• Home
  • News
  • સેના માટે આ વખતે લદાખમાં શિયાળો સૌથી મોંઘો રહેશે, 1962 પછી પહેલી વખત ભારતીય સેના સરહદ પાસે આવેલી પોસ્ટ ખાલી નહીં કરે
post

19 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી સેનાની ચેક પોસ્ટ પર એક સૈનિકનો વાર્ષિક ખર્ચ 17-20 લાખ રૂપિયા, હાલ અહીં 1 લાખ 10 હજાર સૈનિક હાજર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 12:10:13

આવું પહેલી વખત બનશે જ્યારે ભારતીય સેના લદાખમાં આ શિયાળામાં ચીન પાસે આવેલી ફોર્વર્ડ પોસ્ટ ખાલી નહીં કરે. 1962ના ચીન યુદ્ધ પછી આવું પહેલી વખત બનશે. જ્યારે તાપમાન તો માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જશે, પણ બરફવર્ષા દરમિયાન આપણા સૈનિક આ પોસ્ટ પર તહેનાત રહેશે. ગત વર્ષ સુધી આપણે મોટા ભાગની ચેક પોસ્ટ શિયાળામાં ખાલી કરી દેતા હતા. ઓક્ટોબરના અંતથી પોસ્ટ ખાલી કરવાનું કામ શરૂ થઈ જતું હતું અને પછી માર્ચમાં પાછા આવતા હતા. જોકે જે રસ્તા પહેલા છ મહિનાથી બંધ રહેતા હતા એ હવે ચારથી પાંચ મહિના જ બ્લોક રહે છે.

હાલ શિયાળામાં પોસ્ટ પર તહેનાતી ચીનની હરકતો પર આધારિત છે અને આ વિવાદને આગામી થોડાં સપ્તાહમાં ઉકેલવો અશક્ય છે, જ્યારે શિયાળો આવવામાં માંડ 4-5 સપ્તાહનો સમય જ બચ્યો છે. વધુ દિવસો સુધી, વધુ સૈનિકો ત્યાં તહેનાત રહેશે તો ખર્ચ પણ વધારે થશે અને આ વખતે તો સેનાએ આગામી એક વર્ષનું રાશન લદાખમાં ભેગું પણ કરી લીધું છે.

એક સૈનિક પાછળ વાર્ષિક ખર્ચ 20 લાખ રૂપિયા
લદાખમાં સેનાની 14મી કોરમાં 75 હજાર સૈનિક છે. આ વખતે 35 હજાર વધુ ફોર્સ ત્યાં મોકલવામાં આવી છે. ચીન વિવાદ વચ્ચે સેનાએ તાજેતરમાં જ પોતાનાં ત્રણ ડિવિઝન, ટેન્ક સ્ક્વોડ્રન અને આર્ટિલરી, લદાખ સેક્ટરમાં શિફ્ટ કર્યાં છે. 15 હજારથી માંડી 19 હજાર ફુટની ઊંચાઈ પર બનાવાયેલી સેનાની ચેક પોસ્ટ પર એક સૈનિકનો વાર્ષિક ખર્ચ 17-20 લાખ રૂપિયા આવે છે, જેમાં હથિયારો, દારૂગોળાની કિંમત સામેલ નથી. દુનિયાની કોઈ પણ સેના આ ઊંચાઈ પર આટલા સૈનિકોને તહેનાત નથી કરતી. લદાખની 14મી કોરના ભાગમાં દર વર્ષે શિયાળામાં સૌથી વધુ સામાન સ્ટોક કરવાનો રેકોર્ડ પણ છે.

દર વર્ષે 3 લાખ ટન સામાન ઓક્ટોબરમાં લદાખ પહોંચાડાય છે
ઓક્ટોબર મહિનામાં લદાખને દેશના બાકીના હિસ્સા સાથે જોડતાં બન્ને રસ્તા- જોજિલા અને રોહતાંગ બંધ થઈ જાય છે. રસ્તા બંધ થાય એ પહેલાં દર વર્ષે 3 લાખ ટન સામાન સેના માટે લદાખ પહોંચાડવામાં આવે છે. એડવાન્સ વિન્ટર સ્ટોકિંગની આ કવાયતથી છ મહિના સુધી સેના લદાખ વિસ્તારમાં જઈ શકે છે.

માર્ચથી ઓક્ટોબર વચ્ચે સેના દરરોજ 150 ટ્રક રાશન, મેડિકલ, હથિયારો, દારૂગોળો, કપડાં, ગાડીઓ અને ઈલેક્ટ્રોનિક્સ સામાન લદાખ મોકલે છે, જેમાં કેરોસીન, ડીઝલ અને પેટ્રોલ પણ સામેલ છે, જેની ગરમીના કારણે શિયાળો પસાર થઈ જાય છે. શિયાળામાં દરેક જવાન પર સ્પેશિયલ કપડાં અને ટેન્ટ માટે એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આમાં ત્રણ લેયરવાળા જેકેટ, જૂતાં, ચશ્માં, માસ્ક અને ટેન્ટ સામેલ છે.

મિરર ડિપ્લોયમેન્ટ માટે બમણો સ્ટોક હોવો જોઈએ
હવે જ્યારે આપણી સેના ચીન સામે મુકાબલો કરવાની તૈયારી કરી રહી છે, મિરર ડિપ્લોયમેન્ટ એટલે કે જેટલા સૈનિક ચીને સરહદ પર ભેગા કર્યા છે એટલા જ સૈનિક ભારત પણ તહેનાત કરી રહ્યો છે, તો સેનાને લગભગ બમણા સ્ટોક અને રાશનની જરૂર પડશે.

છેલ્લા ચાર મહિના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સંસદીય સમિતિ સામે રજૂ થયા હતા. તેઓ કહી ચૂક્યા છે કે સેના શિયાળામાં લાઈન ઓફ કંટ્રોલ પર લાંબા મુકાબલા માટે તૈયાર છે. પેન્ગોન્ગ, ચુશૂલ અને ગલવાનના એ તમામ વિસ્તાર જ્યાં મે મહિનાથી માંડી અત્યારસુધી બન્ને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ છે, ત્યાંની ઊંચાઈ 14 હજાર ફૂટથી વધુ છે. બરફનું રેગિસ્તાન કહેવાતા લદાખમાં બાકી વિસ્તારમાં પણ ઠંડી વધુ હોય છે.

કારગિલ પાસેનું દ્રાસ સાઈબેરિયા પછીનું દુનિયાનો સૌથી ઠંડો વિસ્તાર છે, જ્યાં શિયાળામાં તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી જતું રહે છે. દ્રાસની ઊંચાઈ 11 હજાર ફૂટ, કારગિલની 9 હજાર ફૂટ, લેહની 11,400 ફૂટ છે, જ્યારે સિયાચીનની 17 હજારથી માંડી 21 હજાર ફૂટ છે, સાથે જ ચીન સાથે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલું દૌલત બેગ ઓલ્ડી 17,700 ફૂટ અને દેમચોક 14 હજાર ફૂટ પર છે.

ચીન સરહદ પર તહેનાતી બદલવી જરૂરી, એક્સપર્ટ કોમેન્ટ- લે.જનરલ (રિટાયર્ડ) સતીશ દુઆ
ચીન સરહદ પર કયા પ્રકારનું ડિપ્લોયમેન્ટ થશે એ બન્ને દેશ વચ્ચે મિલિટ્રી અને રાજકીય સ્તરે ચાલી રહેલી વાતચીત પર નિર્ભર કરે છે. ભારત પાસે અનુભવ વધારે છે, આપણે પાકિસ્તાન પાસે આવેલી લાઈન ઓફ કંટ્રોલ પર આખું વર્ષ ડિપ્લોયમેન્ટ રાખીએ છીએ અને ત્યાં પણ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારમાં શિયાળો પડકારજનક હોય છે.

કારગિલ યુદ્ધ થયું તો અમે એ નક્કી કર્યું હતું કે હવે પાકિસ્તાન પાસે આવેલી પોસ્ટ ખાલી નહીં કરીએ. આ પહેલાં આપણી તહેનાતી અલગ થતી હતી. વિન્ટર ડિપ્લોયમેન્ટ પોશ્વર એટલે કે શિયાળામાં તહેનાતી LAC પર પણ અલગ થતી હતી. 1962 પછી ક્યારેય કેજ્યુઅલ્ટી નથી થઈ, પણ આ વખતે ગલવાનમાં થઈ. તો આ ડિપ્લોયમેન્ટને બદલવું જ પડશે.

પહેલી વખત રૂલ ઓફ એન્ગેજમેન્ટ બદલાયો, હવે દૂરથી વાત, નહીં તો ગોળી
ગલવાન પછી LACમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેનાએ ગલવાનમાં 20 સૈનિકોને ગુમાવ્યા પછી ચીન સાથે રૂલ્સ ઓફ એન્ગેજમેન્ટએટલે કે પહોંચી વળવાની રીતમાં ફેરફાર કર્યો છે. આ પહેલાં ચીન અને ભારતના સૈનિકો સામસામે આવી જતા હતા. જ્યારે હવે નક્કી કરાયેલા અંતરથી જ વાત કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા એક મહિનામાં ત્રણ વખત ભારત-ચીન સરહદ પર ફાયરિંગ થયું છે.

વિશ્વમાં યુદ્ધના સૌથી ઊંચા મેદાન સિયાચીનમાંથી શીખ
​​​​​​ભારત એકમાત્ર દેશ છે, જેને સિયાચીન જેવી જગ્યાઓ પર સેનાને તહેનાત કરવાનો અનુભવ છે, જેનો અનુભવ ચીનને નથી. સિયાચીનમાં આપણે પાકિસ્તાનની સરખામણીમાં મજબૂત સ્ટ્રેટેજિક પોઝિશન પર છે. જોકે સિયાચીનમાં પણ લડાઈ થઈ છે, જ્યાં 1987માં અટેક થયો હતો અને પાકિસ્તાન એ જગ્યાઓ પર કબજો કરવાની ઘણી વખત કોશિશ કરી ચૂક્યું છે. એમાંથી શીખ લઈને આપણે શિયાળામાં પણ સિયાચીનની પોસ્ટને ખાલી કરવાનું બંધ કરી દીધું.

કારગિલ પછી બદલાઈ તહેનાતી, પાકિસ્તાનની નજીક આવેલી નિયંત્રણ રેખા પર કારગિલ વિસ્તારની પોસ્ટને સેનાએ 1999 પછી શિયાળામાં ખાલી કરવાની બંધ કરી દીધી છે. આ ફેરફાર પાકિસ્તાની ઘૂસણખોરી અને પછી ફરી પોતાનાં શિખરોને કબજોમાંથી છોડાવવા માટે કારગિલ યુદ્ધ પછી થયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post