• Home
  • News
  • શહીદોની ખાંભી મૂકવા માટે 226 દિવસ સુધી ચાલ્યો હતો ‘ખાંભી સત્યાગ્રહ’
post

યુવાનોનું ટોળુ ખાંભી મૂકવા દરરોજ નીકળતું પણ પોલીસ ધરપકડ કરી લેતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 11:00:07

અમદાવાદ: 1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ. આજે 1લીમે ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે 1956માં લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક ગોળીબાર શરુ થયો. જેના કારણે આ આંદોલન લોહીયાળ બન્યું આ ઘટનામાં શહીદ થયેલા યુવાનોની યાદીમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ સ્મારક એટલે કે ખાંભી બનાવવા માટે 1958માં 226 દિવસ લાંબો ખાંભી સત્યાગ્રહચાલ્યો હતો. આ અંગે ઈતિહાસવિદ્ અને ભો.જે વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાએ આ વિશે જણાવ્યું હતુ.


ખાંભી સત્યાગ્રહના બીજ કેવી રીતે રોપાયા 
પૂર્વ નિયામક ભો.જે વિદ્યાભવન રામજી સાવલિયાના જણાવ્યા અનુસાર 1956માં ગુજરાત રાજ્યની માંગણી સાથે અમદાવાદના તત્કાલીન કોંગ્રેસ ભવન પાસે પહોંચેલા કેટલાંક વિદ્યાર્થીઓ પોતાની વાત શાંતિમય રીતે રજૂ કરી રહ્યાં હતા. તેવા જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. વિદ્યાર્થીઓ કશું સમજે તે પહેલા જ બનાસકાંઠાના પૂનમચંદ નામના યુવાનને માથામાં ગોળી વાગતા તે મૃત્યુ પામે છે. પૂનમચંદ સાથે ગોળીબારમાં સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી કૌશિક ઈન્દુલાલ વ્યાસ, ઠાકર્સ હાઈસ્કૂલમા ભણતો વિદ્યાર્થી સુરેશ જયશંકર ભટ્ટ અને મુસ્લિમ યુવાન અબ્દુલ પીરભાઈને પણ ગોળી વાગતા તમામ શહીદ થાય છે અને તેમની યાદમાં શહીદ સ્મારક બનાવવાની વાત ચાલે છે.


1958
માં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત થતાં પોલીસ એક્શનમાં આવી
1956માં શહીદ થયેલા વિદ્યાર્થીઓની યાદમાં શહીદ સ્મારકની રચના કરવાની જાહેરાત શહેર જનતા પરિષદના મંત્રી કિલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ કઈંક અજુગતુ ના બને તે માટે  પોલીસ એક્શનમાં આવી ગઈ. 8મી ઓગસ્ટ 1958માં ઇન્દુલાલ યાજ્ઞિકે એક ખાંભી મૂકી શહીદ સ્મારકની સ્થાપના કરી, અને લાલ દરવાજા ખાતે એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ શહીદ સ્મારક તરીકે મૂકાયેલી ખાંભીને પોલીસ ઉપાડીને ના લઈ જાય તે માટે સ્વયં સેવકો ખાંભીના સ્થળે 24 કલાક ચોકીદારી કરતા હતા.


તેમ છતાં 12 ઓગસ્ટ 1958માં વહેલી સવારે પોલીસ આ ખાંભી અને તેની ચોકીદારી કરી રહેલા સ્વયં સેવકોને ઉપાડી પૂરી દે છે. વહેલી સવારે બનેલી આ ઘટનાના પડઘા થોડીવારમાં સંભળાવવા લાગ્યા અને શહેરમાં તોફાનો થતાં બપોરે કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો. તે પછી સ્મારકના સ્થળે કોઈપણ વ્યક્તિની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં દરરોજ માણેકચોકથી વિદ્યાર્થીઓની ટોળકી સ્મારક પર ફરી ખાંભી લગાવવા જતી અને ધરપકડનો ભોગ બનતી એમ કરીને કુલ 226 દિવસ સુધી આ સંઘર્ષ ચાલ્યો હતો.