• Home
  • News
  • પરિવારની નજર સામે જ દીપડો વૃદ્ધાને ખેંચી ગયો:24 કલાકમાં ત્રણને શિકાર બનાવ્યા બાદ અંતે દીપડો પાંજરે પુરાયો; 2નાં મોત, એક ગંભીર
post

અંતે, દીપડો પાંજરે પુરાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 18:01:11

ગીર સોમનાથ જિલ્લામાં જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં ઘૂસી આવી પ્રાણી અને લોકો ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવમાં વધારો થયો છે. ગઈકાલે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રિના સમયે બાળક ઘરની બહાર આવતાં જ દીપડો તરાપ મારી તેને ઉઠાવી ગયો હતો. કલાકોની શોધખોળ બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે સવારે ફરી એ જ દીપડો વૃદ્ધા પર હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ ઘટના હજુ સુત્રાપાડા પંથકના લોકો ભૂલ્યા નથી એવામાં 24 કલાકની અંદર ફરી દીપડાએ મોરડિયા ગામની સીમમાંથી પરિવારની સામેથી જ દીપડો વૃદ્ધાને ખેંચી ગયો હતો. પરિવારે બૂમાબૂમ કરતાં વૃદ્ધ મહિલાને મૃત હાલતમાં વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો હતો.

દીપડો વૃદ્ધાને ભરખી ગયો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામની સીમમાં રહેતાં વૃદ્ધ મહિલા રાજીબેન કરસનભાઈ ચાંડેરા તેમના ઘરે ઓસરીમાં બેઠાં હતાં. ત્યારે આદમખોર દીપડો તેમને ખેંચી ગયો હતો. પરિવારની નજર સામે જ ઉઠાવી જતાં પરિવારે બૂમાબૂમ કરી હતી, જેને લઈ વૃદ્ધ મહિલાને મૃત હાલતમાં વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો હતો.

મટાણા અને મોરડિયા ગામ વચ્ચે સીમવાડીમાં દીપડાનો આતંક
છેલ્લા 24 કલાકની અંદર આ દીપડાએ સુત્રાપાડા તાલુકાના મટાણા અને મોરડિયા ગામ વચ્ચે સીમવાડી વિસ્તારમાં કુલ 3 લોકો પર હુમલામાં બેનાં મોત થયાં છે, જેમાં એક મહિલા તેમજ એક બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

કલાકોની શોધખોળ બાદ ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો
સુત્રાપાડા તાલુકાના મટાણા અને મોરડિયા ગામ વચ્ચે સીમવાડી વિસ્તારમાં રહેતા બે વર્ષનો બાળક માનવ રમેશભાઈ જાદવ રાત્રિના સાડાઆઠ વાગ્યાના સમય દરમિયાન પોતાના પરિવાર સાથે ઘરે હતો. ત્યારે ઘરની બહાર નીકળતાં રેકી કરી બેઠેલો આદમખોર દીપડો આવી ચડ્યો હતો. બાળકને જોઈ દીપડો અચાનક તરાપ મારી ગળાના ભાગેથી પકડી તેમના પરિવારની નજર સામે જ ઉઠાવી ગયો હતો. તેમની માતા સહિત પરિવાર બૂમાબૂમ કરવા લાગતાં બૂમો સંભળાતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ આસપાસના ખેડૂતોએ આખી રાત બાળકની શોધખોળ હાથ ધરી હતી, તેમ છતાં બાળક મળી આવ્યું નહોતું. કલાકોની શોધખોળ બાદ બે વર્ષનું બાળક શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. પરિવારજનો પોતાના વાહલસોયા દીકરાના મૃતદેહને જોઇ ભારે આક્રંદ સાથે પડી ભાંગ્યાં હતાં.

દીપડાએ વૃદ્ધા પર હુમલો કરતાં સારવાર હેઠળ
બાળકના માથા તેમજ ગળાના ભાગે દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોઈ, બાળકના મૃતદેહને કોડીનાર સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બાળકના મોત બાદ એ જ દીપડા વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વૃદ્ધ મહિલા લક્ષ્મી સામતભાઈ નકુમ પોતાના ઘરની લોબીમાં સૂતાં હતાં આવી હુમલો કરતાં માથા તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતાં.

હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
જોકે આદમખોર દીપડાએ રાત્રિના બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહેલી સવારે વૃદ્ધા પર હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે.

અંતે, દીપડો પાંજરે પુરાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો
પરિવાર દ્વારા જ્યાં સુધી દીપડો ના પકડાય ત્યાં સુધી વૃદ્ધાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વન વિભાગ દ્વારા આદમખોર દીપડો આખરે પાંજરામાં કેદ થતાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આદમખોર દીપડો પાંજરે પુરાતાં લોકોએ હાશકારો લીધો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post