• Home
  • News
  • લૉકડાઉન-4 ગુજરાતમાં બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે
post

50% કર્મચારીઓ સાથે દુકાનો, સંસ્થાઓ, ઓફિસ ખોલવા પર વિચારણા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 08:49:57

ગાંધીનગર: ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો,સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો,મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. આ પછી મળેલી કોર કમિટીની બેઠકમાં એક બાબતે સર્વસહમતિ સધાઇ હતી કે, લૉકડાઉન બે તબક્કામાં રાખવું, પ્રથમ બે સપ્તાહ કે 15 દિવસમાં જે છૂટછાટ અપાય તેનું નિરીક્ષણ કરવું અને આ પછી બીજા તબક્કામાં તેના આધારે નવા ફેરફાર કરાશે તેમ ટોચના સુત્રોએ કહ્યું હતું. 


કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે 
તમામ જિલ્લા કલેકટરો,મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરો,પોલીસ કમિશ્નર,ડીએસપી સહિતના અધિકારીઓ સાથે દરેક જિલ્લાની વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં પ્રથમ તો જે વિસ્તારમાં દુકાનો ખુલી છે ત્યાં કેવી સ્થિતિ છે તેની ફીડબેક લેવાઇ હતી. કલેકટરો પાસેથી ફીડબેક પછી કોર કમિટીની મળેલી બેઠકમાં ગુજરાત લૉકડાઉન-4 કેવું રાખવું તે બાબતે ચર્ચા થઇ હતી. આ ચર્ચા વધુ એકવખત તા. 13મીમેના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચાશે અને પછી નિયમો તૈયાર થશે. આ નિયમો કેન્દ્ર સરકાર લૉકડાઉન-4ની જાહેરાત કરે પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે, પણ ગુજરાત સરકાર હોમવર્ક સ્વરૂપે લૉકડાઉન-4ના નિયમો તૈયારી કરી નાખશે. 


શહેરીજનો માટે સાંજે 7થી સવારે 7 બહાર નીકળવા પર પ્રતિબંધ યથાવત રહેશે
ઉનાળાની સીઝનમાં શહેરોમાં રાત્રે બરફના ગોળા,સોડા,આઇક્રીમ પાર્લર સહિતની દુકાનો પર લોકો રાત્રે નીકળતા હોય છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી સરકારે શહેરોમાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવાનું જ નક્કી કર્યું છે. જો કે, ગામડાઓમાં આ નિયમ લાગુ પડશે નહીં,આમછતા હજુ ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે,પણ શહેરોમાં તો પ્રતિબંધ જ રહેશે. 


ઓડ-ઇવન અને કર્મચારી 50 ટકા ઓન ડયૂટી આવી શકે
લૉકડાઉન-4માં તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવી સરકાર પ્રયાસ કરશે. ફરસાણ,મીઠાઇથી લઇને વાળંદની દુકાન કઇ રીતે ખોલી શકાય તે નક્કી કરાશે. આ માટે દુકાનોમાં ઓડ ઇવન પદ્ધતિ આવી શકે છે. મોટી ઓફિસ,સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે. રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે. 


લૉકડાઉન-4 દરમિયાન મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ અને ક્લબ બંધ જ રહેશે
રાજ્ય સરકારે એક બાબતે તો મન બનાવી લીધું છે કે, મોલ, મલ્ટિપ્લેક્સ, જિમ, ક્લબ હજુ બંધ જ રાખવા. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.