• Home
  • News
  • કોહલીએ દિવ્યાંગ ફેનને ગિફ્ટ આપી:100મી ટેસ્ટ પછી વિરાટે પોતાની જર્સી આપી, કિંગની દરિયાદિલી જોઈ ક્રિકેટ જગતમાં પ્રશંસા થઈ
post

100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી 45 રન કરી આઉટ

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 10:50:50

ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ પછી દિવ્યાંગ ફેનને ખાસ ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે 100મી ટેસ્ટ મેચની ખુશીમાં કિંગ કોહલીએ પોતાના દિવ્યાંગ ફેન પાસે આવીને પોતાની જર્સી ભેટ આપી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

જાણો એ ફેન કેમ આટલો ખાસ છે
વિરાટ કોહલી જ્યારે શ્રીલંકા સામે મેચ રમી હોટેલ જઈ રહ્યો હતો ત્યારે દિવ્યાંગ ફેન ધર્મવીર તેની પાસે આવ્યો હતો. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિરાટે તાત્કાલિક તેની પાસે જઈને પોતાની ઈન્ડિયન ટીમની જર્સી ભેટ આપી હતી. તમને જણાવી દઈએ કે એ ફેનનું નામ ધર્મવીર પાલ છે. જેને ઈન્ડિયન ટીમનો 12મો ખેલાડી પણ માનવામાં આવે છે.

ધર્મવીર ઘણીવાર વિદેશ ટૂર પર પણ જઈ આવ્યો છે. તથા સ્ટેડિયમમાં મેચ જોવા આવતા ફેન્સ માટે પણ ધર્મવીર ઘણો લોકપ્રિય છે.

ધર્મવીરે વીડિયો શેર કરી ભાવુક સંદેશ આપ્યો
ઈન્ડિયન ક્રિકેટ ટીમના 12th મેન ગણાતા ધર્મવીર પાલે કોહલીનો ટી-શર્ટ આપતો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે આ મારા જીવનનો ખાસ દિવસ છે. વિરાટ મારો પ્રિય ક્રિકેટર છે અને તે 100મી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતર્યો એ ક્ષણ મારા માટે અવિસ્મરણીય છે. તેવામાં જ્યારે મારા હિરોએ મને પોતાની જર્સી ભેટ આપી છે એનાથી વધારે સારી વાત બીજી કઈ હોઈ શકે છે.

ટેસ્ટ રમવામાં વિરાટ 'સદી'
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં વિરાટે ખાસ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કોહલીની આ 100મી ટેસ્ટ મેચ હતી. તેવામાં આ ખાસ સિદ્ધિ માટે BCCIએ કોહલીને સન્માનિત કરવા સ્પેશિયલ કેપ બનાવી હતી. જેને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે મેચ શરૂ થાય એની પહેલા વિરાટને સોંપી છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ ક્ષણમાં વિરાટની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ પણ મેદાનમાં હાજરી આપી હતી. વળી વિરાટ પણ કેપ મેળવ્યા પછી પોતાની પત્નીને ભેટી પડ્યો હતો.

100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી આઉટ
વિરાટ કોહલી 100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિત અને મયંકની વિકેટ પછી કોહલીએ હનુમા વિહારી સાથે 90 રનની પાર્ટનરશિપ જોડી હતી. પરંતુ તે 45 રનના અંગત સ્કોર પર એમ્બુલદેનિયાની ઓવરમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેવામાં પહેલી ઇનિંગમાં કોહલી સદી નહીં અર્ધસદી પણ ચૂકી ગયો છે.

કોહલી 8 હજારી બન્યો
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 8000 રન પૂરા કરી લીધા છે. કોહલીએ ટેસ્ટમાં આ સિદ્ધિ ઈનિંગના 38મા રન સાથે મેળવી લીધી હતી. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 8000 ટેસ્ટ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દ્ર સેહવાગ આ સિદ્ધિ મેળવી શક્યા છે.