• Home
  • News
  • કોલકાતાએ રાજસ્થાનને 37 રને હરાવ્યું:IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો, રોયલ્સના 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહીં; સીઝનમાં પહેલીવાર હાર્યું
post

નાઈટ રાઇડર્સે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-01 12:34:19

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. કોલકાતાએ રાજસ્થાનને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન 9 વિકેટે 137 રન જ કરી શક્યું હતું. રાજસ્થાનના 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. કોલકાતાની જીતના હીરો શિવમ માવી અને કમલેશ નાગરકોટી રહ્યા. બંનેએ 2-2 વિકેટ લીધી. રાજસ્થાનની આ સીઝનમાં પહેલી હાર છે. જ્યારે, IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો
કોલકાતાની બેટિંગની ત્રીજી ઓવરમાં IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો. રાજસ્થાનના ફિલ્ડર રોબિન ઉથપ્પાએ જયદેવ ઉનડકટની બોલિંગમાં સુનીલ નારાયણનો કેચ છોડ્યો. તે પછી તેણે ભૂલથી બોલ પર થૂંક લગાવ્યું હતું. કોરોનાને કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દરેક ઇનિંગ્સમાં ટીમને 2 વાર થૂંક લગાવવા પર વોર્નિંગ આપવામાં આવે છે. ત્રીજી વાર ભૂલ થાય તો વિરોધી ટીમના ખાતામાં 5 રન ઉમેરવામાં આવે છે.

ગઈ મેચનો હીરો રાહુલ તેવટિયા 10 બોલમાં 1 સિક્સની મદદથી 14 રન કરીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો હતો.

રાજસ્થાને 42 રનમાં 5 વિકેટ ગુમાવી
રનચેઝમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેમણે 42 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટીવ સ્મિથ પેટ કમિન્સની બોલિંગમાં કીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 7 બોલમાં 3 રન કર્યા હતા. તે પછી સંજુ સેમસન પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે 8 રને શિવમ માવીની બોલિંગમાં મિડ-વિકેટ પર નારાયણના હાથે કેચ આઉટ થયો હતો, જ્યારે જોસ બટલર માવીની બોલિંગમાં શોર્ટ થર્ડ મેન પર વરુણ ચક્રવર્તી દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 21 રન કર્યા હતા.

નાઈટ રાઇડર્સે 175 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2020
ની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 174 રન કર્યા છે. નાઈટ રાઈડર્સ માટે યુવા ઓપનર શુભમન ગિલે સર્વાધિક 47 રન કર્યા હતા, જ્યારે ઓઇન મોર્ગને 34 રન, આન્દ્રે રસેલે 24 રન અને નીતીશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે 2 વિકેટ, જ્યારે જયદેવ ઉનડકટ, રાહુલ તેવટિયા, ટોમ કરન અને અંકિત રાજપૂતે 1-1 વિકેટ લીધી.

શુભમન ગિલે 47 રન કર્યા
ઓપનર શુભમન ગિલે પોતાનો સારો દેખાવ જારી રાખતા 34 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 47 રન કર્યા હતા. તે જોફરા આર્ચરની બોલિંગમાં ફ્લિક કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને જોફરાએ જ તેનો કેચ કર્યો હતો. અગાઉ શરૂઆતમાં ઓપનર સુનીલ નારાયણ 15 રને જયદેવ ઉનડકટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. નારાયણ શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોબિન ઉથપ્પાએ ઉનડકટની બોલિંગમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલો નીતીશ રાણા 22 રને રાહુલ તેવટિયાની બોલિંગમાં લોન્ગ-ઓફ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો.