• Home
  • News
  • મુંબઈએ પંજાબને 48 રને હરાવ્યું:IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે મુંબઈની સૌથી મોટી જીત, રોહિત 5 હજાર રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી; પંજાબ સતત બીજી મેચ હાર્યું
post

મુંબઈનો કપ્તાન રોહિત શર્મા લીગમાં 5 હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 08:54:18

IPLની 13મી સીઝનની 13મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને અબુ ધાબી ખાતે 48 રને હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ પંજાબને 192 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ કરી શક્યું હતું. પંજાબની આ મુંબઈ સામે સૌથી મોટી જીત છે. આ પહેલાં મુંબઈએ પંજાબને 2016માં 25 રને હરાવ્યું હતું. મુંબઈનો કપ્તાન રોહિત શર્મા લીગમાં 5 હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. 

પંજાબ માટે નિકોલસ પૂરને સર્વાધિક 44 રન કર્યા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટ્ટીન્સને 2-2 વિકેટ લીધી. ​

પંજાબની ખરાબ શરૂઆત
192
રનનો પીછો કરતાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 5.4 ઓવરમાં માત્ર 39 રન કરીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ જસપ્રીત બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 18 બોલમાં 3 ફોરની મદદથી 25 રન કર્યા હતા. તે પછી કરુણ નાયર ત્રીજા બોલે ખાતું ખોલાવ્યા વગર કૃણાલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, જ્યારે લોકેશ રાહુલ સ્વીપ રમવા જતાં રાહુલ ચહરની બોલિંગમાં બોલ ચૂકી ગયો હતો અને બોલ્ડ થયો હતો. તેણે 19 બોલમાં 1 ફોરની મદદથી 17 રન કર્યા હતા.

નિકોલસ પૂરન જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 44 રન કર્યા હતા. એ પછી ગ્લેન મેક્સવેલ 11 રને રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.

મુંબઈએ 192 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 191 રન કર્યા છે. મુંબઈ માટે કપ્તાન રોહિત શર્માએ લીગમાં પોતાની 38મી ફિફટી ફટકારતાં સર્વાધિક 70 રન કર્યા હતા. તેના સિવાય કાયરન પોલાર્ડે 47 રન, હાર્દિક પંડ્યાએ 30 અને ઈશાન કિશને 28 રન કર્યા હતા. પોલાર્ડ અને હાર્દિકે 23 બોલમાં 67* રનની ભાગીદારી કરી. મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 89 રન ફટકાર્યા. પંજાબ માટે શેલ્ડન કોટરેલ, મોહમ્મદ શમી અને કે. ગૌથમે 1-1 વિકેટ લીધી.

રોહિતે IPLમાં 38મી ફિફટી મારી, રૈનાની બરાબરી કરી
રોહિત શર્માએ IPLમાં 38મી ફિફટી મારીને આઉટ થયો. તેણે 45 બોલમાં 8 ફોર અને 3 સિક્સની મદદથી 70 રન કર્યા હતા. શમીની બોલિંગમાં લોન્ગ-ઓફ બાઉન્ડરી પર મેક્સવેલ-નિશમની જોડીએ તેનો શાનદાર કેચ કર્યો. મેક્સવેલે કેચ કર્યા બાદ, તે બેલેન્સ જાળવવા માટે બાઉન્ડરીની બહાર જવાનો હોવાથી બોલ અંદર ફેંક્યો અને નિશમે કેચ કર્યો. લીગમાં સૌથી વધુ ફિફટીના મામલે રોહિતે સુરેશ રૈનાની બરાબરી કરી છે. બંનેએ લીગમાં 38-38 ફિફટી મારી છે.

રોહિત DRS લઈને બચ્યો હતો
રોહિત 8 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે શમીની બોલિંગમાં તેને LBW આઉટ આપવામાં આવ્યો હતો. જોકે તેણે રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે- બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. તેથી અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

રોહિત IPLમાં 5 હજાર રન કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો
મુંબઈના કેપ્ટન રોહિતે IPLમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તેણે 192મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેની પહેલાં માત્ર બે બેટ્સમેન જ આ માઈલસ્ટોન અચીવ કરી શક્યા છે. વિરાટ કોહલીએ 178 મેચમાં 37.68ની સરેરાશથી 5,426 રન બનાવ્યા છે, જ્યારે સુરેશ રૈનાએ 193 મેચમાં 33.34ની સરેરાશથી 5,368 રન બનાવ્યા છે.