• Home
  • News
  • 10 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું, મુંબઈ આવીને પાણીપૂરી વેચતો:જયસ્વાલ ગ્રાઉન્ડમાં ટેન્ટમાં રહીને ટ્રેનિંગ લેતો; હવે IPLમાં ચોથો સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બન્યો
post

યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 17:38:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ઘણા ખેલાડીઓનું નસીબ બદલી નાખ્યું છે, તેમાંથી એક ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં માત્ર 17 વર્ષની વયે 50 ઓવર ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે ઘણી મહેનત બાદ મોટી સફળતા હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ એક સમયે પેટ ભરવા માટે મુંબઈમાં પાણીપૂરી વેચતો હતો અને હવે આજે તે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તેણે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની ઐતિહાસિક 1000મી મેચમાં 62 બોલમાં 124 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તે IPLમાં ચોથો સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે.

ક્રિકેટરને જીવન જીવવા પાણીપૂરી વેચવી પડતી હતી
U-19
વર્લ્ડ કપ 2020 દરમિયાન યશસ્વી જયસ્વાલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે. માત્ર 10 વર્ષની ઉંમરે ઉત્તરપ્રદેશના ભદોહીમાં રહેતા યશસ્વીએ પોતાનું ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગયો હતો, કારણ કે તેનું સપનું હતું કે તે ક્રિકેટમાં આગળ વધે. યશસ્વી જયસ્વાલ મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપૂરી વેચતો હતો. યશસ્વી તેની ટ્રેનિંગ દરમિયાન ટેન્ટમાં રહીને રાત ગુજારતો હતો, પરંતુ તેના માટે આ કંઈ મોટી વાત નહોતી, કારણ કે તેણે મન બનાવી લીધું હતું કે તે ક્રિકેટમાં આગળ વધશે. આના માટે તેનામાં ખૂબ જ જુસ્સો હતો. યશસ્વી જયસ્વાલે U-19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી. આ માટે તેને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો હતો.

ટેન્ટમાં રહેવું પડતું હતું
જયસ્વાલ આઝાદ મેદાનમાં રામલીલા દરમિયાન પાણીપૂરી અને ફળો વેચતો હતો, જેથી કરીને તેને ભૂખ્યા પેટે સૂવું ના પડે. અમુક વખતે એવા દિવસો પણ હતા, જ્યારે તેને ખાલી પેટે સૂવું પડતું હતું. યશસ્વી ડેરીમાં કામ કરવા લાગ્યો. ડેરીવાળાએ તેને એક દિવસ કાઢી મૂક્યો. જયસ્વાલની મદદ માટે એક ક્લબ આગળ આવી, પરંતુ શરત રાખી કે જો તે સારું રમશે તો જ તેને ટેન્ટમાં રહેવા દેવામાં આવશે. ટેન્ટમાં રહેતા યશસ્વીનું કામ રોટલી બનાવવાનું હતું. અહીં તે લંચ અને ડિનર પણ લેતો હતો. પૈસા કમાવવા માટે યશસ્વીએ બોલ શોધવાનું અને લાવવાનું કામ પણ કર્યું હતું.

જ્વાલા સિંહના કોચિંગે જીવન બદલી નાખ્યું
આઝાદ મેદાનમાં યોજાતી મેચમાં ઘણીવાર બોલ ગુમ થઈ જતા હોય છે. બોલ શોધ્યા પછી પણ યશસ્વીને થોડા રૂપિયા મળતા હતા. એક દિવસ જ્યારે યશસ્વી આઝાદ મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે કોચ જ્વાલા સિંહની નજર તેના પર પડી. જ્વાલા પોતે ઉત્તરપ્રદેશના છે. જ્વાલા સિંહના કોચિંગ હેઠળ, યશસ્વીની પ્રતિભામાં એટલો સુધારો થયો કે તે એક સારો ક્રિકેટર બન્યો. યશસ્વી પણ જ્વાલા સિંહના યોગદાનનાં વખાણ કરતાં થાકતો નથી અને કહે છે, 'હું તેમનો દત્તક લીધેલો પુત્ર છું. આજે મને આ સ્થાને લાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા છે.'

IPLએ કરોડપતિ બનાવી દીધો
2020 IPL ઓક્શન દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયસ્વાલને 2.4 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો. યશસ્વી જયસ્વાલનું નામ ફરી એકવાર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે વિજય હઝારે ટ્રોફી મેચમાં ઝારખંડ સામે 154 બોલમાં 203 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના ભદોહીના રહેવાસી યશસ્વીએ પોતાનું બાળપણ અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું. જયસ્વાલ માત્ર 10 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો.

જયસ્વાલના નામે અનેક રેકોર્ડ

·         2015માં યશસ્વી જયસ્વાલે ગિલ્સ શિલ્ડ મેચમાં અણનમ 319 રન બનાવીને અને 13 વિકેટ લઈને સ્કૂલ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો, જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ દાખલ થયો હતો.  16 ઓક્ટોબર 2019ના રોજ યશસ્વી જયસ્વાલે ઝારખંડ સામે વિજય હઝારે ટ્રોફીની મેચમાં 154 બોલમાં 17 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે 203 રન બનાવ્યા હતા, જેણે 17 વર્ષ, 292 દિવસની ઉંમરે લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બેવડી સદી બનાવી હતી. આવું પરાક્રમ કરનાર સૌથી યુવા બેટર બન્યો હતો.

યશસ્વીએ 53 બોલમાં સદી ફટકારી હતી
યશસ્વી જયસ્વાલે શરૂઆતની ઓવરોથી જ અટેકિંગ રમવાનું કર્યું હતું. જોસ બટલર સાથે 71 રનની ભાગીદારી કર્યા બાદ તેણે છેલ્લી ઓવર સુધી બેટિંગ કરી અને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો હતો. યશસ્વીએ IPL કારકિર્દીની પ્રથમ સદી 53 બોલમાં ફટકારી હતી, તે 62 બોલમાં 124 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. હતી, તેનો સ્ટ્રાઇક રેટ 200 હતો. તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ સ્કોર બનાવવાની પણ બરાબરી કરી હતી. રાજસ્થાન તરફથી જોસ બટલરે પણ એક ઇનિંગમાં 64 બોલમાં 124 રન બનાવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post