• Home
  • News
  • મહેસાણામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરામાં રાત્રે ગાજવીજ સાથે મેઘમહેર
post

મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી રચાયેલા થંડરસ્ટોર્મની અસર, 25 કિમીની ઝડપે પવન ફૂંકાયો, એક ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 08:45:01

અમદાવાદ: મહેસાણામાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી રચાયેલા થંડરસ્ટોર્મને કારણે અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 1 કલાકના ગાળામાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની જોરદાર ડમરી પણ ઊડી હતી. સૌથી વધુ સવા ઈંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો. 

રાત્રે 10 પછી તોફાની પવન બાદ વરસાદી ઝાપટું શરૂ થયું હતું. શહેરના થલતેજ, પકવાન, સેટેલાઈટ જોધપુર, શિવરંજની, સાયન્સ સિટી, સોલા, ચાણક્યાપુરી, ઘાટલોડિયા, શીલજ, વૈષ્ણોદેવી, નવા વાડજ, મણિનગર, ખાડિયા, ઈસનપુર, મેમ્કો, વટવા, દાણાપીઠ, આંબાવાડી, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કોતપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. 
મોડી રાત્રે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી.  થંડરસ્ટોર્મની અસરને કારણે અમદાવાદની આજુબાજુના 100થી 150 કિલોમીટરના વિસ્તારમાં વરસાદ થયો હતો.

ગાંધીનગર અને નડિયાદમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વડોદરામાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વૃક્ષો અને હોર્ડિંગ પડ્યાની ઘટનાઓ પણ સામે આવી છે. 

ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વસઈ તેમજ આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. મહેસાણામાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેરાલુમાં 3 મિલીમીટર અને વડનગરમાં 5 મિલીમીટર,  વિજાપુરમા 4 મિલીમીટર, અને વિસનગરમાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં ઝોનવાર વરસાદ

·         પૂર્વ- 10.5 મિલીમીટર

·         પશ્ચિમ- 17.13 મિલીમીટર

·         ઉ.પશ્ચિમ- 18 મિલીમીટર

·         દ. પશ્ચિમ- 37.5 મિલીમીટર

·         મધ્ય- 14 મિલીમીટર

·         ઉત્તર- 25.66 મિલીમીટર

·         દક્ષિણ- 21.75 મિલીમીટર

·         કુલ- 20.04 મિલીમીટર

 

adv

Related News

post
post
post
post
post
post
post