• Home
  • News
  • 727 દિવસ બાદ પરિવારને ન્યાય:જેતલસરના ઘાતકી હત્યારા જયેશને ફાંસીની સજા, સગીરાને છરીના 36 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી
post

જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-13 19:07:11

રાજકોટ: જેતલસરની સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના 36 ઘા ઝીંકી બેરહેમીથી તેની હત્યા કરી હતી. ત્યારે 727 દિવસ બાદ આજે આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત સગીરાના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી 10 વર્ષ સજા અને 5000 દંડ અને પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડની સજાનો પણ ઉમેરો કર્યો છે. આ મુદ્દે દીકરીના પિતાએ કહ્યું હતું કે,'સત્યની જીત થાય છે. આજે અમને ન્યાય મળ્યો છે.'

માતાએ કહ્યું હતું કે, 'આને ફાંસી આપો'
નોંધનીય છે કે, કેસની સુનાવણી દરમિયાન સૃષ્ટિના પરિવારજનો કોર્ટ સંકુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, 'આને ફાંસી આપો' જયારે બપોરે 12 વાગ્યાના સમયે જેતપુર સેસન્સ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રીક ન્યાયાધીશ આર.આર. ચૌધરીએ આરોપી જયેશ સરવૈયાને કોર્ટ રૂમમાં બોલાવ્યો હતો. અને તે કેટલું ભણેલો છે,શું કામ કરતો હતો અને પિતા શું કામ કરે છે સહિતના અલગ અલગ સવાલો પૂછ્યા હતા.

 

સગીરાની પાછળ પાછળ સ્કૂલે જતો
નોંધનીય છે કે આ કેસમાં આજે સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર જનક પટેલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, સૃષ્ટિ રૈયાણી જેતપુર જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી જયેશ સરવૈયા તેનો પીછો કરતો હતો. સગીરાની હત્યા થઈ છે અને એક સગીરની હત્યાનો પ્રયાસ થયો છે.આરોપી સગીરાને એક તરફી પ્રેમ કરતો હતો. આરોપી સગીરાની પાછળ પાછળ સ્કૂલે જતો હતો.આરોપીએ સગીરાને ભાગી લગ્ન કરવાનું કહ્યું હતું.ત્યારબાદ સગીરાએ સમગ્ર હકીકત પોતાના પિતાને કહી હતી.

જયેશ છરીના ઘા ઝીંકતો રહ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સગીરાના પિતાએ આરોપીને ઠપકો પણ આપ્યો હતો. આરોપી સુધરતાં નહિ, તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો.હત્યા કરવામાં આવી તે સમયે આરોપી પોતાના મામા ભનુભાઈ સાથે રહેતો હતો. આરોપીએ છરી ચોટીલાથી ખરીદ કરી હતી. સગીરાને છરીના ઘા ઝીંકવામાં આવતા તે નીચે પડી ગઈ હતી. નીચે પડી ગયા બાદ પણ આરોપી છરીના ઘા ઝીંકતો રહ્યો હતો

લોહીવાળી છરી સાથે ભરબજારે નીકળ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જયેશ ગિરધર સરવૈયા હત્યા કર્યા બાદ લોહીવાળી છરી અને કપડાં સાથે ભરબજારે નીકળ્યો હતો. એક પણ વ્યક્તિએ તેને પકડવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.આરોપીએ ગુનાના કામે જે છરી વાપરી હતી તે તેને હત્યાના બાર દિવસ અગાઉ ચોટીલા ખાતે આવેલ મહાકાળી નામની દુકાનમાંથી ખરીદ કરી હતી.

 

હત્યા કરવા માટે આગોતરું આયોજન કર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જે દુકાનેથી તેને છરી ખરીદ કરી હતી તે દુકાનના સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કામે કોર્ટમાં હાજર રહી પોતાની જુબાની આપી ચૂક્યા છે.આમ કોર્ટમાં પણ તે બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, જયેશ ગિરધર દ્વારા સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.

એક નહીં 34 વ્યક્તિઓની હત્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોર્ટમાં અમે તબીબ પાસે પુરવાર કરાવ્યું છે કે, સૃષ્ટિ રૈયાણીને મારવામાં આવેલ એક-એક ઘા કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ હતા. આમ, જયેશ ગિરધર સરવૈયા દ્વારા ન માત્ર એક જ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે પરંતુ 34 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે.

નિર્ભયા કેસ કરતા પણ બધું ગંભીર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કેસના ટ્રાયલ દરમિયાન 51 સાહેદોની જુબાની લેવામાં આવી છે. પરંતુ એકપણ સાહેદ હોસ્ટાઇલ થયેલા નથી. જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં 200થી 216 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે. મને આશા છે કે નામદાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની જ સજા સંભળાવવામાં આવશે.

શું હતી ચકચારી ઘટના
1
વર્ષ, 11 મહિના અને 25 દિવસ એટલેકે 727 દિવસ પહેલા જેતલસર ગામે રહેતો જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો, જેથી તેને પામવા માટે વારે વારે પ્રયાસો કરતો હતો. અને સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તે તેની પાછળ પાછળ જતો. એમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરુણીના પિતા કિશોરભાઈ અને માતા શીતલબેન ખેતમજૂરીએ ગયાં હતાં. ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘૂસી તરુણીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશને તાબે થઈ ન હતી.

મારી નહિ તો કોઈની નહિ
ઉશ્કેરાઈ ગયેલા જ્યેશે તરુણીને પ્રથમ ઢોરમાર માર્યો હતો. તેમ છતાં તે એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી. અંતે, 'મારી નહિ તો કોઈની નહિ' એવા આશય સાથે શેતાન બની ગયેલા જયેશે પડઘામાંથી છરી કાઢી એક નહિ, બે નહિ, પરંતુ 32 જેટલા ઘા મારી આખી વીંધી નાખી. આ દરમિયાન ઘરમાં હાજર સગીર ભાઈ હર્ષ બેનને લોહીલુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો, પરંતુ જેના પર શેતાન સવાર થયો હતો તે જ્યેશે હર્ષને પણ છરીના ઘા માર્યા હતા. મરણોતલ ઇજાથી તડપતી બેન ભાઈને બચાવવા વચ્ચે પડતાં જયેશે સૃષ્ટિને વધુ ચાર છરીના ઘા મારી દેતાં તેને છરીના કુલ 36 ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી.

હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો
આ બાજુ લોહીલુહાણ થઈ ગયેલી સગીર હર્ષ પોતાના જીવ બચાવવા શેરીમાં ભાગતાં જ્યેશે તેને વધુ ઘા મારી દેતાં 8 જેટલા ઘાથી હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. આમ, આખી શેરીમાં લોહીની નદી વહેતી હોય એવું દૃશ્ય સર્જાઈ ગયું અને બંને ભાઈ-બેન લોહીથી લથબથ જમીન પર પડેલાં જોઈ જયેશ હાથમાં લોહી નીતરતી છરી સાથે આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

હર્ષ લોહી નીતરતી હાલતમાં કણસતો હતો
નાનાએવા ગામમાં બપોરના સમયે ખૂની ખેલ ખેલાતાં થોડીવારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને સૃષ્ટિનાં માતા-પિતાને પણ જાણ કરાતા તેઓ તરત જ ઘરે પહોંચતાં સૃષ્ટિ નિર્જીવ બની ચૂકી હતી. જ્યારે હર્ષ લોહી નીતરતી હાલતમાં કણસતો હોવાથી સૃષ્ટિને પીએમ માટે અને હર્ષને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયાં હતાં. હર્ષને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આરોપી જયેશ ઝડપાઈ જતાં પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કર્યો હતો.

હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા
બીજી તરફ, તરુણીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. એ સમયે MLA જયેશ રાદડિયા, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ, તત્કાલીન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, એનસીપીનાં રેશમા પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ તરુણીના પરિવારની મુલાકાત લઈ અને સરકાર આ બનાવમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરી કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવે એવી માગ કરી હતી. આ કેસમાં પાટીલ દ્વારા ન્યાય મેળવવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે એવી બાંયધરી આપવામાં આવી હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી
આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલસીબી પીઆઇ અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પીએસઆઈ પીજે બાંટવા, ધોરાજીનાં મહિલા પીએસઆઇ કદાવલા, એલસીબીના રાઇટર રસિકભાઈ જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ પીટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા સિટી પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેન અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post