• Home
  • News
  • પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીને થયો ડેન્ગ્યૂ
post

કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-23 12:32:25

ભૂજ : કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ રહ્યો છે. કચ્છના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યૂમાં સપડાયા છે. તેમને સારવાર માટે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે દિવસ તાવ આવ્યા બાદ ગીતા રબારીનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબી પણ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા હોવાની માહિતી મળી છે.

ગીતા રબારીની સારવાર કરનાર ડો. જયંતિ સથવારાએ જણાવ્યું કે, "ગીતાબેન મારી હોસ્પિટલમાં બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યા આવ્યા હતા. એમને એ દિવસે બપોરથી તાવ હતો. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તાવ ઓછો થયો હતો. તેમનો જે બ્લડ રિપોર્ટ કરાયો હતો તેમાં તેમને ડેન્ગ્યૂ પોઝિટિવ આવે છે. હાલ તેમને હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડેન્ગ્યૂ હોવાથી તેમને રિકવર થતાં પાંચથી સાત દિવસ લાગશે. હાલ તેમની તબિયત સારી છે, તેમને કોઈ તકલીફ નથી."

નોંધનીય છે કે ગીતા રબારી ગુજરાતના જાણીતા લોક ગાયિકા છે. તેમનો જન્મ કચ્છના ટપ્પર ગામમાં થયો છે. તેમના અનેક ગીતો ખૂબ પ્રસિદ્ધ થયા છે, જેમાંનું એક ગીત 'રોંણા શેરમાં રે...' છે. આ ગીતને યુટ્યૂબ પર કરોડથી પણ વધારે વખતો જોવામાં આવ્યું છે. ગીતા રબારીએ નાની ઊંમરમાં જ ગાવાનું શરૂ કર્યું હતું. તેઓ ભજન, લોકગીત, સંતવાણી કે પછી ડાયરાઓ કરે છે.

પીએમ મોદી સાથે મુલાકાત : પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીએ ગત જુલાઈ મહિનામાં જ દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીહતી. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વટિ પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, 'ગીતા રબારી જેવા લોકો આપણા સમાજ માટે પ્રેરણા છે. એક સારી પૃષ્ટભૂમિમાંથી આગળ આવતા ગીતાએ પોતાનુંકામ ચાલુ રાખ્યું અને આજે તે પોતાના કામમાં અગ્રેસર છે. ગીતાએ ગુજરાતી સંગીતને યુવાઓ વચ્ચે લોકપ્રીય બનાવવાનું કામ કર્યું છે. હું તેનાથી પ્રભાવિત છું. સારા ભવિષ્ય માટે શુભેચ્છા.