• Home
  • News
  • જૂનાગઢનો આઝાદી દિવસ:દેશને આઝાદી મળ્યાના 85 દિવસ બાદ જૂનાગઢ આઝાદ થયું હતું, જૂનાગઢના પ્રથમ લોકશાહી મતદાનમાં ભારતને 1,91,688 અને પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા
post

9 નવેમ્બર 1947ના રોજ આરઝી હકૂમતની સેના દ્વારા ઉપરકોટ પર પ્રથમ ધ્વજવંદન કરાયું હતું, જૂનાગઢના છેલ્લા દીવાન હોર્વે જોન્સે ભારતને કબજો સોંપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-09 12:24:37

9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસિક તવારીખ માટે મહત્ત્વનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થઈ આઝાદીનો પ્રથમ દિવસ અનુભવ્યો હતો, પરંતુ આઝાદી જૂનાગઢવાસીઓ માટે મળી નહોતી. ભારત આઝાદ થયાના 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણ રૂપે આઝાદી મળી હતી. આઝાદી માટે આરઝી હકૂમતની સ્થાપના સાથે આરઝી હકૂમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી. જૂનાગઢના પ્રથમ લોકશાહી મતદાનમાં ભારતને 1,91,688 મત અને પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા.

9મી નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના છેલ્લા દીવાન હોર્વે જોન્સે ભારતને કબજો સોંપ્યો હતો
9મી નવેમ્બરના રોજ જૂનાગઢના છેલ્લા નાયબ દીવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનર નીલમ બૂચને સોંપતાં જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મહાબતખાનજીએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતાં જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડાવાના પક્ષમાં હતી. તા. 24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે જૂનાગઢ મેં સે પાકિસ્તાન જાના ચાહિએજેના અનુસંધાને 25 સપ્ટેમ્બરના રોજ મુંબઇના માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠના અધ્યક્ષસ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી અને આરઝી હકૂમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેમને સમશેર પણ ભેટ આપી હતી.

8 નવેમ્બર 1947ના રોજ આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢ સ્ટેટનાં 106 ગામ કબજે કરી લીધાં હતાં
8 નવેમ્બર 1947ની સાંજ સુધી તો આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢ સ્ટેટનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં, જેથી ફફડી ગયેલા જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ બીજા દિવસે એટલે કે તા.9મી નવેમ્બરના રોજ એક પ્રેસ કોમ્યુનિક બહાર પાડી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બહારથી કામ કરતા અવ્યવસ્થિત લશ્કરે (આરઝી હકૂમતની સેના)જે પરિસ્થિતિ ઊભી કરી છે નેક નામદાર નવાબ સાહેબની રૈયતને ગંભીર મુશ્કેલી પહોંચાડવાની કોશિશ કરી છે, માટે જૂનાગઢ સરકાર ચિંતાની લાગણી વ્યકત કરે છે. કરાંચીથી મળેલા એક સંદેશામાં ખુદ નેક નામદાર નવાબ સાહેબ બહાદુરે તેમની ખાસ ઇચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેની વહાલી પ્રજાની ખુનામરકી થતી અટકાવવી. જૂનાગઢની પ્રજાને તમામ પરિસ્થિતિ સમજાવી જૂનાગઢના ભારત સાથેના જોડાણ સંબંધમાં જે મુદ્દા રહેલા છે એનું માનભર્યું સમાધાન થતાં સુધી જૂનાગઢની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઈન્ડિયા સ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ માગવી, એવું દીવાનના બંગલે મળેલી સભામાં ઠેરાવાયું હતું.

જૂનાગઢનું પ્રથમ લોકશાહી મતદાન થયું, પાકિસ્તાન માટે લીલો અને ભારત માટે લાલ ડબ્બો રખાયો હતો
જેના અનુસંધાને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્ટેટનો કબજો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટના રીજનલ કમિસનર નીલમ બૂચને સોંપવામાં આવ્યો. ઐતિહાસિક પ્રેસ કોમ્યુનિક અને આરઝી હકૂમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઈતિહાસવિદ્ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડ્યું છે. જૂનાગઢના પ્રથમ એડમિનિસ્ટ્રેટર તરીકે ટી.એલ. શાહની નિમણૂક કરવામાં આવી હતી, સાથે જૂનાગઢનું સર્વ પ્રથમ લોકશાહી મતદાન યોજાયું હતું, જેમાં ભારતના પક્ષે 1,91,688 મત, જ્યારે પાકિતાનના પક્ષે માત્ર 91 મત પડ્યા હતા. એ વખતે હિન્દુસ્તાનના મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનના મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઇમાં આરઝી હકૂમતની સ્થાપના બાદ 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતેના જૂનાગઢ હાઉસને કબજે કર્યા બાદ સેનાએ સૌપ્રથમ રતુભાઇ અદાણીના માર્ગદર્શન હેઠળ અમરાપુર ધાનાણી ગામ કબજે કર્યું હતું. ત્યારે નવાબને જૂનાગઢમાં રહેવું અશક્ય લાગતાં પાકિસ્તાન સરકાર સાથે વાટાઘાટાના બહાને કેશોદ એરોડ્રામથી કરાંચી પ્લેન મારફત પલાયન થયા હતા

3 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની સરદાર પટેલની પહેલી જંગી સભા યોજાઈ
જૂનાગઢમાં આરઝી હકૂમતના લડવૈયાઓ માટે સ્મારક બનાવવાની વાતો વર્ષોથી ચર્ચાઈ રહી છે. અગાઉ તત્કાલીન કલેક્ટર અશ્વિનકુમારના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી બહાઉદ્દીન કોલેજ ખાતેના વિજય સ્થંભ પર આરઝી હકૂમતના લડવૈયાઓ માટે સ્મારક બનાવવાની તૈયારી બતાવાઈ હતી, પરંતુ એક યા બીજાં કારણોસર પ્રોજેક્ટ માત્ર કાગળ પર સીમિત રહી ગયો. તા.13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે જંગી જાહેર સભા યોજી હિન્દુસ્તાનમાં રહેવા માગતા લોકોનો મત માગ્યો હતો. સભામાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન જવા માગતા લોકોની તેની માલ-મિલકત ઉપરાંત પાંચ રૂપિયા દક્ષિણા પણ હું આપીશ.

9મી નવેમ્બર 1947ના રોજ ઉપરકોટ પર પ્રથમ તિરંગો લહેરાયો હતો
9મી નવેમ્બરના જૂનાગઢનો કબજો ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનર નીલમ બૂચને સોંપ્યા બાદ તા.13 નવેમ્બરના રોજ આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢના ઉપરકોટ ખાતે વહેલી સુપ્રભાતે ધ્વજવંદન કર્યું હતું. ે દિવસે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, કાકા સાહેબ ગારગીલ સાથે કેશોદ એરોડ્રામ ખાતે પહોંચી બાદમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી તેમજ હિન્દુસ્તાનમાં રહેવા માગતા લોકો હાથ ઊંચો કરે, એ રીતે લોકોની ઇચ્છા પણ જાણી હતી. આરઝી હકૂમતની તાકાત જોઇ નાસેલા નવાબ કરાંચી જવા એટલા ઉતાવળા હતા કે તેઓ પોતાની નવ બેગમો પૈકી બે બેગમને સાથે લઇ જવાનું ચૂકી ગયા હતા. જ્યારે તેમના પ્રિય એવા નાટકનાં એક્ટર અમુ અને કેશોદના ડો.ત્રિભુવનદાસ તેમજ ડો. વસાવડાને કરાંચી સાથે લઇ ગયા.

adv

Related News

post
post
post
post
post
post
post