• Home
  • News
  • વેલિંગ્ટન ટેસ્ટમાં હાર પછી કોહલીએ કહ્યું- રક્ષાત્મક રમતથી ફાયદો નહીં થાય, બેટ્સમેનોએ શોટ રમવા પડશે
post

ભારતીય કેપ્ટને કહ્યું- બોલર્સને મદદ કરતી વિકેટ પર વિરોધી ટીમને દબાણમાં લાવવા આક્રમક બેટિંગ કરવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:33:19

ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નારાજ છે. તેણે ટીમને સલાહ આપતા કહ્યું કે, વિદેશી પ્રવાસમાં રક્ષાત્મક રમતથી ફાયદો નહીં થાય, બેટ્સમેનોએ શોટ્સ રમવા પડશે. મને નથી લાગતું કે બેટિંગ કરતી વખતે વધુ પડતું ધ્યાન રાખવાથી ફાયદો થશે, કારણકે ત્યારે તમે શોટ રમવાનું બંધ કરી દો છો.

તેણે કહ્યું કે, જ્યારે તમે રક્ષાત્મક રમત રમો છો ત્યારે પોતાની બેટિંગ પર શંકા કરવા લાગો છો. તમે વિચારો છો કે રન નથી મળતા હવે શું કરું? તેવામાં તમે રાહ જોતા રહી જાઓ છો અને એક સારો બોલ આવીને તમારી વિકેટ લઇ જાય છે. જો હું ફાસ્ટર્સને મદદ મળતી હોય તેવી વિકેટ પર રમતો હોવ તો વિરોધી ટીમને દબાણમાં લાવવા આક્રમક બેટિંગ કરવી જરૂરી છે. જો હું તેમાં નિષ્ફ્ળ જાવ તો તેવું માની શકાય છે કે વિચાર યોગ્ય હતો. તમે પ્રયત્ન કર્યો પરંતુ સફળ રહ્યો નહીં. આ સ્વીકાર કરવામાં કોઈ નુકસાન નથી.

ટેસ્ટ ક્રિકેટમાં ટેક્નિકથી વધુ મહત્ત્વ તમારી વિચારધારા છે: કોહલી
ભારતીય કેપ્ટને ટેસ્ટ ક્રિકેટમાં ટેક્નિક કરતા વિચારને વધુ મહત્ત્વ આપ્યું છે. તેણે કહ્યું કે, જો અમે પિચ અને વેધર વિશે વધારે વિચારીએ તો પોતાની રમત પર ધ્યાન રહેતું નથી. પરંતુ જ્યારે તમે ક્લિયર માઈન્ડસેટ સાથે મેદાનમાં ઉતરો છો તો પરિસ્થિતિ સરળ થઇ જાય છે. ત્યારબાદ બોલિંગનો કોઈ ભય રહેતો નથી. અમે વેલિંગ્ટનમાં આ વિચાર સાથે ન રમી શક્યા, પરંતુ ક્રાઇસ્ટચર્ચમાં આના પર અમલ કરીશું.

પુજારાએ વેલિંગ્ટનમાં 81 બોલમાં 11 રન કર્યા હતા
વેલિંગ્ટન ટેસ્ટમાં ભારત બંને ઇનિંગ્સમાં 200 રન કરી શક્યું ન હતું. પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયાએ 165 રનમાં અને બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ થઇ હતી. વેલિંગ્ટનમાં ભારતની રક્ષાત્મક રમતનો અંદાજો એ વાત પરથી કરવામાં આવી શકે છે કે પુજારાએ 81 બોલમાં 11 રન કર્યા હતા. જ્યારે હનુમા વિહારીએ 79 બોલમાં 15 રન કર્યા હતા. એક સમયે તો પુજારા સતત 28 ડોટ બોલ રમ્યો હતો. તેનાથી મયંક અગ્રવાલ પર દબાણ વધુ હતું અને રન ફટકારવાના પ્રયાસમાં ખોટો શોટ રમીને આઉટ થયો હતો.