ્ણાત છે. જો આ ગાડી 60ની સ્પીડમાં હોત અને 9 જણાને કચડ્યા હોત તો? અગાઉના કાફેની દીવાલ તોડવામાં સમાધાન થઈ ગયું હતું, મર્ડર અને રેપમાં પણ સમાધાન થાય છે. એક મંદિરને સામાન્ય નુકસાન થયું એમાં પણ ગુનો નોંધ્યો છે. એમાં 40 હજાર વળતર ચૂકવ્યું છે, મીડિયા વીડિયો લાવ્યું એટલે ગુનો નોંધી દીધો.

તથ્યે બ્રેક મારવાની કોશિશ કરી નથી એવું FSL કહે છે
મોંઘીદાટ ગાડીઓમાં સામાન્ય ગાડીઓ કરતાં બ્રેક સારી હોય છે, તથ્યે બ્રેક મારવાની કોશિશ કરી નથી એવું FSL કહે છે. અકસ્માત બાદ ગાડી ઓટોમેટિક ઊભી રહી હતી. બે-ત્રણ લોકોને અથડાયા બાદ પણ ગાડી ઊભી રાખવાનો પ્રયત્ન કરાયો નહીં, જાણીજોઈને ગાડી ઝડપે ચલાવી લોકોના જીવ જોખમમાં મુકાયા એટલે IPCની 304ની કલમ લાગી છે. પોલીસની થાર ગાડીના અકસ્માતમાં વર્ધી નહોતી. પોલીસ ઝાયડસથી રિટર્ન થતી હતી. એટલે કોઈને વાગ્યું છે કે નહીં એ જોવા આવ્યા હતા. જેમ તથ્યનો વાંક નથી એમ તેના વકીલ કહે છે એમ મદદ અર્થે ભેગા થયેલા લોકોનો વાંક નથી. અકસ્માત પહેલાં અનેક ગાડી નીકળી જ હતી, જેનો અકસ્માત સર્જાયો નહીં. અન્ય મૃતક વતી દર્શન વેગડે જણાવ્યું હતું કે લાઇસન્સની પરીક્ષા આપવા જાઓ ત્યારે પણ સ્પીડ લિમિટને લઈને જ્ઞાન હોવું જોઈએ.

ભોપાલ ગેસકાંડનું ઉદાહરણ આ કેસમાં લાગુ ન પડે
તથ્યના વકીલે ભોપાલ ગેસકાંડનું ઉદાહરણ આપ્યું, એ આ કેસમાં લાગુ પડે નહીં. આ કેસમાં 9 વ્યક્તિનાં મોત થયાં છે, 12 જેટલા લોકો ઘાયલ થયા છે, એક અત્યારે પણ હોસ્પિટલમાં છે, અહીં નજરે જોનારા સાક્ષી પણ છે. તથ્ય સામે અન્ય બે ગુના અગાઉના પણ છે, અત્યારે કલમ 173(8)ની તપાસ ચાલુ છે.

નિર્દોષ લોકો મર્યા છે
મૃતકો વતી એડવોકેટ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તથ્ય સામે અગાઉ બે ગુના છે. નિર્દોષ લોકો મર્યા છે, જે લોકો મર્યા તે આરોપીના દુશ્મન નહીં, પરંતુ આટલી રફ ગાડી ચલાવવાથી પોતે મરે અને બીજાને મારે. આ બધી હાઇસ્પીડ ગાડી મારી પાસે પણ છે. આટલી સ્પીડમાં ગાડી કાબૂમાં ન રહે, તથ્યે બ્રેક મારી નથી. 9 જણની લાશ પર ચઢીને ગાડી ઊભી રહી ગઈ, તેના પિતા તેને ભગાડીને લઈ ગયા હતા. જ્યાં સુધી મૃતકોને વળતર આપવાની વાત છે તો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પૈસા આપીને ન્યાય ન ખરીદી શકાય. દરેક મૃતકને 2 કરોડ આપી દેવાય તો જેનાં બાળકો ગયાં છે તે પરત આવવાનાં? આપણે ત્યાં ભૂવો પડે તોપણ બીજા દિવસે બેરિકેડ્સ લાગે છે, આપણે જવાબદારી સમજવાની હોય.

કારમાં કેપેસિટી કરતાં વધુ લોકો હતા
પ્રવીણ ત્રિવેદીએ દલીલમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપી પિતા-પુત્ર અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તથ્યની જેગુઆર ગાડીમાં 5 સાહેદો, કુલ 6 માણસ, કેપેસિટી કરતાં વધુ લોકો હતા. ગફલતભરી રીતે ગાડી ચલાવી, વધુ ઝડપે ગાડી ચલાવી હતી. બાઈકર્સ દ્વારા ઉતારેલો વીડિયોની વૈજ્ઞાનિક એનાલિસિસ કરીને સ્પીડ અપાઈ છે. અન્ય લોકો પણ ત્યાંથી જાય છે, તેમને તો બ્રિજનો ઢાળ દેખાય છે. જેગુઆર ગાડીના પણ રિપોર્ટ અંશ લાઈટના રિપોર્ટ પણ છે. બધા વૈજ્ઞાનિક રિપોર્ટ છે, એટલે ના દેખાયાનો પ્રશ્ન નથી.

તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો
નિસાર વૈદ્યે દલીલ કરતા જણાવ્યું હતું કે તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. નિસાર વૈદ્યે સલમાન ખાનના કેસનો પણ કોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. નિસાર વૈદ્યની દલીલો લગભગ પૂર્ણ, રિસેસ બાદ સરકારી વકીલ જામીન અરજીનો વિરોધ કરશે.

સરકારે અકસ્માતના આંકડા ઘટાડવા શું કર્યું?
304
ની કલમ ખોટી લાગી હોવાનું સાબિત કરવા નિસાર વૈદ્યે આશરે 10 કેસ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાના ટાંક્યા છે, હજુ પણ ઘટનાસ્થળે ફરી અકસ્માત નહીં થાય એની કોઈ કાળજી સરકારે લીધી નથી. દર કલાકે ભારતમાં 18 અકસ્માત થાય છે, તથ્ય જેલમાં રહેશે તો અકસ્માત નહીં થાય અને છોડાશે તો અકસ્માત થશે એવી દલીલ ખોટી છે. સરકારે અકસ્માતના આંકડા ઘટાડવા શું કર્યું? નિસાર વૈદ્ય એક બાદ એક સરકારી એફિડેવિટમાં તથ્યની જામીન અરજીના વિરોધમાં કરાયેલા મુદ્દાઓનું ખંડન કરી રહ્યા હતા.

વલસાડ કેસમાં હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો
નિસાર વૈદ્યે વલસાડ કેસમાં હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવ્યું હતું કે FIRમાં આરોપી સામે 304 કલમ લગાડવામાં આવી હતી, જેમાં જજ પારડીવાલાએ કેસના મેરિટ જોતાં FIRમાંથી 304ની કલમ રદ કરાઈ હતી. એક 4 વર્ષીય બાળક બસના ખાનામાંથી સરકીને પાછળના ટાયર નીચે આવી ગયું હતું, પણ જજ ભાવનાઓમાં આવ્યા નહીં એવો ઉલ્લેખ છે. જ્યારે પોલીસ તથ્યના કેસમાં મીડિયા અને પબ્લિકના ઇમોશન પ્રમાણે ફરિયાદ અને તપાસ કરે છે. અમને કોઈએ સાંભળ્યા નહીં. આ કેસમાં પોલિટિકલ લોકોએ પણ ટિપ્પણીઓ કરી છે. ચાર્જશીટમાં ગુનાને ગંભીર કહેવાયો છે, પણ આ અકસ્માત છે. તથ્ય કોઈને ઓળખતો નથી.

તથ્યને માર મરાયો તેની પોલીસે ફરિયાદ ન લીધી
આગળ દલીલ કરતાં નિસાર વૈદ્યે જણાવ્યું હતું કે તથ્યએ જાણીજોઈને અકસ્માત કર્યો નથી, ગાડી બેદરકારી રીતે ચલાવી, એ માટે IPCની કલમ 304 ન લાગે. તથ્યનો ઈરાદો અકસ્માતનો નહોતો, આગળ ટોળું છે એનું જ્ઞાન નહોતું. તથ્ય પર લાગેલી કલમો કાયદાકીય રીતે એક્સપ્લેન કરાઈ રહી છે. કાયદા પ્રમાણે 304ની કલમમાં વ્યક્તિને મારી નાખવાનો ઈરાદો હોવો જોઇએ, અહીં નથી. તપાસ એજન્સીએ પક્ષપાત રાખ્યો છે, પિતા પુત્રને બચાવવા ગયા તો તેમને બીજા નંબરના આરોપી બનાવ્યા. SITના સભ્યો લોકોને કહે છે કે તમારી પાસે અકસ્માત સમયનો વીડિયો હોય તો મોકલો. તથ્યને માર મરાયો, અમે તેની ફરિયાદ આપવા પ્રયત્ન કર્યો, જે પોલીસે ન લીધી. આ તથ્યનો મૂળભૂત હક છે

વિસ્મય શાહના ચુકાદા અને કેસનો ઉલ્લેખ કરાયો
નિસાર વૈદ્યે સુપ્રીમ કોર્ટનો કેસ ટાંકી દલીલ કરી હતી કે જેમાં આવી જ રીતે 7 લોકોનાં મોત થયાં હતાં. સુપ્રીમ કોર્ટ દ્વારા 2023માં જ એક ચુકાદામાં આવા કેસમાં જામીન આપ્યા છે. નિસાર વૈદ્યે સુપ્રીમ કોર્ટનું બીજું જજમેન્ટ વાંચી વિસ્મય શાહના ચુકાદા અને કેસનો ઉલ્લેખ કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રનનો કેસ નથી, તથ્યએ કોઈ નશો નથી કર્યો, તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ ફક્ત અકસ્માતનો જ કેસ છે. ભોપાલ ગેસકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

 304 કલમ કોઈ પ્રાથમિક તપાસ વગર લગાવાઈ
નિસાર વૈદ્યે દલીલ કરતાં જણાવ્યું હતું કે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ, ફરિયાદીની ફરિયાદને સાચી માની લેવી જોઈએ નહીં, 304 કલમ કોઈ પ્રાથમિક તપાસ વગર લગાવાઈ છે. હર્ષ સંઘવીનું સ્ટેટમેન્ટ હતું કે મીડિયામાં 7 દિવસમાં ચાર્જશીટ થશે. ગાડી પૂરઝડપે ગફલત ભરી ચલાવી, પણ કોઈને મારવાનો હેતુ નહોતો. ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. ટ્રક અને થાર વચ્ચે અકસ્માત રાત્રે 11 કલાકે થયો, રાત્રે 1.30 કલાક સુધી એ વાહનો પોલીસે બ્રિજ પરથી હટાવ્યાં નહીં કે ના તો બેરિકેડ્સ મૂક્યાં. ગાડીની સ્પીડ ફક્ત બાઈકચાલકના વીડિયોને આધારે કઢાઈ છે. કોઈ ટેક્નિકલ નિષ્ણાતની મદદ લેવાઈ નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post