• Home
  • News
  • લોરેન્સ બિશ્નોઈની અમદાવાદ કોર્ટમાં અરજી:મને 'ગેંગસ્ટર' કે 'આતંકવાદી' સંબોધવામાં ન આવે, મારી સામે ગુનો પુરવાર થયો નથી; સરકારી વકીલે જવાબ આપવા સમય માગ્યો
post

તે છેલ્લાં 10 વર્ષથી જેલમાં બંધ છે. તે એકલો જ જેલમાં રહે છે. તેની કોઈ ગેંગ નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 17:54:54

અમદાવાદ ATS પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લોરેન્સ બિશ્નોઈ સંલગ્ન એન.ડી.પી.એસ કેસની તપાસ હાથમાં લીધી છે. NIAને 12 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાંથી લોરેન્સ બિશ્નોઈના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. પરંતુ ટેક્નિકલ કારણોસર લોરેન્સની કસ્ટડી NIAને 14 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે મળી હતી. જેથી શનિવારે અમદાવાદમાં ભદ્ર સેશન્સ કોર્ટ ખાતે આવેલી NIA કોર્ટમાં વધુ પાંચ દિવસના રિમાન્ડની માગ સાથે લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના બે દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે તે રિમાન્ડ પૂર્ણ થતાં તેને ફરી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં અમદાવાદ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

લોરેન્સ બિશ્નોઈ તરફથી કોર્ટને એક અરજી
લોરેન્સના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે NIA દ્વારા વધુ રિમાન્ડની માગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાની અરજી આપી હતી. આથી લોરેન્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. હવે તે અમદાવાદની સાબરમતી જેલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ તરફથી કોર્ટને એક અરજી આપવામાં આવી હતી. જેમાં તેણે માગ કરી હતી કે, કોર્ટ અને પોલીસ રેકોર્ડમાં તેના નામની સાથે 'ગેંગસ્ટર' કે, 'ટેરરિસ્ટ' શબ્દ ન વાપરવામાં આવે. તેની સામે એકપણ કેસ હજુ પુરવાર થયો નથી. તે એક વિદ્યાર્થી નેતા છે. તે છેલ્લાં 10 વર્ષથી જેલમાં બંધ છે. તે એકલો જ જેલમાં રહે છે. તેની કોઈ ગેંગ નથી.

દેશ માટે જીવી શકું છું અને મરી પણ શકું છું
લોરેન્સને ગેંગસ્ટર તરીકે અથવા આતંકવાદી તરીકે ચિતરવાથી અસામાજિક લોકો તેના નામનો લાભ ઉઠાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી શકે છે. પાકિસ્તાનના માણસો સાથે પણ તેનું કનેક્શન સાબિત થયું નથી. જે પાકિસ્તાનીઓ પકડાયા છે તે પણ ડ્રગ્સ કેસમાં પકડાયા છે. એટલા માત્રથી તેઓ આતંકવાદી સાબિત થઈ જાય નહીં. લોરેન્સ બિશ્નોઈએ દેશ વિરોધી કોઈ કામ કર્યું નથી. તે પોતે દેશને પ્રેમ કરે છે. તે દેશ માટે જીવી શકે છે અને મરી પણ શકે છે. ઉપરાંત લોરેન્સને ક્રાંતિકારી ભગતસિંહના ફોટાવાળી ટી-શર્ટ પહેરતા રોકવામાં આવ્યો હતો. લોરેન્સનું કહેવું છે કે, ભારતના નાગરિક તરીકે તેના હક છીનવી શકાય નહીં. આ સાથે જ લોરેન્સ બિશ્નોઈએ પોતાની અરજી નીચે વંદે માતરમ્, જય હિન્દ અને જય શ્રીરામ લખ્યું હતું. લોરેન્સની અરજી સંદર્ભે જવાબ આપવા સરકારી વકીલે ત્રણ દિવસનો સમય માગ્યો હતો.

39 કિલો હેરાઈન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીઓ પ્રમાણે લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાંથી હેરાઈન મંગાવીને સાઉથ આફ્રિકા મોકલવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ કેસમાં લોરેન્સના આદેશથી પાકિસ્તાનના કરાચીથી અબ્દુલ્લા અને જામિલ નામના શખસે હેરાઈનનું કંસાઈન્મેન્ટ બલુચિસ્તાનના એક બંદરથી બોટમાં કચ્છના મીઠા પોર્ટ ખાતે મોકલ્યું હતું. ATSએ બાતમીના આધારે કોસ્ટગાર્ડના સહયોગથી તે 39 કિલો જેટલું હેરોઈન ઝડપી પાડ્યું હતું. સાથે જ છ પાકિસ્તાની આરોપી મોહમ્મદ સફી, ઈમરાન અબ્દુલ, મોહસીન શહેઝાદ, જૌહર અહેમદ, કામરાન મુસા અને મોહમ્મદ સોહેલને પણ ઝડપી પાડ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post