• Home
  • News
  • કેસરીસિંહને ક્રોસ વોટિંગ કરાવવાનો કોંગ્રેસનો ગેમ પ્લાન BJPની નેતાગીરીએ પકડી ખેલ ઊંધો પાડ્યો, જાણો કોના ઓરતા ઓરમાયા?
post

NCP, BTP, કેસરીસિંહના મત કોંગીને મળત તો પરિણામ જુદું હોત!

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 10:49:55

ગુજરાતની રાજ્યસભાની આંટીઘૂંટી ભરેલી ચૂંટણીની રણનીતિમાં ભાજપે પોતાની સર્વોપરિતા સાબિત કરતાં મેદાન માર્યું છે અને એના ત્રણે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનની ભવ્ય જીત થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસને એક માત્ર શક્તિસિંહ ગોહિલ-રૂપી બેઠકથી સંતોષ માનવો પડયો છે. જ્યારે કોંગ્રેસના બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભૂ ચાટતાં થઈ ગયા છે અને ઉપરા-ઉપરી લોકસભાની બે ચૂંટણીમાં પરાજય પછી રાજ્યસભાના માર્ગેથી દિલ્હી પહોંચવાના એમના ઓરતાં ઉપર પાણી ફરી વળ્યું છે.


એક તબક્કે ૭૩ ધારાસભ્યોના સંખ્યાબળથી કોંગ્રેસ આ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના બે ઉમેદવારો આસાનીથી જીતાડી દેશે એવું લગભગ નિશ્ચિત હતું પરંતુ સામ-દામ-દંડ-ભેદની નીતિમાં માહિર સત્તાધારી ભાજપે ચૂંટણી જાહેર થતાંની સાથે જ ધડાધડ એક પછી એક કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામાં પડાવતાં કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી અને જીત માટે એક એક વોટ માટે એને એનસીપી-બીટીપીનો સહારો શોધવો પડયો હતો પણ એય કારિ બર આવી નહોતી, એનસીપીના કાંધલ જાડેજાએ પક્ષના મેન્ડેટના લીરા ઉડાવી ફરી એક વાર ભાજપને વોટ આપ્યો હતો, જ્યારે બીટીપીના બાપ-બેટા છાટુ વસાવા અને મહેશ વસાવાએ છેલ્લી ઘડીએ મતદાનથી અળગા રહેવાનું જાહેર કરી ભાજપના ખોળે બેસી ગયા હતા.


કોંગ્રેસની દશા આ ચૂંટણીમાં બહુ ભૂંડી થઈ હતી. પોતાના જ ધારાસભ્યોને તૂટતાં બચાવવા એણે ધારાસભ્યોના રસાલાને જયપુર સહિત રાજ્યના અલગ અલગ ઝોનમાં રિસોટર્સમાં ફેરવવા પડયા હતા. કોંગ્રેસે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ક્રોસ વોટિંગ કરાવવાનો ગેમપ્લાન બનાવ્યો હતો પણ એમાંય ભાજપે બાજી મારી કેસરીસિંહનો કબજો લઈ કોંગ્રેસનું ગણિત ઊંધું પાડી દીધું હતું.

ડૂબતો તરણું શોધે એમ કોંગ્રેસે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ ગુજરાત હાઈકોર્ટે રદ્ કર્યું હોવાનું બહાનું ઊભું કરી એમનો વોટ રદ્બાતલ કરાવવા તથા પૂર્વ મંત્રી શંકર ચૌધરી દ્વારા પડેલો કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી વોટ રદ્ બાતલ કરાવવા ઉધામા કર્યા હતા પણ તેય બર આવ્યા નહોતા.

છ બગડાના વોટથી નરહરિની જીત

વિધાનસભામાં ૧૭૦ ધારાસભ્યોના સંખ્યાબળ સામે જીત માટે ક્વોટા ૩૪૦૧ નક્કી થયો હતો, ભાજપે તેના પ્રથમ અને દ્વિતીય ક્રમના ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલા બારાને ૩૬-૩૬ વોટ ફાળવ્યા હતા, જ્યારે નરહરિ અમીનને પ્રથમ પ્રેફરન્સના ૩૨ વોટ તથા અભય ભારદ્વાજ અને રમીલા બારા તરફથી છ બગડા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલને ૩૬ વોટ તથા ભરતસિંહ સોલંકીને ૩૦ વોટ ફાળવવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં અભય ભારદ્વાજ, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલ વિજય સાથે બહાર આવ્યા હતા, જ્યારે છ બગડાના વોટથી નરહરિ અમીનને ૩૫.૯૮ વોટ મળતાં ભાજપના ત્રીજો ઉમેદવારનો પણ જ્વલંત વિજય થયો હતો.

કેસરીસિંહ-ભૂપેન્દ્રસિંહના વોટ રદ કરવાની માગ સ્થાનિક સ્તરેથી જ ફગાવાયેલી

કોંગ્રેસે પ્રોક્સી શંકર ચૌધરીના હાથે પડેલો માતરના ભાજપી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો વોટ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો વોટ- એમ બે વોટ રદ કરવાની માગણી કરી હતી, દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ આ મુદ્દો જતાં મતગણતરીમાં વિલંબ થયો હતો. 

સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રાએ સાંજે ૬ વાગે જણાવ્યું હતું કે, માતરના ભાજપના ધારાસભ્યનો પ્રોક્સી વોટ રદ કરવાની માગણી થઈ હતી, સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્યપદ ગુજરાત હાઈકોટાના ચુકાદાથી રદ થયું હોઈ એમનો વોટ પણ રદ બાતલ કરવાની માગણી થઈ હતી.

આ બંને બાબતો રિટર્નિંગ ઓફિસર ચેતન પંડયાએ તપાસી માગણી ફગાવવાનો નિર્ણય લીધો હતો, જેને મેં પણ બહાલ રાખ્યો હતો,   ચૂંટણી પંચના ગુજરાત એકમના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિષ્નાએ એવું જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બંને વાંધા વોટિંગ સમયે ઉઠાવ્યા ન હતા, પણ બધું મતદાન બપોરે ૨ વાગે પૂરું થયું ત્યારે લેખિતમાં સબમિટ કર્યા હતા. 

કોંગી પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રોક્સી વોટ અંગે ૧૬મી જૂનના મંગળવાર સુધી જ પરમિશન લેવાની રહેશે એવું અમને આર.ઓ. દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવેલું, ત્યારે છેક ૧૧મા કલાકે કેસરીસિંહના વોટને મંજૂરી આપી શકાય નહીં, એટલે અમારો વાંધો તદ્દન વાજબી છે.

NCP, BTP, કેસરીસિંહના મત કોંગીને મળત તો પરિણામ જુદું હોત!

કોંગ્રેસની તરફેણમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ, બીટીપીના બાપ-બેટા છોટુ વસાવા તથા મહેશ વસાવાએ તથા માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મતદાન કર્યું હોત તો કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે પક્ષની છાબડીમાં કુલ ૭૦ વોટ થાત અને એક વોટનું મૂલ્ય ૧૦૦ ગણતાં કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ૩,૫૦૦- ૩,૫૦૦ મત ફાળવાયા હોત અને કુલ ૧૭૨ ધારાસભ્યોના સંખ્યાબળમાં જીત માટે ૩,૪૪૧નો ક્વોટા નક્કી થયો હોત અને એ આસાનીથી પાર પડી ગયો હોત. પરંતુ એનસીપીના કાંધલે પક્ષનો મેન્ડેટ ફગાવી ભાજપને વોટ આપતાં, બીટીપીના બાપ-બેટા છેલ્લી ઘડીએ ભાજપના ખોળામાં જઈને બેસતાં અને કેસરીસિંહની વિકેટ ખેરવવાનો દાવ ઊંધો પડી જતાં કોંગ્રેસના બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહના જીતની મહેચ્છા મનમાં રહી ગઈ હતી.

ભાજપના કેસરીસિંહના ક્રોસ વોટિંગનો ખેલ ઊંધો પડયો

માતરના ભાજપના પહેલી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ક્રોસ વોટિંગ કરાવવાનો કોંગ્રેસનો ગેમ પ્લાન રાજ્યસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ભાજપની નેતાગીરીએ પકડી પાડી ઊંધો વાળી દેતાં, આ ઘટના શુક્રવારે રાજ્યસભાના મતદાનમાં ટર્નિંગ પોઇન્ટ બની ગઈ હતી કહે છે કે કેસરીસિંહને કોંગ્રેસની તરફેણમાં ખેંચવાનો ખેલ ભરતસિંહે બિછાવ્યો હતો, જેમાં લેતી-દેતી ઉપરાંત પેટાચૂંટણીમાં એને કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતાડવાનું કમિટમેન્ટ અપાયું હતું, ભરતસિંહ ઉપરાંત માત્ર પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અને રાજ્યસભાના સભ્ય એહમદ પટેલ જ આ વાત જાણતા હતા, પરંતુ ભાજપની નેતાગીરીને આ ચાલની ગંધ કઈ રીતે આવી  એ તો પાર્ટીની શોધનો વિષય બની ગયો છે, પણ શંકાની સોય વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તરફ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મધ્યગુજરાત સહિત કેટલાક ભાજપી ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત ગુરુવાર બપોરથી જ પ્રસરતાં ભાજપની નેતાગીરી એલર્ટ થઈ ગઈ હતી અને તમામ શંકાસ્પદ ધારાસભ્યોના લોકેશન, સંપર્કો ટ્રેસ કરવાનું શરૂ થયું હતું, જેમાં કેસરીસિંહ જાળમાં સપડાઈ જતાં ગુરુવારે સાંજે જ એમનો કબજો કરી સીએમ હાઉસ લાવવામાં આવ્યા હતા. બાદમાં મોડી રાત્રે એમને વૈષ્નોદેવી સર્કલ ઉપરની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી દેવાયા હતા. ત્યારબાદ શુક્રવારે સવારે કેસરીસિંહને આઇસીયુ ઓન વ્હીલ્સ મારફત વિધાનસભા સંકુલ સુધી લાવી સ્ટ્રેચરમાં મતદાનકક્ષ સુધી લઈ જવાનું નાટક કરી એમનો વોટ શંકર ચૌધરીના હાથ નાખવામાં આવ્યો હતો.

પુત્રવધૂને કોરોના છતાં આરોગ્યમંત્રીએ મતદાન કર્યું

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પુત્રને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાયો હતો. ઘરમાં બબ્બે સભ્ય કોરોના સંક્રમિત થવા છતાં આરોગ્યમંત્રી ક્વોરન્ટાઇન થવાના બદલે ગાંધીનગર પહોંચ્યા અને રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો.

મેડિકલ ગાઇડલાઇન અનુસાર પરિવારના તમામ સભ્યોએ ક્વોરન્ટાઇન થવું ફરજિયાત છે છતાં તેમણે ફરી બેદરકારી દાખવી હતી. કુમારને મળ્યા હતાં એ તમામ રાજકારણીઓએ આગામી દિવસોમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડશે એવી વાત પણ ચર્ચાવા માંડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post