• Home
  • News
  • કોન્ટ્રેક્ટરની બદમાશી તો જુઓ!:નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ફાયરબ્રિગેડનાં સાધનો પર ખાલી નવાં સ્ટિકર લગાવી દીધા, તપાસ વગર જ વેલિડિટી વધારી દીધી
post

ફાયરનાં સાધનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સના નામે પોલંપોલ ચલાવવામાં આવી રહી હોય એવું જણાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 18:30:49

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 52 કરોડના ખર્ચે નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે પીપીપી ધોરણે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાયું છે. અહીં ફાયરબ્રિગેડનાં સાધનોના જરૂરી રિપેરિંગ અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ જે. કે. એસોસિયેટને આપવામાં આવ્યો હતો. સોમવારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા 10 લાખનો કોન્ટ્રેક્ટ આપવાની મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશનર સહિત પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોના માનીતા એવા આ કોન્ટ્રેક્ટરે લેવલ પાર્કિંગમાં કામગીરી કરી છે કે નહીં એ જોયા વિના જ કામ મંજૂર કર્યું છે.

સ્ટિકર ચોંટાડતાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી તપાસ કરશે
દિવ્ય ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ કોન્ટ્રેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં ફાયર ફાઈટિંગનાં સાધનોને ચેક કરવાની જગ્યાએ ફાયર એક્સટિંગ્વિશર પર ખાલી વેલિડિટી જેની પૂરી ગઈ હતી એના પર નવી તારીખ લખીને એક વર્ષ માટે વેલિડિટી વધારી હોવાનું સ્ટિકર મારી દીધું છે. ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે આ કામ મૂક્યું છે. કંપની દ્વારા વેલિડિટી પતી ગયા બાદ તેમણે માત્ર સ્ટિકર જ ચોંટાડી દીધા છે કે કેમ એ અંગે હું તપાસ કરી લઉં છું.

 

ફાયર એક્સટિંગ્વિશરની ફિલઅપ વેલિડિટી પૂરી થઈ ગઈ હતી
નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે ફાયરનાં સાધનો આવેલાં છે એ ધૂળ ખાતા નજરે જોવા મળ્યાં હતાં, એમાં ક્યાંય પણ મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય કે દર મહિને કે ત્રણ મહિને એનું ચેકિંગ કરવામાં આવતું હોય એવું જણાયું ન હતું. ફાયર એક્સટિંગ્વિશરમાં જે એક વર્ષની ફિલઅપ વેલિડિટી પણ પૂરી થઈ ગઈ હતી.

 

સોમવારે જ કોન્ટ્રેક્ટરને ફરી મંજૂરી અપાઈ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સોમવારે કોન્ટ્રેક્ટર જેકે એસોસિયેટને ફરીથી રૂ. 10 લાખનો કોન્ટ્રેક્ટ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યા સહિતના અધિકારીઓએ ત્યાં આ કંપનીએ ફાયરનાં સાધનોનું મેઇન્ટેનન્સ કર્યું છે કે કેમ એની વેલિડિટી પૂરી ક્યારે થઈ છે કે તેણે કામગીરી કરી છે એ જોયા વિના જ કામ મૂકી દીધું હતું. એ બાદ ભાજપના ચેરમેન મહાદેવ દેસાઈએ એને મંજૂર પણ કરી દીધું છે.

 

ફાયર એક્સટિંગ્વિશરની તપાસ વગર જ સ્ટિકર ચીપકાવી દેવાયાં
ફાયરબ્રિગેડનાં સાધનોમાં જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે એમાં વેલિડિટી 12 ડિસેમ્બર 2022ના રોજ થઈ ગયેલી હતી અને તેના બે મહિના પર થઈ ગયા બાદ પણ તેને ફરીથી તપાસ કરવામાં આવી ન હતી. તાત્કાલિક ધોરણે 27 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2024 સુધીનું વેલિડિટી વધારતું જેકે એસોસિયેટનું સ્ટિકર મારી દેવામાં આવ્યું છે. ફાયર એક્સટિંગ્વિશરને ચેક પણ કરવામાં આવ્યાં નથી કે એમાં જે પાઉડર છે એ ચાલે એવો છે કે કેમ એ તપાસવું જોઈએ, એ પણ ચેક કરવામાં આવ્યું નથી. ખાલી વેલિડિટી વધારતાં તેઓ દ્વારા સ્ટિકર જ મારી દેવામાં આવ્યાં છે. આમ, ફાયરનાં સાધનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સના નામે પોલંપોલ ચલાવવામાં આવી રહી હોય એવું જણાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post