• Home
  • News
  • ICC રેન્કિંગમાં કોહલીની વિરાટ છલાંગ:29માં રેંકથી સીધો 15માં રેંક ઉપર પહોંચ્યો, એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરવાનો ફાયદો મળ્યો
post

વિરાટ કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 71મી સેન્ચુરી ફટકારી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:49:36

એશિયા કપમાં ધમાકેદાર બેટિંગ કરીને ફરી ફોર્મ મેળવનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને મોટો ફાયદો મળ્યો છે. તે ICC T20 રેન્કિંગમાં 14 સ્થાનની મોટી છલાંગ લગાવીને 15માં સ્થાન ઉપર પહોંચી ગયો છે. તો બોલરોની લિસ્ટમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા વાનિન્દુ હસરંગાએ ત્રણ સ્થાનનો કૂદકો લગાવીને હવે તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

T20 બેટરોની રેન્કિંગમાં ભારતનો સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાને રહ્યો છે. તો કેપ્ટન રોહિત શર્મા 14માં સ્થાને છે. પાકિસ્તાનના વિકેટકિપર બેટર મોહમ્મદ રિઝવાન T20 રેન્કિંગમાં ટૉપ ઉપર છે, તો કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાના એડન માર્કરમ બીજા નંબરે પહોંચી ગયો છે.

બોલિંગમાં ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પણ ફાયદો થયો છે. ભુવીએ એશિયા કપની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે તેને 4 સ્થાનનો ફાયદો થયો હતો, અને તે હવે 7માં નંબરે આવી ગયો છે.

5 ફેક્ટરમાં સમજો કેવી રીતે બેટર્સને પોઇન્ટ્સ મળે છે...

·         બેટર્સને પોઇન્ટ્સ સૌથી પહેલા તો તેણે રમેલી છેલ્લી સિરીઝ ઉપર મળે છે. સાથે જ તેણે કેટલી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, તે ધ્યાને લેવાય છે.

·         બીજું ફેક્ટર એ છે કે કઈ બોલિંગ એટેક સામે રન બનાવ્યા છે. જો બેટર્સે મજબૂત બોલિંગ એટેક સામે બનાવ્યા હશે, તો તેને વધુ રેટિંગ પોઇન્ટ્સ મળશે.

·         ત્રીજું ફેક્ટર એ છે કે જે તે બેટર્સનું ટીમના સ્કોરમાં કેટલું યોગદાન હતુ! જો ટીમે 200 રન બનાવ્યા છે અને તે મેચમાં બેટરે સેન્ચુરી મારી છે, તો તેને વધુ પોઇન્ટ્સ મળે છે.

·         ચોથું ફેક્ટર એ છે કે બેટર પોતાની ઇનિંગ દરમિયાન આઉટ થયો હતો, કે નોટઆઉટ રહ્યો હતો. જો બેટર નોટઆઉટ રહ્યો હોય, તેને વધુ પોઇન્ટ્સ મળશે.

·         પાંચમું ફેક્ટર એ છે કે જો બેટરે બનાવેલા સ્કોરના કારણે તેની ટીમને જીત મળે છે, તો તેને વધુ પોઇન્ટ્સ મળે છે. અને આ જીત જો કોઈ મજબૂત ટીમ સામે મળી હોય, તો તેને વધુ પોઇન્ટ્સમાં ફાયદો થતો હોય છે.


 એશિયા કપમાં કોહલીએ ટીકાકારોને આપ્યો જવાબ

·         વિરાટ કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 71મી સેન્ચુરી ફટકારી હતી. ત્યારે હવે તેણે ટેસ્ટમાં 27, વન-ડેમાં 43 અને T20માં એક સદી મારેલી છે. આ સદી સાથે જ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડની બરાબરી કરી દીધી છે. પોન્ટિંગે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 71 સેન્ચુરી મારી છે. તેણે ટેસ્ટમાં 41 અને વન-ડેમાં 30 સદી મારી છે. પોન્ટિંગે આ માટે 668 ઇનિંગ્સ રમી હતી.

·         કોહલીએ 71મી સેન્ચુરી ફટકારવા માટે 552 ઇનિંગ્સ લીધી હતી. હવે તેનાથી આગળ સચિન તેંડુલકર જ છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિને પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 100 સેન્ચુરી ફટકારી છે. ટેસ્ટમાં તેંડુલકરના નામે 51 સદી અને વન-ડેમાં 49 સદી બોલે છે.


2019 પછી કિંગ કોહલીની સેન્ચુરી ફટકારી

·         અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટે ત્રણ વર્ષ (1020 દિવસ) પછી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી હતી. આ પહેલા તેણે 23 નવેમ્બર,2019ના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની 70મી સદી મારી હતી. T20 ઈન્ટરનેશનલમાં આ તેની પહેલી સદી છે.

·         અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ ઓપનિંગમાં આવ્યો હતો. તેવામાં ઓક્ટોબરમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં પણ કોહલી ઓપનિંગમાં બેટિંગ કરવા આવે તેવી માગ ઊઠી છે.

·         કોહલી દ્વારા અફઘાનિસ્તાન સામે રમેલી આ ઈનિંગ T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે. તેણે આ મામલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં રોહિતે T20 ઈન્ટરનેશનલમાં 118 રન બનાવ્યા હતા.

·         આ સિવાય તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3500થી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા નંબર વન પર છે. તેણે 136 મેચમાં 3620 રન બનાવ્યા છે. આ સાથે જ કોહલીના નામે 3584 રન નોંધાયેલા છે.